‘370 હટાવવાનો ફેંસલો પાછો નહીં ખેંચાય’

‘370 હટાવવાનો ફેંસલો પાછો નહીં ખેંચાય’

સુપ્રીમને જણાવતી કેન્દ્ર સરકાર : મામલો ઉચ્ચ ખંડપીઠને મોકલવાનો નિર્ણય સુપ્રીમમાં સુરક્ષિત
નવી દિલ્હી, તા. 23 : સર્વોચ્ચ અદાલત સમક્ષ સરકાર તરફથી એટોર્નીજનરલ કે.કે. વેણુગોપાલે ગુરુવારે જણાવ્યું હતું કે, કલમ 370 ખતમ કરવાનો ફેંસલો કેન્દ્ર સરકાર પાછો નહીં ખેંચે. તમામ પક્ષોની દલીલ બાદ કોર્ટે મુદ્દાને મોટી ખંડપીઠ સમક્ષ મોકલવાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના ઐતિહાસિક ફેંસલાને પડકારતાં કરાયેલી અરજીઓની સુનાવણી દરમ્યાન એટોર્ની જનરલે સરકારનું વલણ સ્પષ્ટ કરતાં આવી વાત કહી હતી.
હું એ કહેવા માગું છું કે, જમ્મુ-કાશ્મીરની સંપ્રભુતા વાસ્તવમાં અસ્થસાયી હતી. આપણે રાજ્યોનો એક સંઘ છીએ, તેવું વેણુગોપાલે ઉમેર્યું હતું.
અગાઉ, કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના ફેંસલા વિરુદ્ધ અરજી કરનારાઓની દલીલોને પણ સુપ્રીમ કોર્ટે સાંભળી હતી.
કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, ત્રણ દિવસ સુધી સુનાવણી કરવામાં આવી છે અને હવે આ મામલો ક્યાં મોકલવાનો છે તે અંગે વિચાર કરવામાં આવશે.
આ અગાઉ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકાર તરફથી એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે જનમત સંગ્રહ ઉપર દલીલ રજુ કરતા કહ્યું હતું કે, અલગતાવાદી જનમત સંગ્રહનો મુદ્દો ઉઠાવતા આવ્યા છે કારણ કે તે જમ્મુ કાશ્મીરને અલગ સંપ્રભુ રાજ્ય બનાવવા માગે છે. આ જ કારણથી અલગતાવાદીને યોગ્ય ઠેરવી શકાય નહી. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, મહારાજાએ ભારતની મદદ માગી હતી કારણ કે રાજ્યમાં વિદ્રોહી ઘૂસી ચૂક્યા હતા. અપરાધિક ઘટનાઓ બની હતી અને આંકડા બતાવે છે કે અલગતાવાદીઓને પાકિસ્તાનમાં ટ્રેનિંગ આપવામાં આવી જેથી કાશ્મીરમાં બરબાદી ફેલાવી શકાય. આ સાથે કેકે વેણુગોપાલે એક એક કરીને ઐતિહાસિક ઘટનાનું વિવરણ આપ્યું હતું.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer