સાઉદીમાં ભારતીય નર્સ ઘાતકી વાયરસની ચપેટમાં

સાઉદીમાં ભારતીય નર્સ ઘાતકી વાયરસની ચપેટમાં
થિરુવનંતપુરમ, તા.23 : ચીનમાં અનેકનાં જીવ લેનાર ઘાતક વાયરસની ચપેટમાં હવે એક ભારતીય વ્યક્તિ પણ આવી ગઈ છે. સાઉદી અરેબિયાની હોસ્પિટલમાં કુલ મળીને ભારતની 30 નર્સને અલાયદા વોર્ડમાં મોકલી દેવામાં આવી છે. આ ત્રીસ કેરળની નર્સ પૈકી એક ઘાતકી કોરોનાવાયરસ પોઝિટિવ જણાયા બાદ તેમને આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતાં.
આ સમાચાર મળતાની સાથે જ કેરળનાં મુખ્યમંત્રી પિનારાઈ વિજયને વિદેશમંત્રી એસ.જયશંકરને પત્ર પાઠવીને તત્કાળ તેમની દરમિયાનગીરીની માગણી કરી છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેરળનાં આ તમામ લોકોને સાઉદી અરેબિયામાં ઉચિત સારવાર મળે તે માટે ભારત સરકારે તેનાં ઉપર ધ્યાન આપવું જોઈએ.
આ અંગે મળતા અહેવાલ અનુસાર સાઉદીનાં અભા શહેરની અલ હયાત હોસ્પિટલમાં નોકરી કરતી કેટલીક નર્સો ચીનથી ફેલાયેલા ખતરનાક વાયરસથી સંક્રમિત થઈ હતી. આ અસરગ્રસ્ત નર્સો પૈકી અમુક દ્વારા પોતાનાં સગા-સંબંધીઓને તેની જાણકારી આપતાં આ આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. અસરગ્રસ્તોને હોસ્પિટલનાં બે રૂમમાં અલગ કરી દેવામાં આવ્યા છે અને હજી સુધી તેમનાં યોગ્ય પરીક્ષણો પણ કરવામાં આવ્યા નથી.
વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને આ વિશે જણાવ્યું હતું કે, અસરગ્રસ્તોની હાલત સ્થિર છે અને ભારતીય દૂતાવાસ દ્વારા સતત સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. ઉક્ત હોસ્પિટલમાં 100 જેટલી ભારતીય નર્સો નોકરી કરે છે અને તેમાંથી 30ને અળગી પાડી દેવામાં આવી છે.

કોરોના વાયરસના વાંકે ચીને બે શહેરોમાં કર્યુ લોકડાઉન
બીજિંગ તા. 23: ચીનમાં કુલ 17નો ભોગ લઈ ચૂકેલા અને 600ને ચેપગ્રસ્ત બનાવનાર કોરોનાવાયરસના કેન્દ્રબિંદુ સમા બે શહેરો-વુહાન અને પાસેના હુઆંગગાંગમાં તંત્રેઁઁ લોકડાઉન જાહેર કર્યુ છે: આ શહેરોમાં જાહેર બસ, રેલસેવા સ્થગિત કરવા ઉપરાંત ઈન્ડોર મનોરંજન મથકો, સિનેઘરો, નેટકાફે બંધ કરી દેવાયા છે અને લોકોને, ખાસ સંજોગો સિવાય શહેર ન છોડવા વિનંતી કરાઈ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer