આજે ચૂંટણી થાય તો ? NDAની પચાસ સીટો ઘટી શકે

આજે ચૂંટણી થાય તો ?  NDAની પચાસ સીટો ઘટી શકે
મોદીની લોકપ્રિયતા અકબંધ : ઇન્ડિયા ટૂડેનો સર્વે

નવી દિલ્હી, તા.23 : દેશભરમાં મંદી, બેરોજગારીના જેવા પ્રશ્નો અને કેટલાંય રાજ્યોમાં નાગરિકતા કાનૂન સામે દેખાવો છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અકબંધ છે, જો કે ભાજપની લોકપ્રિયતામાં ઓટ આવી હોવાનું એક સર્વેમાં જણાયું છે. આજે લોકસભાની ચૂંટણી થાય તો? મૂડ અૉફ ધ નેશન : એ મુદ્દે ઇન્ડિયા ટૂડે-કાર્વીના સર્વેક્ષણમાં કેટલાંક રસપ્રદ તારણો મળ્યાં છે. આ તારણો પ્રમાણે વડા પ્રધાન મોદીની લોકપ્રિયતા અકબંધ છે, પરંતુ ભાજપની સીટો પચાસ સુધી ઘટી શકે છે.
સર્વેમાં પ્રશ્ન હતો કે બીજી ઇનિંગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરી કેવી છે? તેના જવાબમાં ખૂબ સારી કામગીરી 30 ટકા, સારી 38 ટકા મળીને 68 ટકા વૉટ મળ્યા હતા, જે ગયા વર્ષે લોકસભાની ચૂંટણી વખતે 71 ટકા હતા. લોકપ્રિયતામાં ત્રણ ટકાનો ઘટાડો જણાય છે પરંતુ મોદીની લોકપ્રિયતા લગભગ અકબંધ કહી શકાય, એની સામે સરેરાશ કામગીરીને 19 ટકા, નબળી કામગીરીને 9 ટકા અને ખૂબ નબળી કામગીરીને ચાર ટકા મતો મળ્યા છે.
સર્વે પ્રમાણે અત્યારે લોકસભાની ચૂંટણી થાય તો એનડીએની સીટો ભાજપની 271 સાથે 303 થઈ શકે. કૉંગ્રેસની 60 સાથે યુપીએની સીટો 108 અને અન્ય પાર્ટીઓની મળીને 132 સીટ આવે, અર્થાત એનડીએની સરકાર પાકી છે, માત્ર ભાજપની લોકપ્રિયતામાં ઓટ આવી છે.
કૉંગ્રેસને ફરીથી કોણ બેઠી કરી શકે? એવા સવાલના જવાબમાં સર્વેમાં ભાગ લેનારા 49 ટકા લોકોનું માનવું છે કે નેહરૂ-ગાંધી પરિવારની વ્યક્તિ જ આ કામ કરી શકે છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer