નિર્ભયાના ગુનેગારોને પૂછાઈ અંતિમ ઈચ્છા

નિર્ભયાના ગુનેગારોને પૂછાઈ અંતિમ ઈચ્છા
ફાંસીની તૈયારી શરૂ    4 દોષિતો અંતિમ ઈચ્છા જણાવવા અંગે હજી મૂક: સુરક્ષા સઘન બનાવાઈ

નવી દિલ્હી તા.23: નિર્ભયા કેસના ચાર દોષિતોને, કોર્ટ દ્વારા જારી ડેથ વોરંટ આદેશાનુસાર આગામી તા.પહેલીએ ફાંસી અપાવાની તારીખ નિશ્ચિત થઈ ચૂકી છે ત્યારે તેમને  અંતિમ ઈચ્છા પણ પૂછી લેવાઈ છે. જો કે હજી સુધી તેમના તરફથી કોઈ જવાબ અપાયો નથી.
પોતે કયા સ્વજનને મળવા ઈચ્છે છે કે પોતાની મિલકત કોઈ ચોક્કસ વ્યકિતને આપી જવા ઈચ્છે છે?
-તેવા પુછાયેલા પ્રશ્નના તેઓએ કોઈ જવાબ આપ્યા ન હોવાનું તિહાર જેલનાં સૂત્રો જણાવે છે. દોષિતો-મૂકેશસિંહ, વિનય શર્મા, અક્ષય સિંહ અને પવન ગુપ્તા-આ બેઉ બાબતે મૂક રહ્યા તે બાબત, ફાંસી અપાવા પહેલા વધુ સમય મળે તે માટે આશાવાદી હોવા સૂચવતા હોય તેમ જણાય છે એમ સૂત્રો જણાય છે. કસૂરવાનોએ છેલ્લી ઘડીએ કરેલી અરજીઓ ય ફાંસી નિશ્ચિત કરી દેવામાં જ પરિણમી છે, જે પહેલા બુધવારે અપાવાની હતી પણ પછી લંબાવીને તા.પહેલીએ સવારે છ કલાકે અપાશે. આ દોષિતોને ફાંસી આપવાની પ્રક્રિયા પૂરી કરવામાં વ્યસ્ત જેલ પ્રશાસને ફાંસી-તારીખ અંગે દોષિતોના સ્વજનોને પત્રથી જાણ કરી છે.
પત્રમાં જણાવાયાનુસાર સ્વજનો દોષિતો સાથે અંતિમ મુલાકાત કરી શકે છે, પરંતુ  જેલ પ્રશાસનને કોઈપણ સ્વજન તરફથી જવાબ મળ્યો નથી.
ગઈ કાલે સરકારે સર્વોચ્ચ અદાલત સમક્ષની અરજીમાં જણાવ્યું હતું કે ‘ફાંસીસજા અપાયેલા કેસોમાંની માર્ગદર્શિકા બદલવામાં આવે, જેથી દોષિતો કાનૂની વિકલ્પોનો લાભ લઈ ફાંસીસજા વિલંબિત કરતા રહી ન શકે. હાલના નિયમો દોષિતો પ્રતિ ઝુકાવવાળા હોઈ તેઓ કાયદા સાથે ખિલવાડ કરી ફાંસી વિલંબિત કરાવતા રહે છે.’ ડેથ વોરંટ પર સહી થઈ ગયા બાદ અરજી નોંધાવવાની મહેતલ અદાલત ઠરાવે તેવી માગણી  સરકારે અરજીમાં કરી હતી.( બુધવારે સવારે 7 કલાકે ફાંસી આપવા આદેશ આપ્યા બાદ એક દોષિતે દયાઅરજી કરી વધુ સમય મેળવ્યો હતો  તેમ જ ગુનો થયો ત્યારે પોતે 18થી ઓછી વયનો હોવાની પવન ગુપ્તાની અરજીમાંનો દાવો નકારી દેવાયો હતો).
તિહાર જેલની એક જ બેરેકમાં પણ અલગઅલગ સેલમાં રખાયેલા દોષિતોના સેલ રોજેરોજ બદલવામાં આવે છે. સેલમાં એવી કોઈ સંરચના તો નથી, જેની મદદથી દોષિત આપઘાતના પ્રયાસને અંજામ આપી શકે તે અંકે કરાયું છે. બહારના સુરક્ષાકર્મીએ દોષિત સાથે કોઈ વાતચીત ન કરવા કડક સૂચના અપાઈ છે અને દોષિતને જો બહાર કાઢવો પડે તેમ હોય તો તેને કાઢતા પહેલાં એ અંકે કરી લેવાય છે કે ત્યાં પૂરતી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ છે. રોજેરોજ સેલમાં સવારસાંજ જતો ચિકિત્સક આ દોષિતોના સ્વાસ્થ્યની જાંચ કરે છે. ડાયટ મુજબ તેઓને ભોજન અપાય છે. કાઉન્સેલીંગ દરમિયાન ચિકિત્સક તેઓને તેમનો વ્યવહાર સામાન્ય રાખવા તાકીદ કરે છે જેથી દિમાગ પર વધુ જોર દેવું ન પડે.
ફાંસીની સજાને મનફાવે ત્યારે પડકારી શકાય નહીં: સુપ્રીમ
નવીદિલ્હી,તા.23: નિર્ભયાનાં અપરાધીઓને ફાંસીની સજામાં વિલંબનાં કારણે કેન્દ્ર સરકારે દયાની અરજી ખારિજ થયા બાદ ફક્ત સાત દિવસમાં ફાંસીની વ્યવસ્થા માગતી અરજી કર્યાનાં બીજા દિવસે આજે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણીમાં કહ્યું છે કે, મૃત્યુદંડને દોષિત ઈચ્છા પડે ત્યારે પડકારી શકે નહીં.  વર્ષ 2008માં સાત હત્યાનાં એક કેસમાં દોષિત ઠરેલી એક પ્રેમીજોડીની ફેરવિચાર અરજીની સુનાવણીમાં અદાલતે આ ટિપ્પણી કરી હતી.
 
નરાધમો ઉપર રોજ 50 હજારનો ખર્ચ !
નવી દિલ્હી, તા. 23 : નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના ચારેય નરાધમ દોષીઓની સુરક્ષા પાછળ જેલ પ્રશાસનનો દરરોજ 50 હજાર રૂપિયા જેટલો ખર્ચ થઈ રહ્યો છે.
કોટડીની બહાર સતત તૈનાન રખાયેલા 32 સિકયોરિટી ગાર્ડ અને ફાંસી આપવા માટે કરાતાં અન્ય અનેક કામો પર આ પૈસા ખર્ચાય છે.
જેલના સૂત્રોએ જણાવ્યું હતું કે, ચારેય કાતિલોને તિહારની જેલ નં. 3માં અલગ-અલગ સેલમાં રખાયા છે. દરેક અપરાધીનીસેલ બહાર બે ગાર્ડ તૈનાત છે.
દર બે કલાકે આ ગાર્ડ્સને આરામ અપાય છે. દરેક દોષી માટે 24 કલાક માટે કુલ્લ આઠ-આઠ એટલે કે, ચાર હેવાન કેદીઓ માટે કુલ્લ 32 સિકયોરિટી ગાર્ડ તૈનાત
કરાયા છે.
જેલ અધિકારી કહે છે કે, ડેથ વોરંટ જારી થવાથી પહેલાં ચારેય દોષીને અલગ નહીં પરંતુ અન્ય કેદીઓ સાથે જ રખાતા હતા.
પરંતુ ડેથ વોરંટ જારી થયા પછી જેલમાંથી ભાગવાની કોશિશ ન કરે અથવા ફાંસી દેવામાં વિઘ્ન સર્જે નહીં તેની તકેદારી રાખવી જરૂરી બની છે.
સીસીટીવી કેમેરાથી સતત ચારેય દોષી પર નજર રખાઈ રહી છે. હવે ચારેયને પહેલી ફેબ્રુઆરીના એક સાથે ફાંસી અપાશે.
 
કંગનાએ જાહેરમાં ફાંસીની માગણી કરતાં નિર્ભયાની માતાએ માન્યો આભાર
ઈન્દિરા જયસિંહ ઉપર માનવઅધિકારના નામે બિઝનેસ કરવાનો આક્ષેપ
નવી દિલ્હી, તા. 23 : બોલિવૂડમાં બેબાક અભિનેત્રીની છબી ધરાવતી કંગના રણોતે નિર્ભયાના અપરાધીઓને છડેચોક ફાંસી આપવાની માગણી કરી છે. કંગનાના નિવેદન ઉપર નિર્ભયાની માતાએ પણ સહમતિ વ્યક્ત કરતા કહ્યું હતું કે, તે પોતાની પુત્રીને ન્યાય મળે તે માટે લડી રહ્યા છે. વધુમાં કંગના તરફથી મળેલા સમર્થન માટે આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેમજ કહ્યું હતું કે તે મહાન બનવા નથી માગતા માત્ર પુત્રી માટે ન્યાય ઈચ્છે છે. આ સાથે ઈન્દિરા જયસિંહ ઉપર ફરીથી પ્રહાર કરતા કહ્યું હતું કે, ઈન્દિરા જયસિંહ જેવા લોકો માનવઅધિકારના નામે ધંધો કરે છે અને માત્ર અપરાધીઓનું સમર્થન કરે છે.
વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે નિર્ભયાની માતા આશા દેવી સમક્ષ અપરાધીઓને માફ કરવાની વાત કરી હતી. જેનો આશા દેવીએ અગાઉ પણ જવાબ આપ્યો હતો. હવે કંગના તરફથી અપરાધીઓને જાહેરમાં ફાંસીના માચડે લટકાડવાનું નિવેદન આપવામાં આવ્યા બાદ ફરી એક વખત આશા દેવીએ જયસિંહ ઉપર પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે, તે માનવઅધિકારના નામે સમાજને દગો આપે છે અને બાળકીઓ ઉપર થતા અપરાધોની મજાક છે. આવા લોકો માનવઅધિકારના નામે ધંધો ચલાવે છે અને માત્ર અપરાધીઓને સમર્થન આપે છે. કંગનાએ ફિલ્મ પ્રીમિયર દરમિયાન કહ્યુ હતું કે, બળાત્કારી માઈનર ન હોય શકે. આવા લોકોને છડેચોક મારવા જોઈએ અને ફાંસી આપવી જોઈએ. જેથી બળાત્કાર શું છે તે ખ્યાલ રહે અને સજા યાદ રહે. કંગના રણોતે પણ ઈન્દિરા જયસિંહ ઉપર અગાઉ પ્રહાર કર્યો હતો અને તેઓને ચારેય અપરાધીઓ સાથે 4 દિવસ જેલમાં રાખવા જોઈએ તેમ કહ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer