ભ્રષ્ટાચાર રોકવા ડામરને બદલે સિમેન્ટનો રોડ બનાવો

ભ્રષ્ટાચાર રોકવા ડામરને બદલે સિમેન્ટનો રોડ બનાવો
કોંગી નગરસેવકો દ્વારા મ્યુનિ.તંત્રને આવેદન 
રાજકોટ તા.6 : શહેરમાં સામાન્ય વરસાદમાં પણ ડામર રોડનું ધોવાણ થઈ જાય છે અને તેના રિપેરીંગ માટે કરોડોનો ખર્ચ પ્રજાજનોની તિજોરીમાંથી ચૂકવવામાં આવે છે ત્યારે હવે તમામ 18 વોર્ડમાં સિમેન્ટ રોડનું આયોજન કરવાની માંગ સાથેનું આવેદનપત્ર આજે કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, વિપક્ષી નેતા વશરામ સાગઠિયા સહિતના આગેવાનો અને કોર્પોરેટરો દ્વારા આપવામાં આવ્યું છે.
આવેદનમાં જણાવાયું હતું કે,  દર વર્ષે રોડ તૂટે છે અને ફરી ફરીને કામ કરવા પડે છે. આથી તમામ 18 વોર્ડમાં જે રોડ પર વધુ પાણી પસાર થતું હોય અને વારંવાર ડામર કરવો પડતો હોય તેવા દરેક વોર્ડમાં એક-એક રોડ પસંદ કરીને સિમેન્ટ રોડ બનાવવામાં આવે તો પ્રજાના નાણાનો બગાડ અટકી શકે તેમ છે. ત્રણે ઝોનમાં ચોમાસાથી ડામર રોડને થયેલા બાવન કરોડના નુકશાનના અંદાજ સામે રાજય સરકારે રૂ.25 કરોડની ફાળવ્યાં છે તેમાંથી ડામરના બદલે સીમેન્ટ રોડ બનાવવામાં આવે તો ખાડાના ત્રાસમાંથી છુટકારો મળે તેમ છે. અગાઉ રૈયા- નાના મવા રોડ સિમેન્ટના બનાવીને સારા પરિણામ મળવા છતાં ઈજનેરો અન્ય સિમેન્ટ રોડ સુચવતા ન હોય ભ્રષ્ટાચારની બુ આવે છે કારણ કે સિમેન્ટ રોડના આયુષ્ય દસેક વર્ષના હોય છે.  રજૂઆતમાં પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, પૂર્વ પ્રમુખ મહેશ રાજપૂત, કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગર, એડવોકેટ અશોકાસિંહ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
કોંગ્રેસના નગરસેવકો પાસે માહિતીનો અભાવ : મેયર
રાજકોટ : શહેરમાં સીમેન્ટ રોડ બનાવવાની કોંગ્રેસની માંગણી સાથે આજે વધુ એક વખત કોંગ્રેસ પાસે અપૂરતી માહિતી હોવાનું મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું તેમણે ઉમેર્યુ હતું કે, વોર્ડ નં.11-12ને જોડાતા 150 ફૂટ રોડ પરના અને સૌથી વધુ પાણી ભરાવાની સમસ્યા વાળા ઉમિયા ચોકથી આગળ સિમેન્ટ રોડ બનાવવા ભૂગર્ભ લાઈનો ફેરવવા સહિતની કામગીરી શરૂ થઈ છે.  25 કરોડની ખાસ ગ્રાન્ટમાંથી તો ડામરકામ આમ પણ શરૂ થઈ ગયા છે. નાના મવાનો સીમેન્ટ રોડ છેક જડ્ડુસ રેસ્ટોરન્ટ સુધી પહોંચે છે. રૈયા રોડ પર સીમેન્ટ રોડ બન્યો છે. બાકી સીમેન્ટ રોડમાં ખુબ મોટો ખર્ચ આવતો હોય મનપા વિચારીને આયોજન કરે છે. આવા સર્વે પરથી ઉમિયા ચોકથી ગુરૂકુળ રોડને જોડતા વિશાળ માર્ગને સીમેન્ટથી મઢવાના કામનું ખાતમુહુર્ત થઈ ગયું છે. અંડરગ્રાઉન્ડ યુટીલીટી ફેરવવા ડકટ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer