પોપટપરામાં કુકર મારીને મહિલાની હત્યા કરનાર બુટલેગર, તેની પત્ની અને સાળી રિમાન્ડ પર

પોપટપરામાં કુકર મારીને મહિલાની હત્યા કરનાર બુટલેગર, તેની પત્ની અને સાળી રિમાન્ડ પર
ત્યકતા સાળીના સંતાનોને મળવા ન દેવા અને અરજી કર્યાના મનદુ:ખના કારણે બનેલી ઘટના
રાજકોટ, તા. 6: શહેરમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો હતો. પોપટપરામાં ત્રણ સંતાન સાથે રહેતી 45 વર્ષની હમીદાબહેન સલીમભાઇ રૂંજા નામની મહિલાની કુકરનો ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ ખૂન અંગે નામચીન બુટલેગર યાકુબ મુસાભાઇ મોટાણી, તેની પત્ની અનિષા ઉર્ફે  ફાતમા અને ત્યકતા સાળી પરવીન ઉર્ફે હકુની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેયને એક દિવસના રિમાન્ડ પર મેળવવામાં આવ્યા હતાં. ત્યકતા સાળીના સંતાનોને મળવા ન દેવા અને પોલીસમાં કરેલી અરજીના મનદુ:ખના કારણે આ ઘટના બની હતી.
પોપટપરામાં ગામેતી એપાર્ટમેન્ટમાં રહેતી હમીદાબહેન સલીમભાઇ રૂંજા નામની મહિલા અને તેનો પુત્ર અસ્પાક ઉર્ફે પીન્ટુ ગઇકાલે સાંજના પાંચ વાગ્યાના સુમારે તેના ઘેર હતી ત્યારે જામનગર રોડ પર બજરંગવાડી પાસેના મોમીનનગરમાં રહેતી અનિષા ઉર્ફે ફાતેમા ઉર્ફે બિલ્કીશ, તેની બહેન પરવીન ઉર્ફે હકુ અને બુટલેગર પતિ યાકુબ મુસાભાઇ મોટાણી વગેરે આવ્યા હતાં અને અમારા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે તે પાછી ખેંચી લેજો તેમ કહીને ઝઘડો કર્યો હતો. આ તકરાર દરમિયાન પરવીન ઉર્ફે હકુએ હમીદાબહેનને પકડી રાખ્યા હતાં અને અનિષાએ ઘરમાં પડેલુ કુકર  ઉપાડીને હમીદાબહેનના માથામાં મારી દીધું હતું. જ્યારે યાકુબ મોટાણીએ લાકડીથી હમીદાબહેનના પુત્ર અસ્પાકને માર માર્યો હતો. બાદમાં તમામ નાસી ગયા હતાં. આ તકરારમાં ઘવાયેલા હમીદાબહેન અને તેનો પુત્ર સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતાં.
હમીદાબહેનની ફરિયાદ પરથી અનિષા પરવીન અને યાકુબ મોટાણી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. મોડીરાતના સારવાર દરમિયાન હમીદાબહેનનું મૃત્યુ નિપજતા બનાવ ખૂનમાં પરિણમ્યો હતો.  બાદમાં પોલીસે યાકુબ મોટાણી, તેની પત્ની અનિષા અને સાળી પરવીનની ધરપકડ કરી હતી. આ અંગેની વિગતો આપતા એસીપી ગેડમે જણાવ્યું હતું કે, મૃતકનો પુત્ર અસ્પાક ઉર્ફે પીન્ટુ જંકશન પ્લોટમાં આવેલ ગંગા કંગન નામની દુકાનમાં નોકરી કરે છે. ત્યાં અનિષા ઉર્ફે ફાતમા વગેરે ગયા હતાં અને તેની સાથે ઝઘડો કર્યો હતો. આ અંગે અસ્પાકે પોલીસમાં ફરિયાદ અરજી કરી હતી. તપાસ દરમિયાન ઝઘડો થયો ન હોવાનું અને સામાન્ય બોલાચાલી થયાની વિગતો મળી હતી. બાદમાં અસ્પાકના ઘેર અનિષા, તેની બહેન પરવીન અને પતિ યાકુબ મોટાણી વગેરે ગયા હતાં અને ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં કુકર માથામાં મારી દેતા હમીદાબહેન રૂંજાનું ખૂન થયું હતું. આ બનાવ પાછળના કારણમાં એક કારણ એવું બહાર આવ્યું છે કે, મૃતક હમીદાબહેન જેના મકાનમાં ભાડે રહે છે તે હનીફભાઇ જુણેજાના પુત્ર રીઝવાન સાથે પરવીન ઉર્ફે હકુની શાદી કરવામાં આવી હતી. પરવીન બે પુત્રની માતા બની હતી. બાદમાં પતિ-પત્ની વચ્ચે મનદુ:ખ થતાં તલાક થઇ ગયા હતાં. તેના બન્ને પુત્રને આબુ ખાતેની હોસ્ટેલમાં રાખીને ભણાવવામાં આવે છે. બીજીતરફ પરવીન ઉર્ફે હકુ તેની બહેન અનિષા મોટાણી સાથે રહેવા જતી રહી હતી. પરવીન તેના પુત્રને મળવા ઇચ્છતી હતી. પરંતુ તેના સસરા હનીફભાઇને મૃતક હમીદાબહેન ચડામણી કરતી હોવાથી મનદુ:ખ   ચાલતુ હતું. આ મનદુ:ખ હત્યા સુધી પહોંચ્યું હતું. પોલીસે યાકુબ મોટાણી, તેની પત્ની અનિષા અને સાળી પરવીનને કોર્ટમાં રજુ કરીને એક દિવસના રિમાન્ડ પર મેળવ્યા હતાં.
યાકુબ સામે દારૂના 50થી વધુ ગુના નોંધાયા છે
ખૂનમાં પકડાયેલા યાકુબ મુસાભાઇ મોટાણી નામચીન બુટલેગર છે. તેની સામે રાજકોટ સહિત ગુજરાતમાં દારૂ 50થી વધુ ગુના નોંધાયા છે. તેની ચાર વખત પાસામાં અટકાયત પણ કરવામાં આવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer