ઘંટેશ્વરની બ્રહ્મનાથ સોસાયટી સુવિધા ઝંખે છે

ઘંટેશ્વરની બ્રહ્મનાથ સોસાયટી સુવિધા ઝંખે છે
સોસાયટી પાસેના નાલામાં ભૂગર્ભ ગટરનું પાણી છોડવામાં આવતાં રહીશો પરેશાન
જનકસિંહ ઝાલા
રાજકોટ, તા.6 :  રાજકોટ મનપાની હદમાં ભળવા માટે ઘંટેશ્વરના ગ્રામજનોએ ચોખ્ખી ‘ના’ પાડી દીધી છે જે પાછળનું કારણ અહીં પૂરતી સુવિધાઓ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ એ જ ગામની હદમાં આવતી બ્રહ્મનાથ સોસાયટીના રહેવાશીઓનું કંઈક અલગ જ કહેવું છે.
બ્રહ્મનાથ સોસાયટી અનેક પાયાની સુવિધાઓ વંચિત છે. સોસાયટી પાસે જ વર્ષો જૂનું ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે જ્યાં અનેક ભાવિકો દર્શનાર્થે આવે છે. મંદિરના પૂજારી સુખાભાઈ હુંબલના જણાવ્યાનુસાર રાજાશાહી વખતનું આ મંદિર છે જેમાં માં ખોડિયાર સહિત સાતેય બહેનો બિરાજમાન છે. એક સમયે અહીંથી ફૂલઝર નદી વહેતી હતી પરંતુ હવે તે નદી નાલુ બની ગઈ છે. કોર્પોરેશને રૈયા નજીક સમ્પ બનાવ્યો છે ત્યાંથી ભૂગર્ભ ગટરનું જોડાણ પણ આપવામાં આવ્યું છે એ પાણી આજી-3 ડેમ સીધુ પહોંચી શકે તેમ છે પરંતુ સિંચાઈ માટે કેટલાક ગણ્યાંગાઠયાં ખેડૂતોના હિત સાચવવા માટે આ પાણી સીધુ નાલામાં જ છોડવામાં આવે છે જેના કારણે માત્ર મંદિરે આવતા ભક્તો જ નહીં પરંતુ આસપાસના સોસાયટીધારકોને પણ અનેક પરેશાની વેઠવી પડે છે.
સોસાયટીના રહેવાસી હર્ષાબેન અને જાગૃતિબેને જણાવ્યું હતું કે, નાલામાં વહેતા ભૂગર્ભ ગટરના ફીણયુક્ત પાણીને લીધે આસપાસના વિસ્તારોમાં માથુ ફાડી નાખે તેવી દુર્ગંધ આવે છે. આ વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે. દવા છંટકાવ માટે કોઈ આવતું નથી. ઘરોમાં કરેલા બોરમાં પણ હવે ગટરનું પાણી ભળી રહ્યું છે જેના કારણે ચામડીને લગતી બિમારીઓ તથા માથાના વાળ ખરવાની ફરિયાદો વધી છે. ચોમાસામાં તો સ્થિતી ખૂબ જ દયનીય થઈ જાય છે. અહીંથી પસાર થતો માર્ગ બંધ થઈ જાય છે જેના કારણે અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે.
સોસાયટીધારકોએ આક્ષેપ કર્યો હતો કે, અહીં સ્ટ્રીટલાઈટની પણ પૂરતી સુવિધા નથી. આ મુદ્દે ગ્રામપંચાયતને અસંખ્ય વખત રજૂઆતો કરવા છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
પંચાયત તોતિંગ વેરો ઉઘરાવે છે છતાં સુવિધાનો અભાવ :રહીશો
સોસાયટીધારકોએ આક્ષેપ કર્યો હતો કે, ગ્રામપંચાયત ઘર દિઠ વર્ષે રૂ.3200નો વેરો ઉઘરાવે છે. આ ઉપરાંત પાણી ચાર્જ પેટે રૂ.800 વસૂલે છે છતાં જે સુવિધા મળવી જોઈએ તે મળતી નથી. શહેરી વિસ્તારોમાં કોર્પોરેશન જે વેરો વસૂલે છે તેના કરતા પણ આ રકમ વધારે છે. આટલો વેરો ભરવા છતાં પણ પૂરતી સુવિધા ન મળતી હોય તો રાજકોટની હદમાં ભળવું જ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer