હૈદરાબાદના હેવાનો હણાયા

હૈદરાબાદના હેવાનો હણાયા
વહેલી સવારે રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લઈ જવાયેલા ચારેય આરોપીએ હથિયારો છીનવીને ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસનાં ગોળીબારમાં ઠાર ઈં માનવ અધિકાર પંચનો તપાસનો આદેશ
દેશભરમાં એનકાઉન્ટરની ઉજવણી અને વિવાદ પણ ભડક્યો : હાઈકોર્ટે મૃતદેહો સાચવવા હુકમ કર્યો
હૈદરાબાદ, તા.6: નિર્ભયાકાંડ બાદ ફરી એકવાર સમગ્ર દેશને ખળભળાવી મૂકનાર હૈદરાબાદમાં એક મહિલા વેટરનરી તબીબ ઉપર સામુહિક બળાત્કાર અને હત્યાનાં નૃશંસ અપરાધિક ઘટનામાં આજે નાટકીય વળાંક આવ્યો હતો અને મળસકે ભાગવાનો પ્રયાસ કરતાં ચારેય હેવાનોને પોલીસે એનકાઉન્ટરમાં મોતને ઘાટ ઉતારી દીધા હતાં. હૈદરાબાદનાં આ ભયાનક બળાત્કારકાંડ પછી સમગ્ર દેશમાં તાત્કાલિક ન્યાયની માગ બુલંદ બની હતી અને તેનાં પડઘા સંસદમાં પણ સંભળાયા હતાં. જો કે હવે ચારેય દરિંદા મરાયા બાદ દેશનાં અનેક ખૂણામાંથી એનકાઉન્ટર સામે પ્રશ્નસૂચક દાવા-દલીલોનાં કારણે વિવાદ પણ સર્જાઈ ગયો છે. જ્યારે એનકાઉન્ટરનાં સ્થળે એકઠી થયેલી મોટી મેદનીએ પોલીસ અધિકારીઓનું પુષ્ટવૃષ્ટિથી સ્વાગત કર્યુ હતું જેમાં લોકલાગણીનો પડઘો સંભળાતો હતો. આવી જ રીતે સમગ્ર દેશમાં આ બર્બર ઘટનામાં સમયસર ન્યાય તોળાયાની લાગણીનું મોજું પણ ફરી વળ્યું હતું. બીજીબાજુ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે આ એનકાઉન્ટરની ઘટનાને સંજ્ઞાન લઈને તપાસનો આદેશ પણ આપ્યો હતો. આરોપીઓના પરિવારો દ્વારા મૃતદેહો સ્વીકારવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. જોકે, એક આરોપીની પત્ની દ્વારા ન્યાયની માગણી કરવામાં આવતાં હાઈકોર્ટે પણ આકરું વલણ અપનાવીને સોમવારે રાતે 8 વાગ્યા સુધી મૃતદેહો સાચવી રાખવા વચગાળાનો આદેશ કર્યો છે.
આ એનકાઉન્ટર વિશે આજે સાયબરાબાદ પોલીસ કમિશનર વી.સી.સજ્જનારે પત્રકાર પરિષદ યોજીને સમગ્ર ઘટનાક્રમ મીડિયા સમક્ષ વર્ણવ્યો હતો. જે મુજબ બળાત્કારનાં ચારેય આરોપી મોહમ્મદ આરીફ (26), જોલુ શિવા (20), જોલુ નવીન (20) અને ચીંતાકુટા ચેન્નાકેશવુલુને ગુરુવારની રાત્રે ત્રણેક વાગ્યે 10 પોલીસકર્મી હૈદરબાદથી પચાસેક કિ.મી. દૂર ચટ્ટાપલ્લી પાસે લઈ ગયા હતાં. જ્યાંથી પીડિતાનો સળગાવી દેવાયેલો મૃતદેહ મળ્યો હતો એ સ્થળે ચારેય આરોપીને લઈ જઈને સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન (નિદર્શન) કર્યુ હતું. જે દરમિયાન પોલીસને પીડિતાનો મોબાઈલ ફોન પણ હાથ લાગ્યો હતો.
સજ્જનારે આગળ આપેલી સિલસિલાબંધ વિગતો અનુસાર પોલીસે વૈજ્ઞાનિક ઢબે તપાસ પછી જ ચારેય આરોપીની ધરપકડ કરી હતી. અદાલતે 10 દિવસની પોલીસ કસ્ટડી ચારેય આરોપીઓની આપેલી. જેમાં 4 અને પ ડિસેમ્બરે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે પરોઢે ચારેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યા હતાં. ત્યારે કોઈ આરોપીને હાથકડી પહેરાવવામાં આવેલી નહોતી. એક તબક્કે મોકાનો લાભ ઉઠાવતાં આરીફ અને ચિંતાકુટા પોલીસનાં હથિયાર છીવની લીધા અને ડંડા અને પથ્થરથી પણ પોલીસકર્મીઓ ઉપર હુમલો બોલાવી દીધો હતો. બે આરોપીએ તો પોલીસ ઉપર ગોળી પણ છોડી હતી. જેમાં બે પોલીસકર્મી ઘાયલ પણ થયા છે. આમ છતાં પોલીસે વળતાં ગોળીબાર કરતાં પહેલા આરોપીઓને તાબે થઈ જવા ચેતવણીઓ આપી હતી પણ સ્થિતિ કાબૂમાં નહીં આવતાં આખરે પોલીસે પણ ગોળીબાર કરવાં પડયા હતાં અને તેમાં ચારેય આરોપી મરાયા હતાં. આ સામસામા ગોળીબાર પણ દસેક મિનિટ સુધી ચાલેલા. આ સમગ્ર ઘટના પ.4પથી 6.1પ દરમિયાન બની હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. ચારેય મૃતકોનાં શબ જપ્ત કરીને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતાં.
સજ્જનારને જ્યારે માનવ અધિકાર વિશે સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમણે દૃઢતાપૂર્વક જવાબ આપતાં કહ્યું હતું કે માનવ અધિકાર તરફથી કરવામાં આવતાં કોઈપણ પ્રકારનાં સવાલોનો ઉચિત જવાબ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 27મી નવેમ્બરે વ્યસ્ત હાઈવે ઉપર એક ટોલબૂથ પાસે પીડિત મહિલા તબીબે પોતાનું સ્કૂટર પાર્ક કર્યુ હતું અને તેમાં આરોપીઓએ પંચર પાડી દીધું હતું. જેને રિપેર કરાવી આપવાનાં નામે તેને ભોળવીને ટ્રકયાર્ડમાં લઈ જવાઈ હતી. જ્યાં તેનાં ઉપર સામુહિક બળાત્કાર ગુજારીને ચારેય ટ્રક ડ્રાઈવર અને ક્લીનરે તેને શહેરથી દૂર લઈ જઈને સળગાવીને હત્યા નીપજાવી નાખી હતી.    

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer