પોક્સોમાંથી દયા અરજીની જોગવાઇ હટાવવા રાષ્ટ્રપતિનું સૂચન

પોક્સોમાંથી દયા અરજીની જોગવાઇ હટાવવા રાષ્ટ્રપતિનું સૂચન
મહિલાઓ વિરુદ્ધ અપરાધોથી રાષ્ટ્રપતિ ચિંતિત

માઉન્ટ આબુ, તા. 6 : દેશભરમાં મહિલાઓ વિરુદ્ધ વધતા ગુનાઓ પર ચિંતા વ્યક્ત કરતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, પોક્સો કાયદા હેઠળ આવા અપરાધીઓ માટે દયા અરજીનો વિકલ્પ હટાવવામાં આવવો જોઈએ. રાજસ્થાનના માઉન્ટ આબુમાં બ્રહ્મકુમારીઝ સંસ્થાના કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, પોક્સો કાયદામાં માફીની જોગવાઈ સમાપ્ત થવી જોઈએ.
તેમણે કહ્યું કે, સંસદે આ દિશામાં વિચાર કરવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓ વિરુદ્ધના આસુરી અપરાધોને રોકવા માટે એ જરૂરી છે કે આપણે યુવકોનાં મનમાં મહિલાઓ પ્રતિ સન્માનનો ભાવ ઉત્પન્ન કરીએ.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, મહિલા સુરક્ષા એક ગંભીર વિષય છે. આ દિશામાં ઘણું કામ થયું છે પરંતુ હજુ પણ ઘણું કામ થવું બાકી છે. યુવકોનાં મનમાં મહિલાઓ તરફ સન્માનની ભાવનાને મજબૂત કરવાની જવાબદારી દેશના દરેક માતા-પિતાની છે, મારી અને તમારી પણ છે.
રામનાથ કોવિંદે દેશના રાષ્ટ્રપતિને પ્રથમ નાગરિક ગણવાની નવી પરિભાષા પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો આ દેશમાં 135 કરોડ લોકો હોય તો તેઓમાં પ્રથમ નાગરિક હોવાનો અર્થ શું છે.  માની લ્યો કે એક ગોળાકારમાં 135 કરોડ લોકો ઊભા રહી જાય તો પછી હું જ નહીં જેમના તરફ પણ આંગળી રાખવામાં આવશે તે પહેલો નાગરિક હશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer