સિંચાઈ કૌભાંડમાં અજિત પવારને ક્લીન ચિટ

સિંચાઈ કૌભાંડમાં અજિત પવારને ક્લીન ચિટ
મુંબઈ, તા. 6 : મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ સિંચાઈ કૌભાંડમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારને ક્લીન ચિટ આપી છે. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચમાં 27 નવેમ્બરના રોજ એસીબીએ સોગંદનામું દાખલ કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે એજન્સીઓના ભ્રષ્ટાચાર માટે વીઆઈડીસીના ચેરમેન તરીકે અજિત પવારને જવાબદાર ઠેરવી શકાય નહી કારણ કે અજિત પવારની કોઈ કાયદાકીય જવાબદારી નથી બનતી.  એન્ટી કરપ્શન બ્યૂરોના પ્રમુખ અને મુંબઈના પોલીસ કમિશનર સંજય બારવેએ પણ થોડા વર્ષ પહેલા કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું. એસીબીના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું હતું કે, ગોસીખુર્દ અને જીગાવ પરિયોજના માટે ટેન્ડરની ફાઈલ ઉપર અજિત પવારે હસ્તાક્ષર કર્યા હતા. હવે નવા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે વિદર્ભ ઈરિગેશન ડેવલોપમેન્ટ કોર્પોરેશને તમામ જોગવાઈનું પાલન કર્યું છે. જેના કારણે ઓબ્ઝર્વેશન રદ કરવામાં આવ્યું. 25 નવેમ્બરના મહારાષ્ટ્રની રાજકીય ઉઠાપટક વચ્ચે અજિત પવાર સામેના 9 કેસ બંધ કરવાની ઘોષણા કરવામાં આવી હતી તેમજ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે નવ કેસ સાથે અજિત પવારને કોઈ સંબંધ નથી.
આ અગાઉ સિંચાઈ કૌભાંડમાં અજિત પવાર આરોપી હતા અને ફડણવીસ તરફથી અજિત પવારને જેલમાં ધકેલવાના નિવેદનો આપવામાં આવી રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer