કિંગ કોહલી સામે વિન્ડિઝ ઘૂંટણિયે: ભારતનો છ વિકેટે આક્રમક વિજય

કિંગ કોહલી સામે વિન્ડિઝ ઘૂંટણિયે: ભારતનો છ વિકેટે આક્રમક વિજય
મેન ઓફ ધ મેચ વિરાટ કોહલીની છ છગ્ગા અને છ ચોગ્ગા સાથેની અણનમ 94 રનની આતશી ઈનિંગ: રાહુલની અર્ધ સદી
18.4 ઓવરમાં 3 વિકેટે 209 રન કરી વિન્ડિઝને હાર આપી: શ્રેણીમાં ભારતની 1-0ની સરસાઈ
હૈદરાબાદ, તા.6: વર્લ્ડ ક્રિકેટના કિંગ વિરાટ કોહલીની આતશી 94 રનની અણનમ ઈનિંગથી વેસ્ટ ઈન્ડિઝ સામેના પહેલા ટી-20 મેચમાં ભારતનો 6 વિકેટે આક્રમક વિજય થયો હતો. સુકાની વિરાટ કોહલી 50 દડામાં છ છગ્ગા અને છ ચોગ્ગાથી શાનદાર 94 રને અણનમ રહ્યો હતો. ભારતે તેના ટી-20 ઈતિહાસનો સૌથી મોટો વિજય લક્ષ્યાંક 208 રનનો 8 દડા બાકી રાખીને પાર પાડી લીધો હતો. કોહલી સિવાય કે.એલ.રાહુલે પણ 40 દડામાં 5 ચોગ્ગા અને 4 ચોગ્ગાથી 62 રનની ઝડપી ઈનીંગ રમી હતી.
સુકાની વિરાટ કોહલીએ અદ્ભૂત સ્ટ્રોકફૂલ બેટીંગ કરીને વેસ્ટ ઈન્ડિઝના તમામ બોલરોને મેદાનની ચારેબાજુ ઝુડી નાખ્યા હતા. એક સમયે ભારતને 47 દડામાં જીત માટે 90 રનની જરૂર હતી. ત્યારે કોહલીએ કાઉન્ટર એટેક કરીને કેરેબીયન બોલરો સામે ચોગ્ગા, છગ્ગાનો વરસાદ વરસાવી ભારતને જીત અપાવી હતી. રોહિત શર્મા (8) નિષ્ફળ રહ્યાં બાદ કોહલી અને રાહુલ વચ્ચે 62 દડામાં 100 રનની ભાગીદારી થઈ હતી. આ પછી ત્રીજી વિકેટમાં કોહલી અને પંત વચ્ચે માત્ર 19 દડામાં 48 રન ઉમેરાયા હતા. પંત 9 દડામાં 18 રન કરી આઉટ થયો હતો. તેણે બે છગ્ગા લગાવ્યા હતા. શ્રેયસ (4) નિષ્ફળ રહ્યો હતો. શિવમ દુબે કોહલી સાથે અણનમ રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝનો બોલર વિલિયમ્સ ધોવાયો હતો. તેણે 3.4 ઓવરમાં 60 રન આપ્યા હતા.  ટોસ જીતીને મોટાભાગે લક્ષ્યનો પીછો કરવાનું પસંદ કરતી ભારતીય ટીમે આજે પણ પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. જો કે, ભારતીય સુકાની વિરાટ કોહલીનો આ નિર્ણય ખરો સાબિત થયો ન હતો. ભારતની નબળી બોલિંગ-ફિલ્ડિંગનો ભરપૂર લાભ ઉઠાવીને પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝની ટીમે આક્રમક બેટિંગ કરીને નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 207 રન ખડકી દીધા હતા. વિન્ડિઝે આખરી પાંચ ઓવરમાં આક્રમક બેટિંગ કરીને 63 રનનો ઉમેરો કર્યો હતો. 
પ્રારંભે 13 રનમાં એક વિકેટ ગુમાવ્યા બાદ કેરેબિયન બેટ્સમેનોએ આતાશી બેટિંગ કરી હતી. લેવિસે 17 દડામાં 3 ચોક્કા અને 4 છગ્ગાથી 40 રન બનાવ્યા હતાં. તેણે કિંગ (31) સાથે બીજી વિકેટમાં માત્ર 26 દડામાં 51 રનની ભાગીદારી કરી હતી. જ્યારે હેટમાયરે અર્ધસદી ફટકારીને 41 દડામાં બે ચોક્કા અને 4 છગ્ગાથી 56 રન ઝૂડી નાખ્યા હતા. તેના અને સુકાની પોલાર્ડ (37) વચ્ચે ચોથી વિકેટમાં 42 દડામાં 71 રનની ઝડપી ભાગીદારી થઈ હતી. પોલાર્ડ 19 દડામાં ચાર ગગનચૂંબી છગ્ગા અને 1 ચોક્કાથી 37 રને ચહલના દડામાં બોલ્ડ થયો હતો.  આ પછી આખરી તબક્કે હોલ્ડર અને રામદીને ભારતની દિશાહીન બોલિંગ અને અસ્તવ્યસ્ત ફિલ્ડિંગનો ભરપૂર લાભ લઇને 15 દડામાં 34 રનની અતૂટ ભાગીદારી કરી હતી. હોલ્ડર 9 દડામાં 2 છગ્ગા અને 1 ચોક્કાથી 24 રને તથા રામદીન 7 દડામાં 11 રને અણનમ રહ્યા હતા. આથી વેસ્ટ ઇન્ડિઝે 20 ઓવરના અંતે 10.35ની સરેરાશથી પાંચ વિકેટે 207 રનનો જંગી જુમલો નોંધાવ્યો હતો.  દિપક ચહરે 4 ઓવરમાં 1 વિકેટ લઇને 56 રન લૂંટાવ્યા હતા.
સ્કોરબોર્ડ : વેસ્ટ ઇન્ડિઝ
સિમન્સ કો. રોહિત બો. ચહર 2, લેવિસ એલબીડબલ્યુ બો. સુંદર 40, કિંગ સ્ટ. પંત બો. જાડેજા 31, હેટમાયર કો. રોહિત બો. યજુવેન્દ્ર 56, પોલાર્ડ બો. યજુવેન્દ્ર 37, હોલ્ડર નોટઆઉટ 24, રામદીન નોટઆઉટ 11, વધારાના : 6, કુલ : 20 ઓવરમાં 5 વિકેટે 207. વિકેટ ક્રમ : 13, 64, 101, 172, 173, બોલિંગ : સુંદર 3-0-34-1, ચહર 4-0-56-1, ભુવનેશ્વર 4-0-36-0, જાડેજા 4-0-30-1, ચહલ 4-0-36-2, શિવમ 1-0-13-0.
ભારત: રોહિત કો.હેટમાયર બો.પેરી 8, રાહુલ કો.પોલાર્ડ, બો.પેરી 62, કોહલી અણનમ 94, પંત કો.હોલ્ડર બો.કાર્ટરેલ 19, ઐયર કો.એન્ડ બો.પોલાર્ડ 4, દુબે અણનમ 0, એકસ્ટ્રા 23 18.4 ઓવરમાં 4 વિકેટે 209, વિકેટ ક્રમ 30,130, 178,193, બોલીંગ: કાર્ટેરેલ 4-0-24-1, હોલ્ડર: 4-0-46-0, પેરી: 4-0-44-2, વેલ્સ:2-0-19-0, વિલિયમ્સ: 3.4-0-60-0, પોલાર્ડ: 1-0-10-1

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer