કાલાવડ પાસે ગોઝારો અકસ્માત: પાંચનાં મૃત્યુ

કાલાવડ પાસે ગોઝારો અકસ્માત: પાંચનાં મૃત્યુ
જામનગર/કાલાવડ/નવાગામ, તા.6 : જામનગર-જૂનાગઢ હાઈ-વે પર કાલાવડ નજીક ભાવાભી ખીજડિયા ગામના પાટિયા પાસે આજે સાંજે ગોઝારો અકસ્માત થયો હતો. ઈકો કાર અને ટ્રક ધડાકાભેર અથડાતા કારની અંદર બેઠેલી આઠ વ્યકિતમાંથી પાંચ વ્યકિતના ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મૃત્યુ નિપજયાં હતાં. જ્યારે અન્ય ત્રણને ગંભીર પ્રકારની ઈજા થઈ હોવાથી સારવાર માટે જામકંડોરણાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જામનગરના બેડી વિસ્તારના બે પરિવારો પોરબંદર નજીક દરગાહે દર્શન કરીને જામનગર પરત ફરી રહયા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતથી કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં.  જામનગર-જૂનાગઢ હાઈ-વે પરનો આ વિસ્તાર મૃતકોની મરણ ચીસથી ગાજી ઉઠયો હતો અને રકત રંજીત બન્યો હતો.
જામનગર પંથકમાં ભારે અરેરાટી જગાવનાર અકસ્માતની વિગત એવી છે કે જામનગરના બેડી વિસ્તારમાં રહેતા અને રજા પાન નામની ઠંડાપીણા અને પાન મસાલાની દુકાન ચલાવતા શબીર મામદભાઈ નોતીયાર (ઉ.38) આજે સવારે તેના જ બનેવી નુરમામદભાઈની માલિકીની ઈકો કારમાં પત્ની નુરજહાબેન (ઉ.30)  તથા ત્રણ સંતાનો પુત્ર રિયાન (ઉ.10), પુત્રી મેઝબીન (ઉ.12) અને પુત્ર મનાજીર (ઉ.1.5) આ ઉપરાંત પાડોશમાં રહેતા આઈશાબેન હાજીભાઈ મોદી (ઉ.40) અને તેના પુત્ર નવાઝ (ઉ.20) તથા પુત્રી રિઝવાના (ઉ.18) સાથે પોરબંદર નજીક આવેલી કામલશા પીરની દરગાહે દર્શન કરવા માટે ગયા હતા અને શબીરભાઈ ઈકો કાર ચલાવતા હતા.
તેઓ દરગાહે દર્શન કરીને ઉપલેટા થઈ જૂનાગઢ-જામનગર રોડ પર પરત આવવા માટે નિકળ્યા હતા. સાંજે પોણા પાંચ વાગાના અરસામાં તેમની ઈકો કાર જામનગર જિલ્લાના કાલાવડ નજીક ભાવાભી ખીજડિયા ગામના પાટિયા પાસે પહોંચી ત્યારે સામેથી આવેલા ટ્રકે  ઈકો કારને ટકકર મારી દેતા અકસ્માત થયો હતો અને ઈકો કારનો બુકડો બોલી ગયો હતો. જે ગોઝારા અકસ્માતમાં ઈકો કારની અંદર બેઠેલી આઠ વ્યકિતઓ પૈકી પાંચ વ્યકિતઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા, જ્યારે અન્ય ત્રણ વ્યકિત કે જેઓને નાની-મોટી ઈજા થઈ હોવાથી 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી જઈ કંડોરણાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડયા હતા જ્યાં પણ એકની હાલત અત્યંત નાજુક ગણાવાઈ રહી છે.આ અકસ્માતની જાણ થતા કાલાવડ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અકસ્માતના પગલે મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવારોમાં ભારે ચિસાચિસ થઈ હતી અને કાલાવડ હાઈ-વે મરણચિસથી ગાજી ઉઠયો હતો. સાથોસાથ રકત રંજીત બની ગયો હતો. આ અકસ્માતને લઈને ભારે અફડા-તફડી થઈ હતી અને થોડીવારમાં જ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. કાલાવડ ગ્રામ્ય પોલીસે મહામુસબીતે દોઢ કલાકની જહેમત પછી ટ્રાફિકને ખુલ્લો કરાવ્યો હતો. આ અકસ્માતના કારણે જામનગરના બેડી વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો અને ભારે શોકમગ્ન વાતાવરણ બની ગયું હતું. અકસ્માત પછી ટ્રકનો ચાલક પોતાનું વાહન છોડીને ભાગી છૂટયો હોવાથી પોલીસે ટ્રક કબજે કરી તેની શોધખોળ હાથ ધરી છે.
મૃતકોમાં શબીર નોતિયાર અને તેમના પત્ની નુરજહાબેન ઉપરાંત બે સંતાનો પુત્રી મેઝબીન અને પુત્ર મનાજીર જ્યારે પાડોશી આઈશાબેન હાજીભાઈનો સમાવેશ થાય છે. જ્યારે ઈજાગ્રસ્તો આઈશાબેનના પુત્ર નવાઝ તથા પુત્રી રિઝવાના તેમજ મૃતક દંપતીના પુત્ર નવાજને ગંભીર ઈજા થઈ હોવાથી સારવાર હેઠળ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer