રાજ્યસભા માર્શલના નવા ગણવેશની ફરી સમીક્ષા થશે

રાજ્યસભા માર્શલના નવા ગણવેશની ફરી સમીક્ષા થશે
સભ્યો અને અન્ય લોકો તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ વેકૈંયા નાયડુનું આશ્વાસન
નવી દિલ્હી, તા. 19 : રાજ્યસભાના 250મા સત્રના પ્રારંભે આસનની સહાયતામાં રહેતા માર્શલના ગણવેશમાં બદલાવ જોવા મળ્યો હતો. જો કે સેનાના ગણવેશ  સાથે મળતા ડ્રેસના કારણે અમુક સાંસદો અને પૂર્વ સૈન્ય કર્મીઓ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ વાંધાને ધ્યાને લઈને મંગળવારે રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન ચેરમેજન વેંકૈયા નાયડુએ માર્શલના ગણવેશ અંગે ફરી સમિક્ષા કરવાનું આશ્વાસન આપ્યું હતું. રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે, રાજ્યસભા સેક્રેટેરિયટે અલગ અલગ સૂચનો મેળવ્યા બાદ માર્શલોના ગણવેશ બદલવાનો નિર્ણય કર્યો હતો. જો કે અમુક સભ્યો અને અમુક ગણમાન્ય લોકો તરફથી ગણવેશને લઈને વાંધાની સૂચના મળી છે. જેના કારણે સેક્રેટેરિયેટ સમક્ષ તમામ વાંધા રજૂ કર્યા છે અને ગણવેશ અંગે ફરી સમીક્ષા કરવા કહેવામાં આવ્યું છે.
------------
કોંગ્રેસ અધ્યક્ષ નહીં રહે જલિયાવાલા બાગ મેમોરિયલનો હિસ્સો
નવી દિલ્હી, તા. 19 : જલિયાવાલા બાગ નેશનલ મેમોરિયલ સંશોધન બિલને મંગળવારે રાજ્યસભામાંથી પણ મંજૂરી મળી છે. આ  સાથે જ હવે કોંગ્રેસ અધ્યક્ષ ટ્રસ્ટના સભ્ય રહી શકશે નહી. જલિયાવાલા બાગ નેશનલ મેમોરિયલ એક્ટ, 1951 હેઠળ ટ્રસ્ટને મેમોરિયલના નિર્માણ અને પ્રબંધનનો અધિકાર છે. આ ઉપરાંત એક્ટમાં ટ્રસ્ટીઓની પસંદગી અને તેના કાર્યકાળ અંગે પણ જોગવાઈ છે. અત્યારસુધી કોંગ્રેસના અધ્યક્ષ મેમોરીયલ ટ્રસ્ટના સ્થાયી સભ્ય હતા પણ હવે નહી રહે. હવે લોકસભામાં નેતા વિપક્ષ ટ્રસ્ટનો હિસ્સો બનશે.
----------
પાક.ના પૂર્વ રાષ્ટ્રપતિ મુશર્રફ ઉપર ફાંસીની લટકતી તલવાર
ક્ષ     રાજદ્રોહના કેસમાં ચુકાદો સુરક્ષિત
ઈસ્લામાબાદ, તા. 19 : પાકિસ્તાનની એક વિશેષ અદાલતે મંગળવારે પૂર્વ સૈન્ય સરમુખત્યાર જનરલ પરવેઝ મુશર્રફ સામે ચાલી રહેલા રાજદ્રોહના કેસમાં ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. અદાલત આગામી 28 નવેમ્બરના રોજ પોતાના ચુકાદો સંભળાવશે.  રાજદ્રોહના કેસમાં હવે જો મુશર્રફને દોષિત ઠેરવવામાં આવે તો તેને ફાંસીની સજા થઈ શકે છે. પાકિસ્તાનની પીએમએલ-એન સરકારે પૂર્વ સેના પ્રમુખ મુશર્રફ ઉપર 2013મા કેસ કર્યો હતો. મુશર્રફ ઉપર નવેમ્બર 2007મા સંવૈધાનિક કટોકટી લાદવાનો આરોપ છે.
જસ્ટિસ વકાર અહમદ સેઠની અધ્યક્ષતાની ત્રણ સભ્યની ખંડપીઠે મુશર્રફ સામે દેશદ્રોહના મામલાની સુનાવણી કરી હતી. અદાલતે ફેંસલો સુરક્ષિત રાખવા ઉપરાંત મુશર્રફના વકીલને 26 નવેમ્બર સુધીમાં અંતિમ દલીલ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. પાકિસ્તાની અખબારી અહેવાલ મુજબ મુશર્રફને દોષિત ઠેરવવામાં આવે તો તેને ફાંસીની સજા થઈ શકે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer