કાલાવડ અને નવસારી પંથકમાં ધરા ધ્રૂજાવતા ભૂકંપી આંચકા

કાલાવડ અને નવસારી પંથકમાં ધરા ધ્રૂજાવતા ભૂકંપી આંચકા
કાલાવડ પંથકમાં બે આંચકા; સુરતના મહુવાના 8 ગામોમાં અઠવાડિયાથી ધ્રૂજતી ધરા
જામનગર, નવસારી,તા. 19 : ગઇકાલે કચ્છમાં 4.2ની તિવ્રતાનાં ભૂકંપે 20 વર્ષ પહેલાંના વિનાશક ભૂકંપની યાદ તાજી કરાવી દીધી હતી ત્યાં આજે નવસારી અને કાલાવડ પંથકમાં આવેલાં આંચકાઓએ લોકોના જીવ ઉચ્ચક કરી દીધાં હતાં. કાલાવડ પંથકમાં બે અને ડાંગ તથા નવસારી પંથકમાં તા.11મીથી સતત ધરતી ધ્રુજી રહી છે. મહુવા તાલુકાના આઠ ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
કાલાવડ તાલુકાના અડધો ડઝન ગામોમાં ભૂકંપની અસર વર્તાઈ હતી. ગત મોડીરાત્રિથી ભૂકંપના બે હળવા આંચકા આવ્યા હતાં. જામનગરથી 27 કિ.મી. દૂર કાલાવડ તરફ એપી સેન્ટર નોંધાયું હતું. કાલાવડા અડધો ડઝનથી વધુ ગામોમાં ભૂકંપની અસર જોવા મળી હતી. ગતરાત્રે 11.21 મિનિટે 2.3ની તિવ્રતાનો અને રાત્રિનાં 3.18 કલાકે 2.2ની તિવ્રતાનો આંચકો આવ્યો હતો. સરાપાદર, મતવા, બેરાજા, હડમતીયા, બાંગા સહિતના ગામોમાં તેની અસર જોવા મળી હતી.           નવસારી જિલ્લામાં ચીખલી-વાંસદા તાલુકામાં તા.11 થી 15 દરમિયાન સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. જેની તિવ્રતા 3 થી નીચે જોવા મળી છે. અનેક ગામોનાં મકાનોમાં તિરાડો પડવાના અહેવાલ છે. આંચકો આવતા શાળામાંથી વિદ્યાર્થીઓ બહાર દોડી ગયા હતાં. સુરતના મહુવાના નવસારીની સરહદના આઠ ગામોમાં ધરતી ધણધણતી રહેતાં લોકો ભયભીત બન્યાં છે.
રાપર નજીક 3.5ના કંપનથી ભય
ઠંડીનાં છાનાં પગલાં વચ્ચે ફરી એક વખત વાગડ ફોલ્ટે પોતાની સક્રિયતા બતાવી હોય એમ આજે બપોરે રાપર નજીકની ધરા 3.5ના આંચકાથી ધ્રૂજતાં લોકો ભયભીત બન્યા હતા. ગઈકાલે સાંજે અર્ધા કચ્છને અસર પહોંચાડનારા 4.3ના આંચકા અને તે પછી  એ જ સ્થળ નજીક 3.0ના કંપનથી ભયભીત રહેલા લોકોના ડરમાં આજના કંપને વધારો કર્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer