ધ્રાંગધ્રા, તા.19 : ધ્રાંગધ્રા-માલવણ હાઇવે ચોરી તથા ચોર ગેંગનો મુખ્ય ટારગેટ બની ગયો હોય તેમ લાગી રહ્યુ છે. અગાઉ અહિ જતવાડ ગેંગનો એટલો આતંક હતો કે કચ્છના મુંન્દ્રા પોર્ટમાંથી માલ-સામાન ભરીને ટ્રકોને હાઇવે પરથી રાત સમયે પસાર થવુ મુશ્કેલ બન્યું હતું.
હજુ પણ ચાલતી ટ્રકોમાથી માલ-સામાનની ચોરી યથાવત તો છે પરંતુ હવે એક નવો કિમીયો અજમાવ્યો હોય તેમ ધ્રાંગધ્રા હાઇવે પર આવેલી હોટેલોમાં રાત્રીના સમયે બ્રેક કરતા ટ્રકોમાંથી ડીઝલની ચોરી થવાની બુમરાણો પણ વધતી જાય છે. આજથી દોઢેક વર્ષ પહેલા પણ ધ્રાંગધ્રાની તોરણ હોટલ પાસે આવેલા રીફાઇનરી મિલમાં તેલ ભરવા માટે આવેલા ટ્રકોમાંથી ડિઝલની ચોરી થઇ હતી.
તે સમયે બોલેરો માફક દેખાતી કાર સીસીટીવીમાં કેદ થઇ હતી ,પરંતુ હજુ સુધી સ્થાનિક પોલીસે આ કારની શોધખોળ કરવાની તસ્દી લીધી નથી. ત્યારે ફરી બે દિવસ પહેલા ધ્રાંગધ્રા હાઇવે પર જ્યોતિ હોટલના મેદાનમાં કચ્છ તરફથી માલ-સામાન ભરીને નિકળેલા ટ્રક ચાલકે બ્રેક કરી મોડી રાત્રે ચા-નાસ્તો કરવા હોટેલમાં જતા પાછળથી ટ્રકની ટાંકીનુ લોક તોડી તમામ ડીઝલ સાફ કરી તળીયા ઝાટક કરી નાખ્યુ હતું.
આ બાબતે ટ્રક ચાલકને જાણ થતા પોતે જ્યોતી હોટલના માલિકને સીસીટીવી ફુટેજ કઢાવવા કોશીશ કરતા તેણે સ્પષ્ટ રીતે ઇન્કાર કર્યો હતો. જેથી ટ્રક ચાલક દ્વારા જ્યોતિ હોટલના માલિક સામે પણ ડિઝલ ચોરી કરતી ગેંગના સુત્રોધાર સાથે સંબંધ હોવાનો આક્ષેપ કર્યો છે. સ્થાનિક પોલીસ રાત્રીના સમયે માત્ર કાગળો પર પેટ્રોલીંગ દર્શાવી ગપાટા મારવામાં જ વ્યસ્ત રહે છે. જેથી હાઇવે પર ચોરી કરતી ગેંગને મોકળુ મેદાન મળી જાય છે.