રાજકોટથી સાવ-જ નજીક!

રાજકોટથી સાવ-જ નજીક!
રાજકોટની 70 કિ.મી. આસપાસના વિસ્તારમાં
3 સિંહ હોવાનું
અનુમાન, ફૂટમાર્ક મળ્યા
ચોટીલા, ગેંડલના ગુંદાળા અને બાબરામાં સિંહ પરિવારના આંટા : ચાર મારણ કર્યા !
 
રાજકોટ, ચોટીલા, વઢવાણ, તા. 19 : જ્યારે કોઈ સૌરાષ્ટ્ર આવે ત્યારે કહે કે, ગીર જવું છે, સિંહ જોવા ! ખાસ કરીને સૌરાષ્ટ્રનું હબ ગણાતા રાજકોટથી અનેક લોકો સિંહના દર્શન કરવા સાસણ સુધી જાય છે પણ હવે તો સાવજ જ દર્શન કરાવવા રાજકોટ સુધી આવી ગયા છે !  ગીરનું હીર એવા સાવજો હવે રાજકોટ શહેરની 70 કિલોમીટરના આસપાસની ત્રિજીયામાં પહેંચી ગયા છે. છેલ્લા દસ દિવસમાં ત્રણ અલગ અલગ સ્થળોએ સિંહ જોવા મળ્યા છે. આટકોટથી નજીક બાબરા પાસે, ગેંડલના ગુંદાળા ગામ નજીક અને છેલ્લે ચોટીલાના ઢેઢુકી ગામની સીમમાં સિંહ આવ્યા હોવાના સગડ મળ્યા છે. જેનાં વીડિયો પણ વાયરલ બન્યા છે અને વન વિભાગે પણ આ વિસ્તારમાં સિંહની હાજરીને પુષ્ટિ આપી છે.
ચોટીલા તાલુકાનાં આણંદપુર પંથકના ધારૈઇ, રામપરા (ચોબારી) તેમજ નજીકના વિછીયા તાલુકાનાં ઢેઢૂકી પંથકમાં મારણ થતા છ દિવસની જહેમત બાદ સિહણ હોવાની વાતને આજે ઝાલાવાડના વન વિભાગે પુષ્ટી આપેલ છે. સિંહણે તા. 16 થી 18 દરમિયાન ચાર પશુ મારણ કરેલ છે જેમા ચોટીલાનાં ધારૈઇ ગામના ડેમ નજીક, વિછીયાના ઢેઢૂકી ગામે અને ચોટીલાના રામપરા (ચોબારી) ગામે બે મળી પાડા પાડીનાં મારણ કરેલ છે તેમજ વિછીયા તાલુકાનાં અજમેર ગામે પાડા ઉપર હ્નમલો કરેલ પરંતુ પશુપાલકે દેકારો કરતા શિકાર છોડી નાસી ગયેલ અમરેલીનાં બાબરા પંથકમાંથી વિખુટા પડી સીમ જંગલ વિસ્તારમાં ફરતા સિંહણ અને ડાલમથ્થુ અહીંયા સુધી આવી ચડયાનું અનુમાન છે. સિંહણ અને અઢી ત્રણ વર્ષ નું ડાલમથ્થુ જોવા મળી આવતા સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી જીલ્લાની ચોટીલા, વીંછીયા, હિંગોળગઢ અને જસદણ રેન્જના 25 જેટલા વનકર્મી કામે લાગેલ છે.વનવિભાગ દ્વારા હાલનાં તબ્બકે સિંહણ અને ડાલમથ્થાના ફુડપ્રિન્ટ અને લોકેશન ટ્રેક કરવામાં આવી  રહેલ છે જેમા ચોબારી રામપરા થી ઢેઢૂકી વચ્ચે 15 કીમી નું લોકેશન જોવા મળે છે.
સિંહ, સિંહણ અને પાઠડું (મોટું બચ્ચું) આ વિસ્તારમાં આવ્યા છે અને ચોટીલા પંથકમાં ચાર મારણ કર્યા છે અને એક પાડાં ઉપર હુમલો કર્યો છે. આ ગામોની આસપાસ સિંહોએ મારણ પણ કર્યું છે અને વન વિભાગ આ મામલે સતર્ક બન્યું છે. સિંહોને રંજાડવા નહીં, પરેશાન કરવા નહીં, તેને જોવા ટોળાંરૂપે ભેગા થવું નહીં, આ બાબતો અંગેની સૂચના વનવિભાગે જારી કરી છે અને સિંહને પરેશાન કરનાર સજાને પાત્ર થશે તેમ પણ જણાવ્યું છે.
વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગીરથી ગુંદાળા, બાબરા અને હવે ચોટીલા સુધી સાવજો પહોંચ્યા છે. છેલ્લા દસ દિવસમાં સિંહોની આ ગતિવિધિ આશ્ચર્ય પમાડે તેવી છે. અલબત્ત, વન વિભાગના સૂત્રોએ એમ પણ કહ્યું કે, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર સહિતના જિલ્લાના ઘણા તાલુકાઓમાં સાવજોનો વસવાટ છે. તેની અવર જવર રહેતી હોય છે. જે વિસ્તારમાં નીલગાય અને ભૂંડ વધારે હોય છે તેવા વિસ્તારમાં સાવજોના આંટાફેરા વધી જાય છે, કારણ કે તેને ખોરાક આ વિસ્તારમાં મળી રહેવાનો છે. મોટાભાગના સિંહ 6પ ટકા નીલગાય અને ભૂંડનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે જ્યારે 3પ ટકા માલઢોરનો શિકાર કરે છે. આ પ્રકારના શિકારની શોધમાં ને શોધમાં સિંહો ફરતા ફરતા આ વિસ્તારમાં આવી ચડયા હોય એવું બની શકે.
ચોટીલાથી મળતા અહેવાલ મુજબ, ચોટીલા-છાસીયા વચ્ચેની આડીપટ્ટીના વિસ્તારમાં આ સાવજ પરિવાર આવી ચડયો છે. આ સિંહ પરિવારમાં સિંહ, સિંહણ અને પાઠડું છે. આ સિંહ પરિવારે વીંછિયા-ચોટીલા વચ્ચે આવેલા ઢેઢુકી ગામની સીમમાં પાડીનું મારણ કર્યું હતું જ્યારે અજમેર ગામે પાડા ઉપર હુમલો કર્યો હતો જ્યારે ધારઈ ગામ પાસે એક મારણ અને રામપરા (ચોબારી) પાસે બે મારણ કર્યા હતા. આ સિંહ પરિવાર આમ તો છેલ્લા દસ દિવસથી આ વિસ્તારમાં આંટાફેરા કરતો હોવાનું બહાર આવ્યું છે અને તેની પાછળ રાજકોટ-મોરબી અને સુરેન્દ્રનગર વિસ્તારના વન વિભાગના 2પ જેટલા સ્ટાફની ટીમ ટ્રેસ કરી રહી છે. આ ટીમને ઢેઢુકી પાસે સગડ મળ્યા હતા.

સિંહ જોવા મળે તો આ નંબર પણ જાણ કરો
સુરેન્દ્રનગર વન વિભાગે અપિલ કરી છે કે, આસપાસના ગામના લોકોને જો સિંહ જોવા મળી જાય તો ચોટીલાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન.પી. રોજાસરાનો 94299 0પપ2પ ઉપર અથવા રાઉન્ડ ફોરેસ્ટર એન.એસ.પરમારનો 9879પ 74478 ઉપર સંપર્ક કરવો.

સિંહ કેવી રીતે ચોટીલા પહેંચ્યા ?
ગીર જંગલ અને ગીરનાર પર્વતની તળેટી, લીલિયા લઈ જસદણ હિંગોળગઢનો વીડી વિસ્તાર જોડાયેલો છે એટલે સિંહ બાબરાના કરીયાણા અને તાઈવદર ગામની સીમમાં પહેંચ્યા હોઈ શકે. જસદણ પાસે હિંગોળગઢનો વીડી વિસ્તાર છેક ચોટીલાની તળેટી સુધી પહોંચે છે એટલે આ જંગલ વિસ્તારમાં થઈને સિંહ ચોટીલા પંથક સુધી પહેંચ્યા હશે.

માંડવ વનમાં સિંહોનો
કાયમી વસવાટ થઈ શકે
ચોટીલા-થાનગઢ વચ્ચે માંડવ વન વિસ્તાર આવેલો છે. જેની આબોહવા, ખોરાક-પાણી ગીર જેવા જ છે એટલે સાવજોને અનુકૂળ છે. માટે આ માંડવ વન વિસ્તારમાં જો સિંહોનો કાયમી વસવાટ કરવામાં આવે તો ગીર સિવાય સૌરાષ્ટ્રમાં જ સિંહોનું બીજું ઘર બની શકે તેમ છે. વાંકાનેર પાસે રામપરા વીડીમાં સિંહોનું બ્રિડીંગ સફળ રહ્યું છે, તેનો અર્થ એ કે આ વિસ્તાર સાવજોને અનુકૂળ છે. વન વિભાગે માંડવ વનમાં સાવજોના વસવાટ માટે સકરાત્મક વિચારવું રહ્યું. 

સિંહોને પકડીને ગીર નહીં લઈ જવાય !
વન વિભાગના અધિકારીઓએ અત્યારે પ્રાથમિક તબક્કે એવું નક્કી કર્યું છે કે, સિંહ પરિવારને ટ્રેસ કરવામાં આવશે. તેની મૂવમેન્ટ અને વર્તણૂક ઉપર નજર રાખી અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ સિંહ ગીર તરફ પાછા જાય છે કે, બીજી તરફ જાય છે, તે જોવામાં આવશે. આગામી દિવસોમાં પછીનો નિર્ણય લેવાશે.

સિંહ હવે ક્યાં જઈ શકે ?
જો સિંહ આ જ રીતે આગળ વધતા રહે તો ચોબારી આસપાસ પહેંચી શકે. જ્યાંથી આનંદપુરનો વીડી વિસ્તાર આવી જાય. આનંદપુરથી ચોટીલા, માંડવ વીડી અને વાંકાનેર પાસે રામપરા સાથે જોડાયેલો વીડી વિસ્તાર છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer