પુનિયા ઈતિહાસ રચશે ? વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપનાં ફાઈનલમાં

પુનિયા ઈતિહાસ રચશે ? વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશિપનાં ફાઈનલમાં
ભારત માટે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કમસેકમ એક ચંદ્રક સુનિશ્ચિત
નૂરસુલ્તાન, તા.21: ભારતનાં પહેલવાન દીપક પુનિયાએ આજે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપનાં ફાઈનલમાં પ્રવેશ સુનિશ્ચિત કરીને ઈતિહાસ રચવાનો અવસર ઉભો કરી લીધો છે. સેમિફાઈનલમાં પહોંચવા સાથે જ તેણે ઓલિમ્પિક ક્વોટા હાંસલ કરી લેનાર પુનિયાએ 86 કિલોગ્રામ ભારવર્ગમાં સ્વિત્ઝર્લેન્ડનાં સ્ટીફન રેકમથને એકતરફી મુકાબલામાં 8-2થી ધૂળ ચટાડીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે જ તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત માટે કમસેકમ એક ચંદ્રક પણ સુનિશ્ચિત કરી લીધું છે.
દીપક પાસે હવે ભારત માટે ઈતિહાસ રચવાની તક છે. ફાઈનલમાં તેનો મુકાબલો ઈરાનનાં હસન યાઝદાનિચારાટી સામે થવાનો છે. જો દીપક ફાઈનલ પણ જીતે તો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત વતી સુવર્ણ ચંદ્રક જીતનાર તે બીજો ખેલાડી બની શકે તેમ છે. બે વખત ઓલિમ્પિકમાં ચંદ્રક વિજેતા રહી ચૂકેલા સુશીલ કુમારે 2010માં મોસ્કોમાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત માટે સુવર્ણ ચંદ્રક મેળવેલું.
આજના સેમિ ફાઈનલ પૂર્વે પુનિયાએ ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. તેણે તઝાકિસ્તાનનાં બખોદુર કોદીરોવને 6-0થી પરાજિત કર્યો હતો. ત્યાર બાદ ક્વાર્ટરમાં કોલમ્બિયાનાં કાર્લોસ મેંડેઝને 7-6 પરાસ્ત કર્યો હતો. પુનિયા પણ રમતનાં આરંભથી પ્રતિસ્પર્ધી ઉપર હાવી રહ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer