ઓસ્કાર માટે ભારતની એન્ટ્રી ‘ગલી બોય’

ઓસ્કાર માટે ભારતની એન્ટ્રી ‘ગલી બોય’
-હેલ્લારો અને ચાલ જીવી લઈએ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવાની રેસમાં હતી
મુંબઈ, તા.21: આલિયા ભટ્ટ અને રણવીર સિંહ અભિનિત ફિલ્મ ‘ગલી બોય’ને 2020માં યોજાનારા 92મા ઓસ્કર અવોર્ડ માટે ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલવામાં આવશે. ઓસ્કરની શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મની શ્રેણીમાં આ ફિલ્મ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
ઝોયા અખ્તર નિર્દેશિત આ ફિલ્મ આ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મથી પહેલીવાર આલિયા અને રણવીર ઓનક્રીન સાથે દેખાયાં હતાં. હિપ-હોપ કલ્ચર પર આધારિત આ ફિલ્મ હવે 92મા ઓસ્કર અવોર્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ઓસ્કર એન્ટ્રી માટે ફિલ્મની પસંદગી કરવા માટે જે જ્યુરી હતી તેના અપર્ણા સેન હેડ હતાં. દર વર્ષે ઓસ્કર એન્ટ્રી માટે ફિલ્મોની પસંદગી ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. આ ફેડરેશનના સેક્રેટરીએ જણાવ્યું કે ‘ગલી બોય’ ફિલ્મની પસંદગીનો નિર્ણય સર્વસંમતિથી લેવાયો હતો. આ સિવાય પસંદગીની રેસમાં ‘બધાઈ હો’, ‘આર્ટિકલ 15’, ‘અંધાધુન’, ‘બદલા’ અને મલયાલમ ‘સુપર ડિલક્સ’ જેવી એકથી એક ચડિયાતી કુલ 28 ફિલ્મો સામેલ હતી. રસપ્રદ વાત એ છે કે આ લિસ્ટમાં નેશનલ અવોર્ડ વિનર ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ અને બોક્સઓફિસ પર અત્યંત સફળ એવી ‘ચાલ જીવી લઈએ’ પણ સામેલ હતી.
‘ગલી બોય’ ફિલ્મ ઇન્ડિયન રેપર ડિવાઇન અને નેઈઝીની રિયલ લાઈફ સ્ટોરી પર આધારિત હતી. આ ફિલ્મમાં રણવીર, આલિયાની સાથે સિદ્ધાંત ચતુર્વેદી, વિજય વર્મા, અમૃતા સુભાષ અને વિજય રાઝ પણ સામેલ હતાં. આ ફિલ્મમાં રણવીર મુંબઈની ધારાવીમાં રહેતા અને પોતાના સપના સાકાર કરવા સ્ટ્રગલ કરતા રેપર ‘મુરાદ’ના રોલમાં હતો અને આલિયા તેની ગર્લફ્રેન્ડના રોલમાં હતી. અન્ડરડોગ સ્ટોરી ધરાવતી આ મ્યુઝિકલ ફિલ્મને ઝોયા અખ્તરના જ પ્રોડક્શન હાઉસ ‘ટાઇગર બેબી’ના બેનર હેઠળ પ્રોડ્યૂસ કરવામાં આવી હતી. આ ફિલ્મ બોક્સઓફિસ પર તો હિટ રહી જ હતી સાથે-સાથે તેને વિવેચકો તરફથી પણ એટલો જ પ્રેમ મળ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer