મહારાષ્ટ્ર-હરિયાણામાં 21 ઓકટોબરે ચૂંટણી

મહારાષ્ટ્ર-હરિયાણામાં 21 ઓકટોબરે ચૂંટણી
24 ઓકટોબરે મતગણતરી : તારીખ જાહેર કરતું પંચ
 
નવી દિલ્હી તા. 21: ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાઓની ચૂંટણીની તારીખો આજે જાહેર કરી હતી: ભાજપ શાસિત આ બેઉ રાજ્યોમાં એક જ તબક્કે તા.21 ઓકટોબરે ચૂંટણી થશે અને મતગણતરીં તા.24 ઓકટોબરે થશે.મહારાષ્ટ્ર અને હરિયાણામાં નામાંકનપત્ર ભરવાની છેલ્લી તારીખ તા. 4 ઓકટોબર રહેશે અને પાછું ખેંચવાની અંતિમ તારીખ તા. 7 ઓકટો.રહેશે. ચૂંટણી તારીખો જાહેર થતાં તત્કાળ જ બેઉ રાજ્યોમાં આચારસંહિતા લાગુ થઈ છે.
અત્રે પત્રકાર પરિષદને સંબોધતાં મુખ્ય ચૂંટણી કમિશ્નર (સીઈસી) સુનીલ અરોરાએ જણાવ્યું હતું કે 288નું સંખ્યાબળ ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં અનુસૂચિત જાતિ માટે 29 અને અનુ. જનજાતિ માટે 2પ બેઠકો અનામત છે, જ્યારે 90 બેઠકોના હરિયાણાના ગૃહમાં માત્ર અનુ. જાતિ માટે 17 બેઠકો અનામત છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં મતદારોની સંખ્યા અનુક્રમે 8.94 કરોડ અને 1.82 કરોડની છે.
પ્રચારઝુંબેશ દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પક્ષકારો/ઉમેદવારોને સીઈસીએ  વિનંતી કરી હતી. ફોર્મ અધૂરું હશે તો ઉમેદવારી રદ થશે એમ તેમણે જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં ’14ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 122 બેઠકોએ વિજયી થયો હતો, જ્યારે શિવસેનાને 63, કોંગ્રેસને 42 અને એનસીપીને 41 બેઠકો મળી હતી. જો કે કેટલાક ધારાસભ્યો શાસક યુતિમાં જોડાયા હતા. હરિયાણામા 14ની ચૂંટણીમાં ભાજપ 47 બેઠકે વિજયી થયો હતો, જ્યારે  આઈએનએલડીને 19 તથા કોંગ્રેસને 1પ બેઠકો મળી હતી.
મહારાષ્ટ્રમાં 1.8 લાખ અને હરિયાણામાં 1.3 લાખ ઈવીએમનો ઉપયોગ થશે અને બેઉ રાજ્યોના ગૃહોનો કાર્યકાળ અનુક્રમે 9 નવેમ્બરે અને બીજી નવેમ્બરે પૂરો થનાર છે.
------
ગુજરાતમાં 21 ઓક્ટોબરે ચાર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી
 
-અમરાઈવાડી, ખેરાલુ, થરાદ, લુણાવાડા બેઠક પર પેટા ચૂંટણી જાહેર
-3 બેઠકોની જાહેરાત અટકતા ચૂંટણીપંચની વિશ્વસનીયતા સામે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
 
અમદાવાદ, તા.21: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની સાથે ગુજરાતની ખાલી પડેલી સાતમાંથી ચાર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની યોજવાની જાહેરાત કરી છે. અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડામાં પેટાચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન યોજાશે જ્યારે 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. પેટાચૂંટણીની જાહેરાત સાથે રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.  ગુજરાતની આ ચાર બેઠકો પર પેટાચૂંટણી માટે 30 સપ્ટેમ્બરે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાહેર કરી દેવામાં આવી છે જેના પગલે રાજકીય પક્ષોમાં ગતિવિધિએ તેજી પકડી હોય તેવું જોવામાં આવી રહ્યું છે.
મહત્ત્વનું છે કે, જે બેઠકો પર સાંસદ બન્યા તે બેઠકો પર હાલ પેટાચૂંટણીની જાહેરાત થઈ છે. અમરાઇવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડા એમ કુલ ચાર બેઠકો પર ધારાસભ્યો લોકસભાની ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાતા વિધાનસભાની બેઠક ખાલી પડી હતી, જ્યારે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોવાળી ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી માટે હાલ ચૂંટણીપંચે કોઈ જાહેરાત
કરી નથી. દીવાળી પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. તો રાધનપુર, બાયડ અને મોરવાહડફમાં પેટાચૂંટણી હાલ નહીં યોજાય ત્યારે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ચૂંટણી લડવા વધુ રાહ જોવાનો વારો આવ્યો છે. જો કે અલ્પેશ ઠાકોરે પેટાચૂંટણી વિશે કહ્યું કે, ગમે ત્યારે ચૂંટણી યોજાય, અમે તૈયાર છીએ. જ્યારે ધવલસિંહ ઝાલાએ કહ્યું કે, ચૂંટણી પંચ જ્યારે ચૂંટણી જાહેર કરે ત્યારે બાયડ. રાધનપુર, મોરવાહડફમાં ભાજપાની જીત નિશ્ચિત છે.
ચૂંટણીપંચના નિર્ણયને આવકારતા ભાજપાના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ  જણાવ્યું હતું કે, ભાંગેલી તૂટેલી કોંગ્રેસ, જેમને ત્રણ મહિના સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ પણ મળ્યા ન હતા, તેવી કોંગ્રેસ હાલ અત્યારે લોકોના મનમાં તો નથી પરંતુ મેદાનમાં પણ નથી. આ પેટાચૂંટણી માટે ભાજપાએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.
ગુજરાતમાં સાતમાંથી ત્રણ બેઠક પર પેટાચૂંટણી જાહેર નહીં થતા ચૂંટણીપંચની વિશ્વસનીયતા સામે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ કહ્યું કે, કોંગ્રેસે જીતેલી ત્રણ બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત ન થઇ તે તપાસનો વિષય છે. તેમણે જણાવ્યું હતું કે, તમામ બેઠકો પર તૈયારીઓ શરૂ કરી છે અને મજબૂત લડાઈ આપશે.
અહીં નોંધવું ઘટે કે, ગુજરાતની જે ચાર બેઠક પર 21મી ઓક્ટેબરે પેટાચૂંટણી યોજાવાની છે તેમાં અમરાઇવાડી બેઠક પર ભાજપના ધારાસભ્ય એચ.એસ.પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી છે. જ્યારે ખેરાલુ બેઠક પર ભાજપના ઘારાસભ્ય ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક અને થરાદ બેઠક પર ભાજપના ધારાસભ્ય અને પ્રધાન પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા આ બેઠક ખાલી પડી છે. આ ઉપરાંત લુણાવાડા બેઠક પર ભાજપના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી છે.
---------
ધારાસભાની 64 અને 1 લોકસભા બેઠકની પેટાચૂંટણીઓ 21 ઓકટોબરે
નવી દિલ્હી, તા. 21: અઢાર રાજ્યોમાંની કુલ 64 વિધાનસભા બેઠકોની અને  (બિહારની સમસ્તીપુરની ) એક લોકસભા બેઠકની પેટાચૂંટણીઓ તા.21 ઓકટોબરે યોજાશે અને મતગણતરી તા.24 ઓકટોબરે થશે એવી જાહેરાત ચૂંટણી પંચે આજે કરી હતી. વિધાનસભા પેટાચૂંટણીઓમાં મુખ્યત્વે કર્ણાટકની 1પ અને ઉત્તર પ્રદેશની 11 બેઠકોનો સમાવેશ થાય છે.
મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ જણાવ્યુ હતું કે કર્ણાટકમાં તાજેતરમાં ગેરલાયક ઠરાવાવેલા વર્તમાન ધારાસભ્યો સહિતની બેઠકોએ આ પેટાચૂંટણીઓ થશે. જ્યારે યુપીની પેટાચૂંટણીઓ એવી બેઠકોના ધારાસભ્યોની છે, જેઓ લોકસભા ચૂંટણીઓ જીતી જતાં વિધાનસભા બેઠકેથી રાજીનામાં આપ્યા છે. અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણ, મધ્ય પ્રદેશ, મેઘાલય, ઓડિશા અને પુન્ડુચેરીમાં એક-એક બેઠકે પેટાચૂંટણી થશે. 
પેટાચૂંટણીઓ થનાર છે તેવા અન્ય રાજ્યો છે આસામ(4), બિહાર (પ)ગુજરાત (4) હિમાચલ પ્રદેશ(2), કેરળ (પ), પંજાબ (4) રાજસ્થાન અને તમિળનાડુ (બેઉમાં બે-બે) અને સિકિકમ (3). પશ્ચિમ બંગાળે રાજ્યમાં દુર્ગાપૂજાના ઉત્સવના કારણે પેટાચૂંટણીઓ યોજવાનું મુલતવી રખાવ્યુ છે. અન્ય કેટલાક રાજ્યોમાં ચૂંટણી અરજીઓની સુનાવણી હાઈ કોર્ટમાં ચાલી રહી હોઈ ત્યાં નથી યોજાઈ રહી. 
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer