ભાજપનો ચક્રવ્યૂહ વિપક્ષ ભેદી શકશે?

ભાજપનો ચક્રવ્યૂહ વિપક્ષ ભેદી શકશે?
ટ્રિપલ તલાક, કલમ 370 અને હવે છેલ્લે મંદી સામે જાહેર કરેલા પ્રોત્સાહકો બાદ વિપક્ષ જનતાનો વિશ્વાસ સંપાદિત કરવાં શું કરશે?

નવીદિલ્હી, તા.21: મોદી સરકારની સત્તાવાપસી બાદ પહેલીવાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. કલમ 370 અને ત્રણ તલાક સહિતનાં મોદી સરકારનાં નિર્ણયો બાદ પહેલીવાર તેની લોકપ્રિયતા અને વિપક્ષની બચેલી તાકાતની કસોટી આ ચૂંટણીમાં થશે.
આ વિધાનસભા ચૂંટણીઓને પ્રભાવિત કરી શકે તેવા મુદ્દાઓની ઓળખ કેટલાક સવાલો ઉપરથી થઈ શકશે. સવાલ એ છે કે શું ભાજપ પોતાના બન્ને રાજ્યોની સત્તા ટકાવી રાખવામાં સફળ થશે? શું આ વખતની ચૂંટણીમાં વિપક્ષ પ્રત્યે જનતાનો વિશ્વાસ મજબૂત બનશે? મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મનોહરલાલ ખટ્ટરની સરકારોએ છેલ્લા પાંચ વર્ષમાં કરેલા કામકાજ મતદારોનાં દિલ જીતવા પર્યાપ્ત છે? આ સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે ભાજપે રચેલા ચક્રવ્યૂહને વિપક્ષનાં ભાથાનાં તીર ભેદી શકશે?
ભાજપ 2014માં સત્તામાં આવ્યા બાદથી સતત તમામ વિધાનસભા ચૂંટણીઓ મોદીનાં ચહેરા ઉપર લડયો છે. તેનો ફાયદો પણ તેને મળ્યો છે. એટલે ભાજપ પાસે પોતાનું આ હથિયાર તો છે જ. સાથોસાથ કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદી અને ટ્રિપલ તલાક વિરોધી કાયદા જેવી ઉપલબ્ધીઓ પણ તે ગણાવી શકે તેમ છે. આટલું જ નહીં મંદી મુદ્દે વિપક્ષ આક્રમણ કરે તેવી પૂરી સંભાવના હતી.
તેનો તોડ પણ ભાજપને હવે મળી ગયો છે. હાલમાં જ નિર્મલા સીતારમણે કારોબારજગતને ખુશ કરી દેતા નિર્ણયોની હારમાળા સર્જી દીધી છે. જેનાથી શેરબજારમાં દિવાળી પહેલા દિવાળી આવી ગઈ છે. એટલે કે વિપક્ષને આ દિશાનાં કોઈપણ હુમલાનો જવાબ હવે ભાજપ બેવડી આક્રમકતાથી આપશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer