રતનપરમાં પૂજારી દંપતી ઉપર હુમલો કરી રોકડ-દાગીનાની લૂંટ

રાજકોટ, તા.ર1 : મોરબી હાઈવે પરના રતનપર ગામે આવેલા રાજકોટ માલી સમાજના પંચદેવી મંદિર આશ્રમમાં મોડી રાત્રીના બુકાનીધારી લુંટારુઓ ત્રાટકયા હતા અને પૂજારી દંપતી ઉપર હુમલો કરી રોકડ-દાગીના સહિત રૂ.14.300ની મતાની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. જ્યારે ઘવાયેલા પૂજારી દંપતીને હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી બુકાનીધારી લુંટારુઓની શોધખોળ શરુ કરી હતી.
આ બનાવ અંગેની વિગત એવી છે કે, મૂળ મિતાણાના હમીરપર ગામના વતની અને હાલમાં રતનપર ગામે આવેલા માલી સમાજના પંચદેવી મંદિરમાં પૂજારી તરીકે સેવા પૂજા કરતા સુરેશદાસ હીમતરાય નીમાવત નામના બાવાજી વૃદ્ધ અને તેની પત્ની મધુબેન રાત્રીના મંદિરના આશ્રમમાં સુતા હતા ત્યારે પાંચ બુકાનીધારી લુંટારુઓ ત્રાટકયા હતા અને ખાટલામાં સુતેલા સુરેશદાસને એકદમ ઉંચકીને પછાડયા હતા અને સુરેશદાસ ઉપર હુમલો કર્યો હતો અને પત્ની મધુબેનને પણ મારકૂટ કરી હતી અને રૂ.3600ની રોકડ તથા  મોબાઈલ અને મધુબેન પાસેથી સોનાના બુટીયા, ચાંદીની બે માળા, પગના સાંકળા સહિત રૂ.14.300 ની મતાની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. આ બનાવ અંગેની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં મોડીરાત્રીના મંદિરમાં હિન્દીભાષી લુંટારુઓ ત્રાટકયા હતા અને મારકૂટ કરી હતી. દરમિયાન સુરેશદાસે દેકારો કર્યો હતો પરંતુ કોઈ મદદ નહીં મળતા મંદિરનો ઘંટ વગાડયો હતો અને નજીકમાં રહેતા નિવૃત્ત એએસઆઈ ગંભીરસિંહ વાઘેલા જાગી જતા ગ્રામજનોને જાણ કરી હતી અનેદોડી ગયા હતા અને લુંટારુઓ નાસી છૂટયા હતા અને ઘવાયેલા પૂજારી દંપતીને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે લુંટારુઓએ દાનપેટીની ચાવી માગી હતી પરંતુ ચાવી ટ્રસ્ટી નામેરીભાઈ પાસે હોય તેવું જણાવતા વૃદ્ધ દંપતીને વધુ મારકૂટ કરી હતી. પોલીસે સુરેશદાસ નીમાવતની ફરિયાદ પરથી પાંચ અજાણ્યા હિન્દીભાષી લુંટારુઓ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરુ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer