ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં હવે ‘નામ ધર્માદા’ પ્રશ્ને હલ્લાબોલ

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં હવે ‘નામ ધર્માદા’ પ્રશ્ને હલ્લાબોલ
નિયમિત નામ ધર્માદો ભરનાર મતદાર બની શકે છે: નામ ધર્માદો સ્વીકારવાનું બંધ કરાયાના આક્ષેપ સાથે આચાર્ય પક્ષનો હંગામો
ગઢડા (સ્વામીના), તા.21: અહીંના સુપ્રસિધ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ગોપીનાથજી દેવ મંદિર ખાતે આજે નામ ધર્માદો નહીં સ્વીકારવા બાબતે મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉમટીને હલ્લા બોલ મચાવ્યું હતું. જે  બાબતે મામલો થાળે પાડવા માટે સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી.
મુખ્ય સ્વામિનારાયણ સંપ્રદાય અને ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી અમદાવાદ અને વડતાલ બે ગાદીઓ નીચે અનેક શિખરબંધ હરિ મંદિરોનો સમાવેશ થવા પામે છે. તાજેતરમાં છેલ્લાં દોઢ દાયકા ઉપરાંતથી વડતાલ ગાદીના આચાર્યનો વિવાદ દિન પ્રતિદિન વકરતો રહ્યો છે. સાધુઓમાં આ મુદ્દે ઉભા ફાડિયા જોવા મળી રહ્યાં છે.
સમગ્ર સંપ્રદાયમાં દિન પ્રતિદિન નવા નવા વિવાદોના કારણે સાચા સંતો અને સત્સંગીઓ દુ:ખી થઇ રહ્યાં છે. ત્યારે દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે અવાર નવાર ચાલી રહેલી ટક્કરમાં ગઢડા મંદિરના વહીવટમાં ગત વીસ વર્ષ સુધી આચાર્ય પક્ષના શાસન બાદ ગત ચૂંટણીના અંતે છેલ્લાં ચાર માસથી દેવપક્ષ દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યો છે.
આ ગોપીનાથજી દેવ મંદિરમાં દેવ પક્ષના જવબદાર વહીવટકર્તાઓ તરફથી પ્રતિવર્ષ ગઢપુર પ્રદેશના આશરે 400 જેટલા ગામના હરિભક્તો દ્વારા ભરવામાં આવતો નામ ધર્માદો સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવતા ભારે આક્રોશની લાગણી ફેલાવા પામી છે.
ખાસ કરીને નામ ધર્માદો એટલે ટ્રસ્ટની ઘડી કાઢવામાં આવેલી સ્કીમ મુજબ દિવાળી સુધીના પૂર્ણ થતાં વર્ષે એમ સતત પ વર્ષ સુધી જે કોઇ હરિભક્ત રૂપિયા બસ્સો પચાસ કે તેના કરતા વધારે રકમ નામ ધર્માદાનો ઉલ્લેખ કરીને પાવતી મેળવી લે તો ટ્રસ્ટની ચૂંટણી માટે મતદાર તરીકેની લાયકાત પ્રાપ્ત કરી લેતાં હોય છે.  ત્યારે આ ધર્માદાનો સ્વીકાર નહીં કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે આચાર્ય પક્ષના હરિભક્તો દ્વારા ગોપીનાથજી દેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મંદિરની ઓફિસમાં હલ્લા બોલ મચાવ્યું હતું.
નામ ધર્માદો નહીં સ્વીકારવા બાબત તેમજ જાતે નામ ધર્માદો ભરવા આવનાર લોકોનો નામ ધર્માદો સ્થળ ઉપર સ્વીકારી પાવતી આપવા વ્યવસ્થા કરવા માગણી કરવામાં આવી હતી.
બીજી તરફ સંસ્થાના ચેરમેન તથા આસી.કોઠારી દ્વારા હરિભક્તો દ્વારા આપવામાં આવેલ આવેદન પત્ર સ્વીકારી આ બાબતે યોગ્ય વિચારણા કરી પ્રત્યુતર પાઠવવામાં આવશે તેવો જવાબ આપવામાં આવ્યો હતો. તેમજ વધુમાં જણાવેલ કે નામ ધર્માદો સ્વીકારવામાં જ આવે છે પરંતુ જે તે સંતો દ્વારા રજીસ્ટર જમાં કરાવ્યા પછી જ ખબર પડે કે કોનો ધર્માદો બાકી છે જે વહીવટી પ્રક્રિયા હોવાનું જણાવ્યું હતું. પરંતુ હાલના સમયમાં નામ ધર્માદાના અસ્વીકાર બાબતે હરિભક્તોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ દરમિયાન પરિસ્થિતિને થાળે પાડવા માટે સ્થાનિક પીએસઆઇ પ્રજાપતિ તથા સ્ટાફ દ્વારા દરમિયાનગીરી કરી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer