‘િનયતી’ બ્રાન્ડનું નકલી મિનરલ વોટર બનાવતું કારખાનું ઝડપાયું

‘િનયતી’ બ્રાન્ડનું નકલી મિનરલ વોટર બનાવતું કારખાનું ઝડપાયું
પાણીના કોઈપણ જાતના પરીક્ષણ તથા બીઆઈએસની મંજૂરી વગર થતું’તું ઉત્પાદન : મનપા ફૂડ-આરોગ્ય શાખાના દરોડા
રાજકોટ તા.24 : કોર્પોરેશનની ફૂડ અને આરોગ્ય શાખાની ટીમને બનાવટી પેક્ડ મીનરલ ડ્રીંકીંગ વોટર વેચાતું અને ઉત્પાદન થતું હોવાની મળેલી ફરિયાદને પગલે આજરોજ હુડકો ચોકડી નજીક આવેલા એક કારખાનામાં દરોડો પાડયો હતો અને ‘િનયતી’ બ્રાન્ડના નામે કોઈપણ જાતના પરીક્ષણ તથા બીઆઈએસની મંજૂરી વગર નકલી મીનરલ વોટર બનાવવાનું કારસ્તાન પકડી પાડવામાં આવ્યું હતું.
શહેરના રેલનગર વિસ્તારમાં આવેલા સંતોષીનગરમાં રહેતા અને હુડકો ચોકડી પાસે, રામનગર-1માં ‘િનયતી’ બેવરેજીસ નામથી મીનરલ વોટર બનાવવાનું કારખાનું ધરાવતા દિવ્યેશભાઈ પી.ભટ્ટને ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. ચેકિંગ દરમિયાન પેકેજ્ડ મીનરલ ડ્રિન્કીંગ વોટર બનાવવા માટે સ્થળ પરના બોરના પાણીનું પરીક્ષણ કરવામાં ન આવ્યું હોવાનું, બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ તથા એફએસએસએઆઈ (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ)ના નિયમોનું પાલન થતું ન હોવાનું બહાર આવ્યું હતું. પેકેજ પાણીની બોટલ પર કોઈપણ જાતની મંજૂરી વગરના ફૂડ લાયસન્સ તથા બીઆઈએસના આઈએસઆઈ નંબર દર્શાવી લોકોના આરોગ્ય સાથે છેતરામણી કરવામાં આવી હતી.
મનપાના આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડના જણાવ્યાનુસાર સ્થળ પર રોજકામ કરી પાણીની 250 એમએલ, 500 એમએલ તથા 1 લીટરની પેક્ડ પાણીની તમામ બોટલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. લોકોના આઐરોગ્ય સાથે ચેડા અટકાવવા ઉત્પાદન કેન્દ્રના માલિકો સ્થળ પર ઉત્પાદન ન કરવા જણાવાયું છે. પેકેડ મિનરલ વોરટ માટેની મંજૂરી આપતી ઓથોરિટી બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડના સ્થાનિક અધિકારીને જાણ કરવામાં આવી છે જેના દ્વારા બીઆઈએસના નિયમો મુજબ ફોજદારી તથા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સ્થળ પરથી પેકેડ મીનરલ વોટર બોટલના પાણીના સેમ્પલ પરીક્ષણ અર્થે લીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કારખાનામાં અંદાજિત 70થી 100 પાણીના બોટલના કાર્ટુન વેચાણ કરવામાં આવતાં હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer