માલિયાસણ પાસેથી રૂ.8.35 લાખનો દારૂ પકડાયો

માલિયાસણ પાસેથી રૂ.8.35 લાખનો દારૂ પકડાયો
ટ્રકમાં સીરામિકના પાવડરની થેલીઓ પાછળ દારૂ છુપાવાયો’તો: બે રાજસ્થાનીની ધરપકડ: રાજકોટના બુટલેગરની શોધ
રાજકોટ, તા. 24: કુવાડવા રોડ પરના માલિયાસણ ગામ પાસેથી રૂ. 8.35 લાખની કિમતના દારૂ સાથેનો ટ્રક પોલીસે ઝડપી લીધો હતો અને રાજસ્થાનના ટ્રક ડ્રાઇવર સહિત બેની ધરપકડ કરી હતી. જયારે રાજકોટના બુટલેગરની શોધ આદરી હતી.
કુવાડવા રોડ પર પેટ્રોલીંગમાં નિકળેલા ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ધાંધલિયા અને તેના મદદનીશો જીતેન્દ્રસિંહ ઝાલા, વિજેન્દ્રસિંહ ઝાલા અને ફિરોઝ શેખને રાજસ્થાન પાસીંગના ટ્રકમાં દારૂનો મોટો જથ્થો છુપાવીને લાવવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. આ હકિકતના આધારે  એસીપી સરવૈયાના માર્ગદર્શન હેઠળ વોંચ ગઠવીને એ ટ્રકને અટકાવવામાં આવ્યો હતો. ટ્રકની તલાશી લેતા સીરામિક પાવડરની થેલીઓ પાછળ છુપાવવામાં આવેલી દારૂની 228પેટી મળી આવી હતી અને પ્લાસ્ટીકની થેલીમાંથી દારૂની 48 બોટલ મળી હતી. દારૂની કુલ 2784 બોટલ મળી આવી હતી. રૂ. 8.35 લાખનો દારૂ અને રૂ. 10 લાખનો ટ્રક મળી કુલ રૂ. 18.35 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. રાજસ્થાનના ટ્રક ડ્રાઇવર આસુસિંહ હનુમાનસિંહ ભાટી  અને કલીનરઆસુ કરણીસિહ રાઠોડની ધરપકડ કરી હતી.આ શખસોએ એવી કબુલાત આપી હતી કે,  રાજસ્થાનના બિકાનેરના કિશનસિંહ પાસેથી દારૂનો જથ્થો ટ્રકમાં ભરીને રાજકોટના ચતુર શિવાભાઇ પલાળિયાને પહોંચાડવાનો હતો. આ વિગતના આધારે પોલીસે કિશનસિંહ અને ચતુર સામે પણ ગુનો નોંધ્યો હતો. પોલીસની તપાસમાં માલની ખોટી બિલ્ટી બનાવવામાં આવ્યાનું પ્રકાશમાં આવ્યુ હતું.તેના આધારે બોગસ દસ્તાવેજો ઉભા કરવાની કલમ પણ ઉમેરવામાં આવશે તેમ જણાવાય છે. મોટા જથ્થામાં દારૂ પકડાવવાની આ ઘટનામાં કયાં પોલીસ અધિકારી સુધી રેલો પહોંચશે તે જોવાનું રહે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer