પાણીની પારાયણ: પરસોતમનગરની મહિલાઓનો મનપામાં માટલા ફોડીને વિરોધ

પાણીની પારાયણ: પરસોતમનગરની મહિલાઓનો મનપામાં માટલા ફોડીને વિરોધ
સમગ્ર વિસ્તારને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવતો હોવાનો કમિશનરને પાઠવેલા આવેદનમાં આક્ષેપ
રાજકોટ તા. ર4 : શહેરના આજી અને ન્યારી ડેમને સૌની યોજના હેઠળ નર્મદાનીરથી ભરવા છતાં પણ હજુ પણ અનેક વિસ્તારો પાણી માટે વલખા મારે છે. આવા જ એક વિસ્તારની મહિલાઓનું ટોળુ આજે પાણીની સમસ્યાના નિરાકરણ અર્થે મ્યુનિ.કચેરીએ ધસી આવ્યું હતું અને માટલા ફોડીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
સામેકાંઠે વોર્ડ નં.4ના મોરબી હાઈવે પર આવેલા પરસોતમનગરની મહિલાઓનું ટોળું કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર રેખાબેન ઠાકરશીભાઈ ગજેરાની આગેવાની હેઠળ પોતાના વિસ્તારની પાણી અને રસ્તાની સમસ્યાના નિરાકરણ લાવવાની ઉગ્ર માગ સાથે આજરોજ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીએ ધસી આવી હતી અને મ્યુનિ.કમિશનરે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે, વોર્ડ નં. 4 માં જય જવાન જયકિશાન સોસાયટી પાછળ આવેલા પરસોતમનગરના મફતીયાપરામાં છેલ્લા 40 વર્ષથી લોકો વસવાટ કરી રહ્યાં છે. આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની પાયાની સુવિધા તંત્ર દ્વારા આપવામાં આવી નથી. એક તરફ શહેર સ્માર્ટ સિટી બનવા આગળ ધપી રહ્યું છે ત્યારે બીજી તરફ આ વિસ્તારને સુવિધાથી બાકાત રાખવામાં આવ્યો છે. મ્યુનિ.તંત્ર દ્વારા આ સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવાની સાથોસાથ આ વિસ્તારમાં ડ્રેનેજ, રોડ-રસ્તા, રોશની જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવા ખાસ ગ્રાન્ટ ફાળવવા તેઓએ માગણી કરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer