શહેરમાં 3 લાખમાં મળશે ઘરનું ઘર !

શહેરમાં 3 લાખમાં મળશે ઘરનું ઘર !
સ્માર્ટ ઘર 1-2 અને 3 આવાસ યોજના માટેના ફોર્મનું 1 જુલાઈથી વિતરણ શરૂ : 2176 આવાસોનું નિર્માણ કરાશે
રાજકોટ તા.24 : મ્યુનિ.તંત્ર દ્વારા ઙખઅઢ હેઠળ નિર્માણ પામનારી સ્માર્ટ ઘર 1-2-3 આવાસ યોજના માટેના ફોર્મનું વિતરણ આગામી તા.1 જુલાઈથી તા.31 જુલાઈ દરમિયાન શહેરની આઈસીઆઈસીઆઈ બેન્કની તમામ શાખા પરથી કરવામાં આવશે તેમજ આજરોજ મેયર બિનાબેન આચાર્ય, સ્ટે.ચેરમેન ઉદય કાનગડ તેમજ મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામનારી આ આવાસ યોજનામાં તમામ સ્માર્ટ ઘરના ફ્લેટની ફાળવણી કમ્પ્યુટર ડ્રો મારફત કરવામાં આવશે. સ્માર્ટ  ઈડબલ્યુએસ-1 આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે બનાવવામાં આવશે. જે કુટુંબની સંપૂર્ણ વાર્ષિક આવક વધુમાં વધુ રૂ.3 લાખ સુધી હશે તેવા કુટુંબો આ આવાસના ફોર્મ ભરી શકશે. શહેરની આઈસીઆઈસીઆઈ બેન્કની વિવિધ શાખાઓમાંથી તા.1 જુલાઈથી તા.31 જુલાઈ સુધી આ આવાસ યોજના માટેના અરજીપત્રકો મેળવવાના તથા ભરેલા અરજીપત્રકો પરત કરવાના રહેશે. ફોર્મની કિંમત રૂ.100 રહેશે.
મ્યુનિ. અધિકારીઓ-પદાધિકારીઓના જણાવ્યાનુસાર આ આવાસ યોજનામાં કુલ 2176 આવાસોનું બાંધકામ કરવામાં આવશે. દરેક આવાસની કિ. રૂ.3 લાખ રાખવામાં આવી છે જેમાં  એક રૂમ, હોલ, કિચન, તથા સંડાસ-બાથરૂમની વ્યવસ્થા હશે, ઉપરાંત વધુમાં આકર્ષક એલીવેશન, વિશાલ પાર્કિંગ, અગ્નિ શમન તથા લીફ્ટની વ્યવસ્થા પણ આપવામાં આવશે. આ આવાસ માટે બેન્કો દ્વારા સરળતાથી લોન કરી આપવામાં આવશે તેમજ 100 % દસ્તાવેજ કરી આપવામાં આવશે. આ આવાસ યોજનાના ફોર્મ માત્ર બેંક મારફત જ વિતરણ કરવામાં આવશે, તેમ પણ મ્યુનિ. કમિશનરએ જણાવ્યું હતું.
ક્રમ      પ્રોજેક્ટનું નામ ટી.પી.  એફ.પી.                                  વિસ્તાર    આવાસોની સંખ્યા
(1)     સ્માર્ટઘર-1     28(મવડી)      49/અ સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં મવડી રૂરલ પોલીસ હેડક્વાર્ટર પાસે          384
(2)     માર્ટઘર-2       28 (મવડી)     29/ઈ  સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાછળ, જીવરાજ પાર્ક 80 ફૂટ મેઈન રોડ          616
(3)     સ્માર્ટઘર-3     28 (મવડી)     12/અ આર્યલેન્ડ રેસીડેન્સીની પાછળ, શાંતિવન પરિસર બાજુમાં, જીવરાજ પાર્ક 80 ફૂટ મેઈન રોડ       1176
ફ્લેટ ભાડે આપનારી ફાળવણી  હવે રદ્દ કરાશે :કમિશનર પાની
કોર્પોરેશન અને રૂડા હસ્તકની જુદી-જુદી આવાસ યોજનાઓમાં ફ્લેટ ભાડે આપવાનું કારસ્તાન તાજેતરમાં પકડતા કમિશનર બંછાનીધિ પાનીએ આપેલા નિર્દેશ મુજબ હવે કડક પગલા લેવાના શરૂ થઈ ગયાં છે. આજે કમિશનરે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા જણાવ્યું હતું કે, આવાસ યોજનામાં ફ્લેટ ભાડે આપનારમાં માલિકની ફ્લેટ ફાળવણી રદ્દ કરવામાં આવશે. જ્યારે ભાડાના ધંધા કરનારા લાભાર્થી પરિવારને 10 વર્ષ સુધી બ્લેક લિસ્ટમાં મૂકવા જાહેરાત કરવામાં આવી છે. કમિશનરની જાહેરાતને પગલે આવાસ યોજનામાં ભાડે રહેતા પરિવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer