જૂનાગઢ પાલિકાની 21મી જુલાઇના ચૂંટણી

જૂનાગઢ પાલિકાની 21મી જુલાઇના ચૂંટણી
જૂનાગઢ, તા.24 : મહાનગરપાલિકાની સામાન્ય તથા ગાંધીનગર મનપાની પેટા ચૂંટણીની રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેરા કરાઇ છે. તે અંતર્ગત આગામી તા.21 જૂલાઇના ચૂંટણી યોજાશે. તા.23ના મતગણતરી થશે. આ જાહેરાત સાથે જ આદર્શ આચાર સંહિતા અમલી બની છે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાપાલિકાની સામાન્ય ચૂંટણી ઉપરાંત ગાંધીનગર મનપાની પેટા ચૂંટણી તેમજ જિલ્લા તા.પંચાયતોની ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજવાની જાહેરાત થઇ છે. તા.1ના જાહેરનામું પ્રસિધ્ધ કરાશે. ઉમેદવારી પત્રો તા.6 જુલાઇ સુધીમાં રજુ કરી કરાશે. તા.8ના રોજ ફોર્મ ચકાસણી તા.9ના પરત ખેંચી શકાશે. તા.21ના મતદાન યોજાશે અને તા.23ના મતગણતરી થશે. ચૂંટણીની જાહેરાત સાથે આચાર સંહિતા અમલમાં આવી છે. સાથે સાથે રાજકીય ગતિવિધિ પણ તેજ બની છે.
જૂનાગઢ મહાનગરપાલિકાની રચના વર્ષ 2002માં કરવામાં આવી હતી. તેથી રાજ્યની ભાજપ સરકારે પ્રથમ મહાપાલિકામાં ભાજપનું શાસન સ્થપાય તે માટે મહેન્દ્રભાઇ મશરૂને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતાં. શહેરી મતદારોએ વિકાસની ભૂખ સંતોષાય તે માટે ભાજપને બહુમતિ આપતા પ્રથમ મેયર પદે મહેન્દ્રભાઇઉ મશરૂ સત્તારૂઢ થયા હતાં.
પરંતુ પાંચ વર્ષમાં લોકોની અપેક્ષા મુજબ વિકાસ કામો ન થતા, બીજી ચૂંટણીમાં પરિવર્તનનો મિજાજ દાખવી કોંગ્રેસને બહુમતિ આપતા, પાંચ વર્ષ કોંગ્રેસનું શાસન સ્થપાયું હતું. તેમાં પણ ધાર્યા પરિણામ મળ્યાં ન હતાં. અને શાસકોએ પ્રજાજનોની ઉપેક્ષા કરતા લોકો કોંગી શાસનથી ત્રાહીમામ પોકારી ગયા હતાં. બાદમાં પાંચ વર્ષ પહેલા મહાપાલિકાની ત્રીજી ચૂંટણીમાં ભાજપને શાસન ધૂરા સંભાળી હતી. કોંગ્રેસના દસ કોર્પોરેટરોએ ભાજપમાં ભળી ચૂંટાઇ આવ્યાં હતાં. પરિણામે ભાજપના શાસકો નગરનું ભલુ કરશે તેવો આશાવાદ રાખ્યો હતો. તે પણ ઠગારો પુરવાર થયો છે. આમ જૂનાગઢ વાસીઓએ છેલ્લા દોઢ દસકામાં ત્રણ ચૂંટણીમાં બે વખત ભાજપ અને એક વખત કોંગ્રેસ શાસન ધૂરા સોંપી પણ સૌ પ્રથમ વહીવટદારના શાસનમાં જે વિકાસ થયો ત્યારબાદ ચૂંટાયેલ બોડીમાં થયો જ નથી. સરકાર દ્વારા દર વર્ષે કરોડોની ગ્રાન્ટ ફાળવાય છે. પણ તેનો પ્રજાલક્ષી કાર્યોમાં ઓછો ઉપયોગ થયો છે. ત્યારે આગામી ચૂંટણીમાં નગરજનો શાસન પરિવર્તન કરે કે રીપીટ તે જોવાનું રહ્યું.
33 તાલુકા પંચાયતમાં પણ 21મીએ પેટા ચૂંટણી યોજાશે
અમદાવાદ, તા.24: ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.3ની પેટાચૂંટણી તેમજ 5 જિલ્લા અને 33 તાલુકા પંચાયતોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજવાની જાહેરાત થઇ છે. આ જાહેરાત થતા ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં
આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે 390 ઇવીએમ ફાળવવામાં આવ્યા છે.  જૂનાગઢ મહાનગરપાલિકામાં 1,22,584 પુરૂષ મતદારો અને 1,15,440 ત્રી મતદારો મળીને કુલ 2,38,024 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ તા.21 જુલાઇના રોજ કરશે. જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણી માટે 4 ચૂંટણી અધિકારી અને 4 મદદનીશ ચૂંટણી અધિકારી સહિત 1306 પોલીંગ સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી છે. જૂનાગઢ મનપામાં 297 મતદાન મથકો પૈકી 151 સંવેદનશીલ અને 43 અતિસંવેદનશીલ મતદાન મથકો ઉપર 594 પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
પાંચ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પાટણ, નવસારી, જામનગર, ખેડા અને જૂનાગઢ જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે. જ્યારે 33 તાલુકા પંચાયતોમાં સૌરાષ્ટ્રની અમરેલી જિલ્લાની 10, જૂનાગઢ જિલ્લાની 2, સુરેન્દ્રનગર જિલ્લાની 8, પોરબંદર જિલ્લાની 9 તેમજ કચ્છ જિલ્લાની 6 તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે.
 
 
 
 
 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer