રાજ્યમાં ચોમાસું સક્રિય: તોફાની અંદાજ સાથે 0ાા થી 3 ઈંચ

રાજ્યમાં ચોમાસું સક્રિય: તોફાની અંદાજ સાથે 0ાા થી 3 ઈંચ
દક્ષિણ ગુજરાત, અરવલ્લી સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘ મહેર : ગોંડલના રામોદમાં 1 કલાકમાં 3 ઈંચ
અમદાવાદમાં ઝંઝાવાતી પવનસાથે 1 ઈંચ વરસાદ, ર00 વૃક્ષ ધરાશાયી
રાજપરામાં વીજળી પડતા ભેંસનું મોત : લાલપુરમાં બે કલાકમાં 3 ઈંચ : લીંબડીમાં મિનિ વાવાઝોડાથી નુકસાન
રાજકોટ, તા.24 : રાજ્યભરમાં ચોમાસું સક્રિય થયું છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગાહી બે દિવસ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. અમદાવાદમાં તોફાની વરસાદે નુકશાન નોંધાયું છે. ગોંડલના રામોદમાં 1 કલાકમાં 3 ઈંચ વરસાદે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જી છે. લાલપુરમાં પણ બે કલાકમાં 3 ઈંચ વરસાદ પડયો છે. દક્ષિણ ગુજરાત, અરવલ્લી જીલ્લાના મોડાસામાં પણ ઝંઝાવાતી પવન સાથે વરસાદ નોંધાવ્યો હતો. સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં છૂટી છવાઈ 0ાા થી 3 ઈંચ મેઘમહેર નોંધાઈ છે.
બાબરામાં બે ઈંચ
સમગ્ર તાલુકામાં બપોર બાદ મેઘરાજાએ હેત વરસાવી ઠંડક પ્રસરાવી હતી. બાબરામાં જો કે 7 મીમી વરસાદ જ થયો છે. પરંતુ ઈંગોરાળામાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. ધરાઈ ગામે પણ સારો વરસાદ નોંધાયો છે.
ગીર જંગલમાં એક ઈંચ
ઉના પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં કોઈ વરસાદ નોંધાયો નથી. પરંતુ બાબરિયા પંથકમાં પોણો ઈંચ અને ગીર જંગલમાં એક ઈંચ વરસાદ પડયો હતો.
રામોદમાં 1 કલાકમાં 3 ઈંચ
કોટડાસાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા હર્ષની લાગણી ફેલાઈ છે. રામોદમાં એક કલાકમાં 3 ઈંચ વરસાદ પડતા નદીઓ વહેતી થઈ ગઈ હતી. શીશક, રાજગઢ, ખરેડા, સતાપર જેવા ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. રાજપરા ગામે વીજળી પડતા ભેંસનું મોત
થયું હતું.
ડેડાણમાં અડધો ઈંચ
ડેડાણમાં સાંજના 4.30 આસપાસ ગાજવીજ સાથે પડેલા અડધો ઈંચ વરસાદને કારણે ખેડૂતોમાં આનંદ ફેલાયો હતો.
ચાંચાપરમાં એક ઈંચ
સાંજે 5 વાગ્યાથી અડધી કલાકમાં જ એક ઈંચ વરસાદ પડી ગયો હતો. આજે ગાજવીજ સાથે પડેલાં વરસાદથી ભરચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું.      
લાલપુરમાં બે કલાકમાં 3 ઈંચ
તાલુકામાં આજે મેઘમહેર ઉતરતા નાનાખડબા, મોટા ખડબા, માધુપુર, વાવડી, ખુરીલા, હરિપર, માધુપુર, રકકા, ખટીયા, વલ્લભપુર વગેરે ગામોમાં 3 ઈંચ વરસાદ ખાબકયો હતો. માત્ર પ થી 7 બે કલાકમાં આ વરસાદ પડયો હતો.
સાવરકુંડલામાં 1 ઈંચ
શહેર અને પંથકમાં આજે સાર્વત્રિક અડધાથી પોણો ઈંચ વરસાદ પડી ગયો હતો. વરસાદ બાદ લોકોમાં રાહતની લાગણી પ્રસરી હતી.
લીંબડીમાં વરસાદ નહીં, ચક્રવાત !
ગત રાત્રિએ અહીં ભારે ગાજવીજ સાથે શરૂ થયેલાં ચક્રવાતમાં ગ્રીન ચોક અને રેલ્વે સ્ટેશન રોડ પર મોટા વૃક્ષ ધરાશાયી કર્યા હતાં. નદીકાંઠે જુના મકાનની દિવાલ ધસી પડી હતી. વીજપુરવઠો ખોરવાયો હતો. અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતાં.
મોરબી પંથકમાં મેઘમહેર
જીલ્લામાં આજે માળિયા, હળવદ અને વાંકાનેર પંથકમાં મેઘમહેર જોવા મળી હતી. રણકાંઠા વિસ્તારમાં પણ વરસાદ હતો. વાંકાનેર, કુંભારીયા, વેજલપર, ખાખરેચી, વેણાસર સહિતના ગામોમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતાં.
ગોંડલ પંથકમાં પોણો ઈંચ
શહેર અને તાલુકામાં સાંજે ગાજવીજ સાથે પોણો ઈંચ વરસાદ વરસી ગયો હતો. આ વરસાદથી શહેરીજનોમાં આનંદ છવાયો
દામનગર પંથકમાં દોઢ ઈંચ વરસાદ બાદ સોમવારે માત્ર અડધી કલાકમાં એક થી દોઢ ઈંચ વરસાદ વરસી જતાં નદી-તળાવમાં પાણીની આવક થઈ છે.
જુનાગઢ : સૌરઠનાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વિસાવદરમાં એક ઝાપટું વરસ્યા સિવાય જીલ્લામાં કયાંય વરસાદના વાવડ નથી.
ભાવનગર : જીલ્લાના એક માત્ર ઉમરાળામાં આજે અડધો ઈંચ વરસાદ પડયો હતો. અન્ય કોઈ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.
દલદેવડિયા : જામજોધપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં સાંજે 6 વાગ્યાથી પોણો કલાકમાં વાવણીલાયક વરસાદ વરસી ગયો હતો.
મોડાસા : અરવલ્લી જીલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબકયો હતો. મોડાસામાં એક દિવાલ ધસી પડતા એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલી બે કાર દબાઈ ગઈ હતી. માલપુર, મેઘરજ, ધનસુરા, ભિલોડામાં પણ વરસાદ થયો છે. ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતાં.
દક્ષિણ ગુજરાતમાં ધીમી ધારે શરૂ થયેલા વરસાદમાં નીજરમાં બે ઈંચ પાણી વરસ્યું હતું. જયારે નવસારી અને સુબીટમાં અડધો ઈંચ પાણી નોંધાયું છે.
ખેડા જીલ્લાના કઠલાલમાં ર4 કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. ગાંધીનગરના દહેગામમાં બે ઈંચ, ગાંધીનગર તાલુકામાં 1 ઈંચ, માણસરમાં અડધો, હારીજમાં 1 ઈંચ, અમીરગઢમાં દોઢ, દિયોદરમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે.
અમદાવાદ : શહેરમાં વાવાઝોડા સાથે ત્રાટકેલાં વરસાદમાં 200 જેટલા વૃક્ષ ધરાશાયી થયાં છે. વરસાદ એક ઈંચ નોંધાયો હતો. પરંતુ એક દોઢ કલાકમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. આ દોઢ બે કલાક અમદાવાદને વરસાદ-ઝંઝાવાતી પવને ધમરોયી નાંખતા અનેક રસ્તાઓ બંધ થયાં હતાં.
સડોદરમાં દોઢ ઈંચ
જામજોધપુર તાલુકાના સડોદર ગામે સાંજે 6 થી 8 દરમિયાન વાવણી લાયક દોઢ ઈંચ વરસાદ થઈ ગયો હતો. પ્રખ્યાત ફૂલનાથ મહાદેવની જગ્યા ખાતે પણ વાવણી લાયક વરસાદ પડયો હોય, સર્વત્ર વાવણીનો પ્રારંભ થઈ ગયો છે.
કયાં કેટલો વરસાદ
બાબરા-0ા
ઈંગોરાળા-2
ગીર પંથક-1
બાબરીયા-0ાા
રામોદ -3
ડેડાણ-0ાા
ચાંચાપર-1
લાલપુર-3
સાવરકુંડલા-1
ગોંડલ-0ાાા
દામનગર-1ાા
ઉમરાળા-0ાા
નીજર-2
કઠલાલ-3
ગાંધીનગર-1
માણસા-0ાા
દહેગામ-2
હારીજ-1
અમદાવાદ-1
ભાદરડેમની સપાટી 5.60 ફૂટે પહોંચી
સૌની યોજના હેઠળ પાણી ઢાલવાતા વધુ 0.13નો સપાટીમાં વધારો
રાજકોટ, તા.24 : રાજકોટ ઉપરાંત જેતપુર અને ગોંડલ સહિતના શહેરોની જીવાદોરી સમાન ભાદર ડેમમાં નર્મદાનીર ઠાલવવાનું શરૂ થતાં સપાટી વધવા લાગી છે. જેમાં 34 ફૂટની ઉંડાઇ ધરાવતા આ ડેમની સપાટી 5.60 ફૂટે પહોંચી ગઇ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એકાદ સપ્તાહ પહેલા સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા ભાદર ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનીર ઠાલવવાનું શરૂ થયું હતું. દરમિયાન ગોંડલના વેરી તળાવ, આશાપુરા ડેમ સહિત 34 જેટલા નાના-મોટા ડેમો ભરાયા બાદ નર્મદાનીર ભાદરમાં પહોંચ્યા હતાં. જેમાં દરરોજ પાણીની આવક અને વરસાદી પાણીના કારણે આજે સપાટી 5.60 ફૂટે પહોંચી છે. કુલ 34 ફૂટની ઉંડાઇ ધરાવતા ભાદર-1 ડેમમાં આજે વધુ 0.13 સપાટી વધતા હવે 5.60 ફૂટે પહોંચી છે. બીજી તરફ હજુ પણ ડેમમાં પાણી ઠાલવવાનું શરૂ છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer