લોકસભામાં મોદી વિશે અણછાજતી ટિપ્પણીથી હોબાળો

લોકસભામાં મોદી વિશે અણછાજતી ટિપ્પણીથી હોબાળો
અધીર રંજને મોદીની તુલના ગટર સાથે કરી માફી માગી : ભાજપના સાંસદોનો ભારે હંગામો
આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી, તા. 24 : લોકસભામાં રાષ્ટ્રપતિના સંભાષણ પર આભાર વ્યક્ત કરતી દરખાસ્તની ચર્ચા દરમિયાન કૉંગ્રેસ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ સામસામા આવી ગયા હતા. બંને પક્ષોએ એકબીજાના વહીવટના રેકર્ડના મુદ્દે સામસામા શાબ્દિક પ્રહારો કર્યા હતા.
લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજને આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે એક નેતા દ્વારા કરાયેલી સરખામણીના પ્રતિસાદમાં એમ કહીને હોબાળો મચાવી દીધો હતો કે તમે ગંગા નદીની સરખામણી કોઈ ગટરના નાળા સાથે કરી શકો નહીં.
રાષ્ટ્રપતિના પ્રવચનનો આભાર માનતી દરખાસ્ત પરની ચર્ચા દરમિયાન કેન્દ્રીય પ્રધાન પ્રતાપ સારંગીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી આધ્યાત્મિક નેતા સ્વામી વિવેકાનંદ સાથે કરી ત્યારે તેના પ્રતિસાદમાં કૉંગ્રેસના નેતા અધીર રંજને ઉપર મુજબની પ્રતિક્રિયા વ્યક્ત કરીને હોબાળો મચાવી દીધો હતો. અધીર રંજને જણાવ્યું હતું કે, “તમને તમારા નેતાની પ્રશંસા કરવાનો અધિકાર છે, પરંતુ તમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી સ્વામી વિવેકાનંદ સાથે કરો એ સારું નથી.’’
પરંતુ વાંધાજનક “નાલી’’ ટિપ્પણી કર્યાના કલાકો બાદ કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે તેનો ઇરાદો વડા પ્રધાનનું અપમાન કરવાનો ન હતો અને તેઓ અંગત રીતે વડા પ્રધાનની માફી માગશે.
પોતાની ટિપ્પણીના ખોટા અર્થઘટન પર ખેદ વ્યક્ત કરતાં ચૌધરીએ જણાવ્યું હતું, ‘મારો ઇરાદો વડા પ્રધાનનું અપમાન કરવાનો ન હતો. આ એક ગેરસમજ છે. મેં “નાલી’’    શબ્દનો પ્રયોગ કર્યો જ નથી. જો વડા પ્રધાન મારાથી નારાજ હશે તો હું દિલગીર છું. મારો ઇરાદો તેમની લાગણી દુભાવવાનો નહોતો. હું અંગત રીતે તેમની માફી માગી લઇશ. હું હિન્દી ભાષી નથી એટલે અર્થનો અનર્થ થઈ ગયો છે. હું માત્ર ગંગા નદી અને જ્યાંથી તેનું પાણી પસાર થાય છે તે સ્થાનિક નાળાઓની સરખામણી કરતો હતો.’ એમ ચૌધરીએ વધુ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું. ભાજપના સાંસદ પ્રતાપ સારંગીએ વડા પ્રધાનની સરખામણી વિવેકાનંદ સાથે નામમાં સમાનતા હોવાના કારણે કરી હતી અને તેમને સમાન સ્તરના ગણાવ્યા હતા. આનાથી બંગાળની લાગણી દુભાઈ છે એટલે મેં કહ્યું હતું કે, તમે મને ઉશ્કેરી રહ્યા છો. જો તમે આમ કહેવાનું ચાલુ રાખશો તો હું એમ કહીશ કે તમે ગંગાની સરખામણી નાલી સાથે કરી રહ્યા છો એમ ચૌધરીને કહેતા ટાંકવામાં આવ્યા હતા.
ચૌધરીએ વડા પ્રધાનની સરખામણી “નાલી’’ સાથે કર્યા બાદ ગૃહમાં ભારે હોબાળો મચી ગયો હતો. ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે કોઈ સરખામણી થઈ શકે નહીં એમ જણાવતાં ચૌધરીએ કહ્યું હતું કે, “કહાં મા ગંગા ઔર કહાં ગંદી નાલી’’ તેમની આ ટિપ્પણીની ભાજપના સાંસદોએ ઉગ્ર ટીકા  કરી હતી.
પશુપાલન ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન પ્રતાપ સારંગીએ રાષ્ટ્રપતિના પ્રવચનનો આભાર માનતી દરખાસ્ત પરની ચર્ચાનો પ્રારંભ કર્યો હતો. 17મી લોકસભાના પોતાના પ્રથમ પ્રવચનમાં વક્ઊતત્વ કળાથી સારંગીએ તમામ સાંસદોને દિગ્મૂઢ કરી દીધા હતા. તેમણે અસ્ખલિત હિન્દી, અંગ્રેજી, ઉડિયા, બંગાળી અને સંસ્કૃતમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા અને કેન્દ્રની મોદી સરકારની સફળતાની ગાથા રજૂ કરી હતી.
વડા પ્રધાનની પ્રશંસા કરતાં સારંગીએ જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં વડા પ્રધાનની છબિને ભ્રષ્ટાચારનો એક પણ ડાઘ લાગ્યો નથી. દેશના એક એક ખૂણામાં મોદીનો ક્રેઝ છે. આઝાદી પછી પ્રથમવાર પોતાનાં કાર્યો માટે સરકાર ફરીથી સત્તા પર પાછી ફરી છે.
સારંગીએ મોદી સરકારની સિદ્ધિઓ પર પ્રકાશ પાડયો હતો અને જણાવ્યું હતું કે, લોકોએ ‘િમલાવટ’ને જાકારો આપ્યો હતો.
વિરોધીઓ મોદીની ઈર્ષ્યા કરતા હતા અને તેમણે ટુકડે ટુકડે ગૅંગ સાથે ઊભા ન રહેવું જોઈએ. આવા લોકો માટે દેશમાં કોઈ સ્થાન નથી. બીજી તરફ કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકારે બધું મોદી પર છોડી દીધું છે.
“તમારા મગજમાં એવું ભરાઈ ગયું છે કે, ‘મોદી બાબા’ બધું કરશે અને એટલે તમે તેમને પૂજો છો.’’ એમ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું.
અભિનંદનની મૂછને રાષ્ટ્રીય મૂછ ઘોષિત કરો: કોંગ્રેસ
લોકસભામાં કોંગ્રેસના નેતાએ વિંગ કમાન્ડરને વીરતા પુરસ્કાર આપવા માગ કરી
નવી દિલ્હી, તા. 24: વિંગ કમાન્ડર અભિનંદનની બહાદૂરીનો ઉલ્લેખ લોકસભામાં પણ થયો હતો. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ અભિનંદનની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તેમના સાહસ અને શૌર્યને ધ્યાને લઈને વીરતાનો પુરસ્કાર મળવો જોઈએ. ચૌધરીએ એમ પણ કહ્યું હતું કે, અભિનંદનની મૂછને રાષ્ટ્રીય મૂછની ઓળખ આપવી જોઈએ. લોકસભામાં ચૌધરીએ વિંગ કમાન્ડર અભિનંદનની પ્રશંસામાં કહ્યું હતું કે, અભિનંદનના શૌર્ય અને સાહસ દેશ માટે ગર્વ સમાન છે. અભિનંદન પોતાના સાહસ માટે વીરતા પુરસ્કારને લાયક છે અને તેની મૂછને રાષ્ટ્રીય મૂછ ઘોષિત કરવી જોઈએ. અગાઉ પાકિસ્તાનની કેદમાં ત્રણ દિવસ રહ્યા બાદ જ્યારે વિંગ કમાન્ડર અભિનંદન ભારત પરત આવ્યા ત્યારે વાઘા બોર્ડરે મોટી સંખ્યામાં લોકોએ સ્વાગત કર્યું હતું. પાકિસ્તાની સરહદમાં ઘૂસીને એફ-16 તોડી પાડનારા અભિનંદનના શૌર્યની ખૂબ સરાહના થઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer