RBIના નાયબ ગવર્નર વિરલ આચાર્યનું અચાનક રાજીનામું

RBIના નાયબ ગવર્નર વિરલ આચાર્યનું અચાનક રાજીનામું
મુદતના છ માસ વહેલું પદ છોડતા અનેક તર્કવિર્તક
નવી દિલ્હી તા. 27: રીઝર્વ બેન્કના નાયબ ગવર્નર વિરલ આચાર્યએ તેમની મુદત પૂર્ણ થવાના છ માસ વહેલું રાજીનામું આપી દીધાનું બેન્કમાંના સૂત્રોએ જણાવ્યું હતું.નાણાંકીય નીતિ વિભાગનો અખત્યાર સંભાળતા આચાર્યે ‘અંગત કારણોસર’ આપેલું રાજીનામું મહત્વપૂર્ણ ઘટના એ સંદર્ભે છે કે આરબીઆઈને 7 માસમાં આ બીજો ઝટકો લાગ્યો છે, ગયા ડિસે.મા ઉર્જિત પટેલે આરબીઆઈના ગવર્નરપદેથી અંગત કારણસર રાજીનામું આપ્યું હતું. વિરલ આચાર્ય ઉર્જિત પટેલની ટીમના હોવાનું મનાતું હતું. ઉર્જિત પટેલનું રાજીનામું એ કારણસર પણ મહત્વપૂર્ણ હતું કે તેમણે આરબીઆઈની અનામત કેન્દ્ર સરકારને તબદિલ કરી શકાય કે નહીં તે અંગે બિમલ જાલન સમિતિનો રીપોર્ટ આવવાના થોડા જ સમય પહેલાં તેમણે રાજીનામું આપી દીધું હતું.
આરબીઆઈની સ્વાયત્તતા પરની સરકારની તરાપની આડકતરી પણ આકરી આલોચના આચાર્યે ગયા ઓકટોબરમાં કરતા વિવાદ છેડાયો હતો. આરબીઆઈની અનામત સાથેનો સરકારનો વ્યવહાર, તણાવનું એક કારણ હોવાની બાબત આચાર્યે ઉજાગર કરી હતી.
છેલ્લા કેટલાક માસથી આચાર્ય, આરબીઆઈના નવા ગવર્નર શકિતકાન્ત દાસના નિર્ણયોથી અલગ વિચાર રજૂ કરતા આવ્યા હતા. મીડિયામાંના અહેવાલ મુજબ મોનિટરીંગ પોલિસીની છેલ્લી બે બેઠકમાં મોંઘવારી દર અને વૃદ્ધિ દરના મુદ્દે આચાર્યના વિચાર અલગ હતા. એ બેઠકમાં રાજકોષીય ખાધના મુદ્દે ગવર્નરના વિચારો સાથે આચાર્યે સહમતિ નહોતી દર્શાવી.
મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં દેશના અર્થતંત્રની દૃષ્ટિએ ઉર્જિત પટેલનું રાજીનામું મોટી ઘટના હતા. તે પહેલાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રહેલા અરવિંદ પનગઢિયાએ ઓગસ્ટ ’17માં અને અરવિંદ સુબ્રહ્મણ્યમે અંગત કારણોસર જુલાઈ ’18માં રાજીનામાં આપ્યા હતા.
આરબીઆઈમાં હવે 3 નાયબ ગવર્નર છે-એનએસ વિશ્વનાથન, બીપી કાનૂન્ગો, એમકે જૈન.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer