એમ.એસસીનું ફોર્મ ન ભરી શકનાર લાલપુરની વિદ્યાર્થિનીનો આપઘાત

જામજોધપુરના દિવ્યાંગે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ

જામનગર, તા.24 : લાલપુરના સરીતા પાર્ક વિસ્તારમાં શેરી નં.1માં રહેતી ચાર્મીબેન અશોકભાઈ ભેંસદડીયા (20 ) કોલેજિયન વિદ્યાર્થિનીએ પોતાના ઘેર પંખાના હુકમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળાફાંસા દ્વારા જિંદગીનો અંત લાવી દીધો હતો.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર આ વિદ્યાર્થિનીએ ટીવાય.બી.એસસીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ઉચ્ચ અભ્યાસ માટે એમ.એસસી.માટેનું ઓનલાઈન ફોર્મ ભરવાનું હતું જે ફોર્મ ભરવામાં પોતાને મોડુ થઈ જતાં તેણે આ પગલું ભર્યું હતું.
જામજોધપુરમાં આંબેડકરવાસ વિસ્તારમાં રહેતા જેઠાભાઈ પાલાભાઈ રાઠોડ નામના 48 વર્ષના દિવ્યાંગે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા જિંદગી ટૂંકાવી હતી.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ મોહનભાઈ રાઠોડે પોલીસને જણાવ્યાનુસાર જેઠાભાઈ રાઠોડને છેલ્લા કેટલાક સમયથી દાઢનો દુ:ખાવો થતો હતો. ઉપરાંત તેનો પગ પ્લાસ્ટિકનો હોવાથી દિવ્યાંગ હતો. જેના કારણે કોઈ કામ ધંધો કરી નહીં શકતા જિંદગીથી કંટાળી તેણે આપઘાતનું પગલું ભરી લીધું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer