ઝારખંડમાં મોબ લિન્ચિંગ: SIT તપાસના આદેશ

ઝારખંડમાં મોબ લિન્ચિંગ: SIT તપાસના આદેશ
ચોરીની આશંકાએ યુવાનને માર મારતા મૃત્યુ
પીઓ પ્રભારી સસ્પેન્ડ : ત્રણની ધરપકડ
રાંચી, તા. 24: ઝારખંડના સરાઈકેલા ધાતકીદિહ ગામે મોબાઈક ચોરી થયાની આશંકા પરથી એક ટોળાએ તબરેઝ અન્સારી (22) નામના યુવકને ગઈ તા. 17મીએ બેરહેમપણે માર મારતાં જમશેદપુરની હોસ્પિલમાં ગઈ કાલે મૃત્યુ થયાને પગલે મુખ્યમંત્રી રઘુબર દાસે મોબલિન્ચિંગના આ મામલાની એસઆઈટી દ્વારા તપાસનો આદેશ આપ્યો છે. સીએમએ તત્કાળ અસરથી સરાઈકેલા પોલીસ ઓફિસર ઈનચાર્જને સસ્પેન્ડ કર્યા છે. દરમિયાન ઝારખંડ પોલીસે આ ઘટનામાં ત્રણની ધરપકડ પણ કરી છે.
મૃતક સામે ચોરીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવનાર તેના પરિવારે જણાવ્યું હતું કે તે પૂણેમાં કામ કરતો હતો અને ઈદ નિમિત્તેના વેકેશનમાં ઘેર આવ્યો હતો ત્યાં આ બનાવ બન્યો હતો. કેટલાકે તેને ચોર હોવાની તેના પર આશંકા કર્યા બાદ તેને ઝડપી  લીધો ત્યારે તે અન્ય બે ઈસમો સાથે બાઈક પર હતો. તેની સાથેના અન્ય બે નાસી ગયા હતા, જ્યારે તબરેઝને વીજ થાંભલા સાથે બાંધી રાખી આખી રાત દરમિયાન માર માર્યો હતો, તેમ જ  તેનો ધર્મ જાણી લીધા બાદ ‘જય શ્રી રામ’ અને ‘જય બજરંગ બલી’નો સૂત્રોચ્ચાર કરવા ફરજ પાડવામાં આવી હતી.
મુખ્ય આરોપી પપ્પુ મંડલ મૃતકને મારતો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ બનાવ બહાર આવ્યો હતો. મારપીટ કર્યા બાદ ટોળાએ તબરેઝને પોલીસને સોંપી દીધો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer