સેમિ ફાઇનલનું ગણિત અટપટું

સેમિ ફાઇનલનું ગણિત અટપટું
ભારત માટે બે જીત જરૂરી : વધુ એક હાર ઇંગ્લેન્ડને ભારે પડી શકે છે
નવી દિલ્હી, તા.24: આઇસીસી વર્લ્ડકપમાં લીગ મેચો જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ સેમીફાઇનલ માટેની કેટલીક તસવીરો સ્પષ્ટ થવા લાગી છે. ઐતિહાસિક લોર્ડસ મેદાન પર રવિવારે પાકિસ્તાન સામે હાર્યા બાદ દ.આફ્રિકા બહાર થઇ ગયું છે. આ સાથે જ પાકિસ્તાને સેમીફાઇનલની પોતાની આશા જીવંત રાખી છે. તો લીડસમાં ઇંગ્લેન્ડના હાર્યા પછી શ્રીલંકા પણ રેસમાં છે. ટૂર્નામેન્ટમાં રહેવા માટે સંઘર્ષ કરી રહેલી આ ટીમોમાંથી ચાર ટીમો એવી છે જે મજબૂત સ્થિતિમાં છે અને સેમીફાઇનલમાં પોતાની જગ્યા બનાવતી દેખાય છે. પરંતુ ક્રિકેટ અનિશ્ચિતતાઓથી ભરેલી રમત છે એટલે અંતિમ મેચ સુધી કંઇપણ કહેવા મુશ્કેલ છે.
ન્યૂઝીલેન્ડ અને ભારતે અત્યાર સુધીમાં પોતાની એકપણ મેચ હારી નથી. ભારતે અત્યાર સુધી પમાંથી 4 મેચોમાં જીત મેળવી છે. ન્યૂઝીલેન્ડે 6માંથી પ મેચોમાં જીત મેળવી છે. બન્ને ટીમોની મેચ વરસાદના કારણે રદ થઇ હતી. હાલમાં ન્યૂઝીલેન્ડ 11 પોઇન્ટ સાથે ટોચ પર છે. જ્યારે ભારત 9 પોઇન્ટ સાથે ત્રીજા નંબરે. ઓસ્ટ્રેલિયા 10 પોઇન્ટ સાથે લિસ્ટમાં બીજા નંબરે છે. પોઈન્ટ ટેબલમાં ટોપ-4 ટીમો સેમીફાઇનલમાં આવશે. ન્યૂઝીલેન્ડને પોતાની જગ્યા પાક્કી કરવા માટે હવે 1 મેચ જીતવાની છે જ્યારે ભારતને 2 મેચ જીતવી પડશે. ભારતની આગામી મેચ મેજબાન ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા અને બાંગ્લાદેશ સામે છે.
ઓસ્ટ્રેલિયા અત્યાર સુધીમાં માત્ર એક મેચ હાર્યું છે. ટીમના બધા ખેલાડી ફોર્મમાં છે. હવે તેને ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને સાઉથ દ.આફ્રિકા સામે મેચ રમવાની છે. માત્ર 1 મેચ જીતીને તે પોતાની જગ્યા સેમીફાઇનલમાં પાક્કી નહીં કરી શકે. જો ટીમના 10 પોઇન્ટ થાય છે તો તેને આશા કરવી પડશે કે શ્રીલંકા, બાંગ્લાદેશ કે પાકિસ્તાન સામેની કોઇ એક મેચ હારી જાય.
દુનિયાની નંબર 1 વનડે ટીમ ઇંગ્લેન્ડને જીતની પ્રબળ દાવેદાર મનાય છે. પરંતુ પાકિસ્તાન અને શ્રીલંકા સામે તેને હાર મળી છે. હજુ તેને ભારત, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે મેચ રમવાની છે. ત્રણેય ટીમો શાનદાર પ્રદર્શન કરી રહી છે. જો ઇંગ્લેન્ડ તેમાંથી એક પણ મેચ નહીં જીતી શકે તો 8 પોઇન્ટ સાથે તેને બહાર થઇ જશે.
આટલું જ નહીં ઇંગ્લેન્ડ આ 3માંથી એકપણ મેચ જીતે છે તો પણ તેનું સેમિમાં પહોંચવું પાકું નથી. શ્રીલંકા 3 મેચો જીતી જશે તો 12 પોઇન્ટ સાથે તે કવોલિફાય કરીને ઇંગ્લેન્ડને પછાડી શકે છે. ઇંગ્લેન્ડ આ સ્થિતિમાં કવોલિફાય કરી શકે, જો શ્રીલંકા પોતાની બાકીની મેચો હારી જાય અથવા પાકિસ્તાન અને બાંગ્લાદેશે તેમની ઓછામાં ઓછી 2 મેચોમાં હાર અથવા પછી વેસ્ટ ઇન્ડિઝને પણ 1 મેચમાં હાર મળે. આમ વિશ્વ કપની સેમિ ફાઇનલની રેસ વધુ તીવ્ર બની છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer