ઇંગ્લેન્ડ સામે 27 વર્ષ જૂનો ઇતિહાસ બદલવાનો પડકાર

ઇંગ્લેન્ડ સામે 27 વર્ષ જૂનો ઇતિહાસ બદલવાનો પડકાર
આજે લોર્ડસના મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે હાઇ વોલ્ટેજ મુકાબલો
લંડન, તા.24: ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડસના મેદાન પર મંગળવારે આઇસીસી વર્લ્ડ કપ-2019નો બ્લોક બ્લસ્ટર મુકાબલો બે પરંપરાગત હરીફ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે. પાછલા મેચમાં શ્રીલંકા સામે આંચકારૂપ હાર સહન કરનાર યજમાન ઇંગ્લેન્ડ ટીમ મેદાનમાં ઉતરશે ત્યારે તેની સામે 27 વર્ષ જૂનો ઇતિહાસ બદલીને જીત મેળવવાનો પડકાર રહેશે. ઇંગ્લેન્ડની શ્રીલંકા સામેની 20 રનની હારથી સેમિ ફાઇનલનો રોમાંચ વધી ગયો છે. જો કે ઇંગ્લેન્ડની ટીમ હજુ ટોચની ચાર ટીમમાં સામેલ છે અને ખિતાબની પ્રબળ દાવેદાર ગણાય છે, પણ વધુ એક હારથી તેનું સેમિમાં પહોંચવાનું ગણિત બગડી શકે છે. ઇંગ્લેન્ડના હવે પછીના મેચ ઓસ્ટ્રેલિયા, ભારત અને ન્યુઝીલેન્ડ સામે રમવાને છે. જેને તે 1992થી વિશ્વ કપમાં હાર આપી શકયું નથી.
પહેલીવાર વિશ્વ કપ જીતવાના અભિયાનમાં ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમની આવતીકાલના મેચમાં ઓસ્ટ્રેલિયાની મજબૂત બોલિંગ-બેટિંગ સામે કસોટી થશે. ઓસિ. ટીમનો કેપ્ટન એરોન ફિંચ અને આક્રમક ઓપનર ડેવિડ વોર્નર શાનદાર ફોર્મમાં છે. મિશેલ સ્ટાર્ક વિશ્વ કપમાં 1પ વિકેટ લઇ ચૂકયો છે. તેના સાથમાં કમિન્સ પણ ફોર્મમાં છે. બીજી તરફ ઇંગ્લેન્ડને ઇન ફોર્મ ઓપનર જેસાન રોયની ઇજા નડી રહી છે. શ્રીલંકા સામે ઇંગ્લેન્ડની મીડલ ઓર્ડરની નબળાઇ પણ પહેલીવાર સામે આવી હતી. આ બધી ભુલો સુધારવી ઇંગ્લેન્ડ માટે આસાન નહીં રહે.
201પના વર્લ્ડ કપના પહેલા રાઉન્ડમાંથી બહાર થયા બાદ ઇંગ્લેન્ડની ટીમ આક્રમક બેટિંગના બળે નંબર વન પર પહોંચી છે. તેણે પાછલા ચાર વર્ષમાં વન ડેનો બે વખત સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે જ 6 વિકેટે 481 રન ખડકયાં હતા. જો કે બોલરોની મદદગાર પિચ પર પાછલા મેચમાં ઇંગ્લેન્ડની બેટિંગ ધરાશાયી થતી જોવા  મળી હતી.
ઓસ્ટ્રેલિયાના 6 મેચમાં પ જીતથી કુલ 10 પોઇન્ટ છે. તેને ફકત ભારત સામે જ હાર મળી હતી. જયારે ઇંગ્લેન્ડના 6 મેચના અંતે 4 જીત અને 2 હારથી 8 પોઇન્ટ છે અને ચોથા નંબર પર છે. તેને પાક. અને લંકા સામે હાર મળી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer