‘એઇમ્સ’નું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ થવાનાં એંધાણ

‘એઇમ્સ’નું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ થવાનાં એંધાણ
આગામી અઠવાડિયે કેન્દ્રની ટીમ આવતી હોવાથી 20 એકરમાં થયેલું દબાણ હટાવાયું
રાજકોટ, તા.19 : પડધરી તાલુકાનાં ખંઢેરી ગામે જ્યાં એઇમ્સ નિર્માણ પામવાની છે ત્યાં અમુક ઇસમો દ્વારા કરાયેલા દબાણની ફરિયાદના પગલે આજે વહીવટી તંત્રને ડિમોલીશન હાથ ધર્યુ હતું.  આગામી સપ્તાહે કેન્દ્રની ટીમ રાજકોટ આવશે અને જમીનનો કબજો સંભાળીને ટૂંક સમયમાં એઇમ્સનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે.
ખંઢેરીની સરકારી ખરાબાની આ જગ્યામાં સ્થાનિકો દ્વારા ગુલાબ, ગલગોટા સહિતનાં ફૂલોનો ઉછેર કરવામાં આવતો હતો. અગાઉ આ જગ્યા ખાલી કરી આપવા માટે દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસનો સમયગાળો પૂર્ણ થતાં પ્રાંત અધિકારી ડો. ઓમપ્રકાશનાં માર્ગદર્શન હેઠળ પડધરીના મામલતદાર પી.એલ. ગોઠી, આર.એન.બી. અને જેટકોની ટીમ દ્વારા જગ્યાનો કબજો મેળવવા બગીચાઓ પર બુલડોઝર ફેરવી દીધું હતું. આ સ્થળે ઉછેરવામાં આવેલાં નાનાં - મોટાં વૃક્ષો પણ બુલડોઝરની મદદથી ઉખેડી નાખવામાં આવ્યા હતા. એઇમ્સના સૂચિત સ્થળે આવવા-જવા માટેના રસ્તા અને ઇન્ટરનલ રોડ સહિતની ડિઝાઈન આર એન્ડ બી વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત એઇમ્સનાં સૂચિત સ્થળે વીજપોલ હટાવવાની કામગીરી માટેનો સર્વે પણ પીજીવીસીએલ અને જેટકોના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. આગામી સપ્તાહે દિલ્હીથી ખાસ ટીમ આવતી હોવાની ચર્ચા વચ્ચે પાંચ જેટલા બુલડોઝર અને જેસીબીની મદદથી આખો દિવસ ઓપરેશન ચાલુ રાખી 200 એકરમાંથી 20 એકર જગ્યામાં કાચાં-પાકાં મકાનો, ખેતરો, નર્સરીનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer