વનતંત્રની બેદરકારીથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત

વનતંત્રની બેદરકારીથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત
પોલીસની મધ્યસ્થી બાદ વનતંત્રનો સ્ટાફ મોડીરાત્રે મોરને લેવા આવ્યો!
રાજકોટ, તા.19: રાજકોટમાં વનવિભાગની બેદરકારી સામે આવી છે જેના કારણે સેડયુલ-1માં આવતા દેશના રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નિપજતાં ચકચાર જાગી છે. આ ઘટનાની જાણ કરતાં સ્થાનિક યુવાન સાથે ફોરેસ્ટર દ્વારા ફોન પર ગેરવર્તન કરતી ઓડિયો કલીપ પણ વાયરલ
થઇ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરનાં યુનિવર્સિટી રોડ નજીક વિષ્ણુ વિહાર સોસાયટીમાં પાછળના ભાગે પટ્ટમાં ઘણી વખત મોર આવે છે. દરમિયાન ગઇકાલે પણ મોર આવ્યો હતો. પરંતુ ગમે તે કારણોસર તે નજીકમાં રહેતા પ્રકાશભાઇના ઘર પાસે પડી ગયો હતો. રાત્રે મકાનના માલિક ઘરે આવતા તેને આ અંગે જાણ થતાં તરફડિયા મારતા મોર બાબતે અન્ય એક મિત્ર મારફતે વનવિભાગના ફોરેસ્ટરનો નંબર મેળવી ફોન કરતાં ફોરેસ્ટર પંડયાએ બેદરકારી દાખવી ત્યાં જવાના બદલે એનિમલ હેલ્પલાઇનનો નંબર આપી દીધો હતો. જેથી યુવાને તેને ફોન કરતાં સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. જોકે તે પહેલા મોરનું મોત નિપજ્યું હતું. આથી ફરી યુવાને ફોરેસ્ટર પંડયાને જાણ કરી વિગતો જણાવતા તેણે મોરને મુંજકા ખાતે તેની પાસે લઇ આવવા જણાવી દીધું હતું પરંતુ સેડયુલ-1માં આવતા રાષ્ટ્રીય પક્ષીને ત્યાં લઇ કેવી રીતે જવું અને ખુદ વનતંત્રનો સ્ટાફજ પકડે તો? આવા ડરથી તેમણે મોરને લઇ જવાનું માંડી વાળ્યું હતું. જેથી યુવાને ફરી તેના મિત્રને જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં કર્મચારી છે તે યશોધરને ફોન કરી સમગ્ર વિગત વર્ણવતા તેણે પણ ફોરેસ્ટર પંડયાને ફોન કરી મોર લઇ જવા માટે જણાવ્યું હતું.
પરંતુ ફોરેસ્ટરે તેની સાથે ગેરવર્તન કરી તેની પાસે ગાડી નહીં હોવાનું જણાવી મોરને એનિમલ હેલ્પલાઇનની ગાડીમાં તેની પાસે લઇ આવવા દબાણ કર્યું હતું. આથી લોકોએ અંતે પોલીસને જાણ કરતાં સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ વનતંત્ર સાથે વાતચીત કરતાં મોડી રાત્રે ફોરેસ્ટર પંડયા આવી મોરને લઇ ગયા હતાં. જોકે રાત્રે આઠેક વાગ્યે ધ્યાને આવેલી આ ઘટનામાં મોડી રાત્રે 3 વાગ્યે તંત્રએ કાર્યવાહી કરી બેદરકારી દાખવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. બીજી તરફ યુવાન સાથે ફોરેસ્ટર પંડયાએ કરેલા ગેરવર્તન અંગેની ઓડિયો કલીપ પણ વાયરલ થઇ છે.
આ અંગે ડી.સી.એફ. એમ.એમ.મુનીનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરતાં સંપર્ક થઈ શકયો ન હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer