ટૂંકા પાસવર્ડ સેકંડમાં હેક થઇ શકે છે: અનંત પ્રભુ

ટૂંકા પાસવર્ડ સેકંડમાં હેક થઇ શકે છે: અનંત પ્રભુ
સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા સીનિયર સીટીઝન, મહિલાઓ માટે સેમિનાર યોજાયો
રાજકોટ, તા. 19: ઓછા અક્ષરના પાસવર્ડ માત્ર સેકંડમાં હેક થઇ શકે છે તેથી દસ અક્ષરનો પાસવર્ડ રાખવો જોઇએ તેમ હેમુગઢવી હોલમાં સીનિયર સીટીઝન અને મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે યોજાયેલા સાયબર ક્રાઇમ અંગેના સેમિનારમાં મેંગલોરના તજજ્ઞ ડૉ. અનંત પ્રભુએ જણાવ્યું હતું.
શહેર પોલીસ અને જીટીયુના સંયુકત ઉપક્રમે બેટી બચાવો સાયબર ક્રાઇમ્સ જેવા શિર્ષક સાથે યોજાયેલા કાર્યક્રમમાં ડૉ. અનંત પ્રભુએ વધુમાં જણાવ્યું હતું કે, આજના જમાનામાં ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનું મહત્વ વધી જાય છે. તેના કારણે મહિલાઓને હેરાન કરવાના રસ્તા બદલાય છે. પણ જો થોડી સાવચેતી તથા સલામતિ રાખવામાં આવે તો ડિઝીટલ જમાનો સારો અને સવલતભર્યો છે. તેમણે સાયબર ક્રાઇમથી બચવા શું તકેદારી રાખવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે કહ્યંy કે, કોઇ મહિલા જયારે મોબાઇલ ફોનનું  રીચાર્જ કરાવવા માટે જાય ત્યારે રીચાર્જ કરાવવાવાળી વ્યકિત તેના મોબાઇલ ફોનનો નંબર લે છે  બાદમાં મહિલાને પરેશાન કરે છે. એ જ રીતે ફોન રીપેર કરનાર પણ ડેટા ચોરીને  તેનો વિકૃત ઉપયોગ કરે છે. આથી રીચાર્જ  કે રીપેર કરાવતી વખતે ધ્યાન રાખવું જોઇએ.
ગાંધીનગરના ફોરેન્સીક  સાયન્સ લેબોરેટરીના એડીશ્નલ ડાયરેકટર હિતેષ સંઘવીએ ડિઝીટલ ફોરેન્સીક, સ્પીકર  આઇડેન્ટીફીકેશન એન્ડ ક્રાઇમ સીન મેનેજમેન્ટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. એથીકલ હેકર અને સાયબર સીકયુરીટીમાં માસ્ટર ડિગ્રી ધરાવતી કૃપાલી જોશીએ વિવિધ ઇલેકટ્રોનીકસ ડિવાઇસ તથા સોશ્યલ મીડિયા એપ્લીકેશન દ્વારા મહિલાઓને અસામાજીક તત્વો દ્વારા થતી હેરાનગતિ કઇ રીતે નિવારી શકાય તેનું માર્ગદર્શન આપ્યું હતું. રાજસ્થાનના  મુકેશ ચૌધરીએ સાયબર ફ્રોડ જેવા કે, નાણાકીય ફ્રોડ, મેટ્રીમોનિયલ ફ્રોડ, શોપીંગ, ટ્રાવેલીંગ અને જોબ પ્લેસમેન્ટ વેબસાઇટ ફ્રોડ, અંગે વિગતો આપી હતી. સાયબર લોના એડવોકેટ મનન ઠક્કરે સાયબર ક્રાઇમ બન્યા પછી તેની ફરિયાદ કયાં અને કેવી રીતે કરવી તેની જાણકારી આપી હતી. જીટીયુના પ્રોફેસર દીપક ઉપાધ્યાયે સોશ્યલ મીડિયા અવેરનેસ અંગે વાત કરી હતી.
આ કાયક્રમમાં સાયબર પોલીસ સ્ટેશનમાં ઉપયોગમાં લેવાતા જુદા જુદા  આધુનિક ઉપકરણોનું નિર્દેશન કરાવાયું હતું. હેલ્પ  ડેસ્ક પર નાગરિકોને સોશ્યલ મીડિયાના મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ  કરવામાં આવ્યું હતું. ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઇલ ફોન શોધી કાઢીને તેના માલિકને પરત કરાયા હતાં. સાયબર ક્રાઇમનો ભોગ બનનાર અને ફરિયાદ કરનાર વ્યકિતઓને પ્રશંસાપત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતાં. આ સેમીનારમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, અધિક કમિશનર અજય ચૌધરી, નાયબ કમિશનર રવિમોહન સૈની, મનોહરસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં અને સેલ્ફી વીથ સાયબર પોઇન્ટ પાસે ઉત્સાહપૂર્વક સેલ્ફી લીધી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer