મનપાના બોર્ડમાં રાજકીય ‘વાયુ’ ફૂંકાયો : પ્રજાકીય પ્રશ્નોનું ધોવાણ!

મનપાના બોર્ડમાં રાજકીય ‘વાયુ’ ફૂંકાયો : પ્રજાકીય પ્રશ્નોનું ધોવાણ!
59 પૈકી 58 પ્રશ્નો કાગળો પર રહેતા વિપક્ષી નગરસેવકોએ મચાવ્યો હોબાળો : દબાણ હટાવ શાખાની કામગીરીનું ખુદ ભાજપે નાક દબાવતા તંત્ર દોડયું
યાજ્ઞિક રોડ પરના રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી
રાજકોટ તા.19 : કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીના સભાગૃહમાં મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને આજે મળેલી બોર્ડ બેઠકમાં પ્રજાકિય પ્રશ્નોની ચર્ચા કરતા ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે સામેસામી આક્ષેપબાજી, દલીલો અને રમુજી વ્યંગ વચ્ચે પૂર્ણ થઈ હતી.આજની બેઠકમાં છેક છ મહિના બાદ પ્રજાના 59 પ્રશ્નો અંગે તંદુરસ્ત ચર્ચા થઈ શકે તેવી લોકોને આશા હતી પરંતુ ચૂંટાયેલા બન્ને પક્ષના પ્રતિનિધિઓએ એ આશાઓ પર પાણી ફેરવી નાખ્યું હતું અને માત્ર ભાજપના વોર્ડ નં.9ના મહિલા કોર્પોરેટર રૂપાબેન શીલુના એક જ પ્રશ્નમાં બોર્ડનો સમય પૂર્ણ થઈ ગયો હતો.
રૂપાબેન શીલુએ એપ્રિલ-2019થી જગ્યા રોકાણ શાખા દ્વારા મંડપ, કમાન અને છાજલીની વસૂલાત કેટલી થઈ ? અને વસૂલાતના દર શું ? તેને લગતી વિગતો માંગી છે.કમિશનર પાનીએ જણાવ્યું હતું કે,તા.1 એપ્રિલ-2019થી તા.12 જૂન 2019 સુધીમાં મંડપ, કમાન અને છાજલી પેટે તંત્રને રૂ.11,49,000 ઉપજ્યાં છે. કમિશનરે વસૂલાતના દર પણ જણાવ્યાં હતાં. દરમિયાન એ જ વખતે ભાજપના સિનીયર કોર્પોરેટર કશ્યપ શુક્લએ હોકર્સ ઝોનનો ઉદ્દેશ શું ? હોકર્સ ઝોનમાં પંચરની દૂકાન વ્યાજબી કહેવાય ? ફૂટપાથ ખરેખર કોના માટે છે ? તેમજ યાજ્ઞિક રોડ પર રવિવારે કપડા વેચનારા લોકોને બેસવા દેવાતા નથી પરંતુ રેસ્ટોરન્ટની છૂટ શા માટે આપે છે ? તેવા દબાણ હટાવ શાખાની કામગીરીનું નાક દબાવતા પ્રશ્નોનો મારો વરસાવાનું શરૂ કરી દીધુ હતું જેમાં વિપક્ષે પણ સમર્થન આપ્યું હતું.
શુક્લએ યાજ્ઞિક રોડ વિવેકાનંદના સ્ટેચ્યુ પાસે સેલરમાં ધમધમતા રેસ્ટોરન્ટ અંગે ફરિયાદ કરી હતી. આ સેલરમાં 35-40 ગેસના બાટલા હોવાનું પણ જણાવતા અને ભવિષ્યમાં સૂરત જેવી અગ્નિકાંડની ઘટનાની સંભાવના હોવાનું જણાવતા કમિશનરે ચાલુ બોર્ડ બેઠકે જ આ રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. શુક્લ બાદ ફરી રૂપાબેન શીલુએ પોતાનો પ્રશ્ન લંબાવ્યો હતો અને બીજી તરફ બોર્ડ બેઠકનો સમય પૂર્ણ થવા જઈ રહ્યો હતો જેથી વિપક્ષી નેતા વશરામ સાગઠિયા, ગાયત્રીબા વાઘેલા, ઘનશ્યામસિંહ જાડેજા, વિજય વાંક, મનસુખભાઈ કાલરિયાએ વગેરેની ધીરજ ખૂટતાં અને બોર્ડ બેઠકનો સમય વધારવા માટે મેયરે સ્વીકૃતિ ન આપતાં મામલો બિચક્યો હતો.
કોંગી નગરસેવકોએ એક જ પ્રશ્નને ચર્ચામાં લઈને બોર્ડનો સમય બગાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના જ નગરસેવક ઘનુભા જાડેજા મેયરના ડાયસ સુધી ધસી આવ્યાં હતાં અને એજન્ડાનું વાચન કરી રહેલા સેક્રેટરી રૂપારેલિયાનું માઈક ઝુંટી લેવાનો પ્રયાસ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આજની બોર્ડ બેઠકમાં બીજો પ્રશ્ન કોંગી કોર્પોરેટર અને વિપક્ષના સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાનો અને ત્રીજો પ્રશ્ન વોર્ડ નં.12ના કોંગી કોર્પોરેટર સંજયભાઈ અજુડિયાનો હતો જેમાં દેકારો થવાની પૂરી શક્યતાં હોય, શાસકો એક પ્રશ્નની ચર્ચામાં જ બોર્ડનો સમય પસાર કરવામાં સફળ રહ્યાં હતાં.
બોર્ડની મંજૂર 9 દરખાસ્તો
બોર્ડ બેઠકના એજન્ડામાં 9 દરખાસ્તોને સમાવિષ્ટ કરવામાં આવી હતી જેમાં પોપટપરા વિસ્તારમાં નિર્માણ પામેલી યોજનાનું ભગિની નવોદિતા ટાઉનશીપ નામકરણ કરવા, કૂવાડવા રોડ પર ડી-માર્ટ પાછળની આવાસ યોજનાનું લોકમાન્ય ટિળક ટાઉનશીપ નામકરણ કરવા, રૈયાચોકડી પર નિર્મિત ઓવરબ્રિજનું શહિદ બ્રિજ નામકરણ કરવા, મહાત્મા ગાંધી મ્યુઝિયમ માટે સ્પેશ્યલ પર્પઝ વ્હીકલની રચના કરવા અને તેના માટે ડાયરેક્ટર નિમણૂક કરવા, મ્યુનિ. બોર્ડ ઈસ્યુ તેમજ સફાઈ કામદારોની ભરતીને લગતી મુખ્ય દરખાસ્તોને લીલીઝંડી આપવામાં આવી હતી
વિપક્ષી નેતાને સ્વાસ્થ્ય સાચવવા કાનગડની સલાહ : ડોક્ટરે કહ્યું કોંગ્રેસ સાફ થઈ જશે!
આજની બોર્ડ બેઠકમાં શાસક અને વિપક્ષ વચ્ચે રાજકીય દલીલો અને પરસ્પર આક્ષેપબાજી થઈ રહી હતી ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે વિપક્ષી નેતા વશરામ સાગઠિયાને વિરોધ કરતાં રોકતા જણાવ્યું હતું કે, આપે એન્જિયોગ્રાફી કરાવી છે.સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કાનગડની આ ટિપ્પણીથી રમૂજ ફેલાઈ હતી. બેઠકમાં પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર, ગુજરાત રાજ્ય અને સમગ્ર ભારત દેશ 2021ના પ્રારંભે કોંગ્રેસમુક્ત થઈ જશે
. રાજકોટ મતદાર એકતા મંચનો વિરોધ
કોર્પોરેશનના મુખ્ય પ્રવેશદ્વાર પાસે છેલ્લા બે દિવસથી રાજકોટ મતદાર એકતા મંચના મુખ્ય સંયોજક અશોક પટેલના નેતૃત્વમાં પ્રવીણભાઈ લાખાણી, મહેશભાઈ મહિપાલ, આસીફભાઈ શેખ વગેરેએ પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશ માટે કોર્પોરેટરોની ભલામણના વિરુદ્ધમાં ધરણા કાર્યક્રમ શરૂ કર્યા છે દરમિયાન આજની બોર્ડ બેઠકના પ્રારંભે મતદાર એકતા મંચે ફરી એક વખત સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો બાદમાં ગાંધીગીરી કરીને નગરસેવકોની ભલામણ લેવાના નિયમ સામે પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. હવે કોર્પોરેશન વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કેસ દાખલ કરવા તૈયારી દર્શાવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer