તળાજાના મણર ગામે ત્રણ વિદ્યાર્થિનીને વીજઆંચકો લાગ્યો: એકનું મૃત્યુ

વીજપોલ પરથી પટકાતા લાઇનમેનનું મૃત્યુ: મહુવામાં લોખંડનો બાંકડો વીજથાંભલાને અડી જતાં પાંચ મહિલાને શોક લાગ્યો
ભાવનગર/તળાજા, તા. 19: તળાજાના મણાર ગામે ત્રણ માસુમ વિદ્યાર્થિનીને વીજઆંચકો લાગ્યો હતો. તે પૈકી આઠ વર્ષની સચી દલાભાઇ પરમાર નામની વિદ્યાર્થિનીનું મૃત્યુ નિપજ્યું હતું. જયારે આ ગામમાં વીજપોલ પરથી પડી જવાથી લાઇનમેનનું મૃત્યુ થયું હતું. મહુવામાં પાંચ મહિલાને વીજશોક લાગ્યો હતો. મણાર ગામે રહેતી આઠ વર્ષની સચી દલાભાઇ પરમાર નામની માસુમ વિદ્યાર્થિની સ્કૂલેથી છૂટીને તેની બહેનપણી દેવલ રાજુભાઇ પરમાર અને ખુશાલી રાજુભાઇ પરમાર સાથે ઘેર જતી હતી.  રસ્તામાં ત્રણેય વીજ  પોલની નજીકથી પસાર થઇ રહી હતી. ત્યારે ત્રણેયને વીજઆંચકો લાગ્યો હતો. જેમાં સચી પરમારનું મૃત્યુ નિપજ્યું હતું. જયારે દેવલ અને ખુશાલીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
લાઇનમેનનું મૃત્યુ: તળાજા પીજીવીસીએલમાં લાઇનમેન તરીકે નોકરી કરતાં અને ભાવનગરમાં પંચવટી ચોક પાસે રહેતા હેરશભાઇ દેશળભાઇ સોલંકી મણર ગામે વીજથાંભલા પર ચડીને રીપેરીંગ કામ કરતાં હતાં. ત્યારે અકસ્માતે નીચે પટકાતા તેનું મૃત્યુ નિપજ્યું હતું.
પાંચ મહિલાને શોક લાગ્યો: મહુવાના સાવરકુંડલા રોડ પર આવેલ ફેકટરીમાં લોખંડનો બાંકડો એક સ્થળેથી બીજા સ્થળે લઇ જતી વખતે વીજપોલને અડી જતાં પાંચ મહિલા શોભનાબહેન ધનજીભાઇ શિયાળ, યસ્માબહેન રહેમતભાઇ, શારદાબહેન  સાર્દુલભાઇ, મુકતાબહેન ખારાભાઇ, ગૌરીબહેન મંગાભાઇ અને કલ્પેશભાઇ ભુપતભાઇ શિયાળને વીજઆંચકો લાગ્યો હતો. આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer