સાંઈરામનાં નામે બે વર્ષથી નકલી ઇન્સ્ટાગ્રામ ચલાવતો શખસ ઝડપાયો

સાંઈરામનાં નામે બે વર્ષથી નકલી ઇન્સ્ટાગ્રામ ચલાવતો શખસ ઝડપાયો
બોટાદ પંથકના કોલેજીયનની ધરપકડ
અમદાવાદના યુવાનને મેસેજ મળતા ભાંડાફોડ
રાજકોટ, તા.19: રાજકોટમાં રહેતા જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવેને બે માસ પહેલાં તેનાં નામે કોઇએ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યાની માહિતી મળતા પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી અને સાયબર ક્રાઇમ પોલીસ મથક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલે સાઇબર ક્રાઇમ પોલીસે હાસ્ય કલાકારનું બોગસ એકાઉન્ટ બનાવનાર બોટાદના નાગલપરના વતની આશિષ પંકજ જાની નામનો વિપ્ર શખસ હોવાનું ખૂલતા ગુનો નોંધી
ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આશિષ જાની કર્મકાંડ કામ કરવાની સાથે હાલમાં ભાવનગરની કોલેજમાં સંસ્કૃત વિષય સાથે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
પોલીસે હાથ ધરેલી તપાસમાં કોલેજિયન આશિષ જાનીએ બે વર્ષથી હાસ્ય કલાકાર સાંઈરામ દવેની બોગસ આઇડી બનાવી હતી અને તેનો ઉપયોગ કરતો હતો અને અલગ-અલગ સેલિબ્રિટીઓને સાંઈરામ દવેનાં નામે મેસેજ કરતો હતો અને પોસ્ટ લાઇક કરવા કહેતો હતો તેમજ સાંઇરામ દવેના લાઇવ સ્ટેજ શોના વીડિયો તથા ડિજિટલ પ્લેટફોર્મ મારફત યુ ટયુબ, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ વે પેજ પર જે કૃતિઓ રજૂ થતી તે કૃતિનો છેતરપિંડીથી ઉપયોગ કરતો હતો. કોલેજિયન આશિષ જાનીએ અમદાવાદના આરજે ધ્વનિતને સાંઈરામનાં નામે ફોલો કરવાનો મેસેજ મોકલ્યો હતો અને ત્યારે ધ્વનિતે સાંઈરામને ફોન કરી આઇડી સંદર્ભે વાત કરતા સાંઈરામ દવેને તેનું બોગસ આઇડી બનાવીને ઉપયોગ કરવામાં આવતો હોવાની જાણ થતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer