જૂનાગઢ મનપા દ્વારા નાણાનો વ્યય

જૂનાગઢ મનપા દ્વારા નાણાનો વ્યય
અગાઉ લાખો રૂ.નું આંધણ કર્યા છતાં
ફરી ક્રિકેટ ગ્રાઉન્ડ માટે 1 કરોડ મંજૂર
 
જૂનાગઢ, તા.19: જૂનાગઢ મહાપાલિકાની આજે ટર્મની અંતિમ સ્થાયી સમિતિની છેલ્લી બેઠક મળી હતી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્ડને અદ્યતન બનાવવા તથા સ્ટેડિયમ બનાવવા માટે એક કરોડ મંજૂર કરાયા હતા. અગાઉ આ મેદાન પર ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે લાખો રૂપિયાનું આંધણ કરાયું હતું. ત્યાં ફરી એક કરોડની રકમ મંજૂર કરાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે.
જૂનાગઢ મહાનગર પાલિકા ખાતે આજે સ્થાયી સમિતિની અંતિમ બેઠક મળી હતી. આ ટર્મની આ અંતિમ બેઠકમાં વોર્ડ નં.1 થી 20માં નગર સેવકોએ સૂચવેલા રોડ, ગટર, પાણી, સહિતના કામ માટે 6.89 કરોડની રકમને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત અમૃત યોજના હેઠળના વિકાસ કાર્યો માટેના નિયમોને મજૂરી આપવામાં આવી હતી.
સ્વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્ટેડિયમ બનાવવા તથા ગ્રાઉન્ડને અત્યાધુનિક તૈયાર કરવા માટે એક કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતાં. અત્રે નોંધનીય છે કે છ એક વર્ષ પહેલા મનપા દ્વારા સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેદાન બનાવવા  લાખો રૂપિયાનો ખર્ચ કરાયો હતાં.  અગાઉ ક્રિકેટ મેદાન પાછળ લાખો રૂપિયાનું આંધણ કરાયા બાદ ફરી સ્ટેડિયમ તથા ગ્રાઉન્ડને આધુનિક બનાવવા માટે એક કરોડની રકમ મંજૂર કરાતા અનેક સવાલો ઉઠી  રહ્યા છે અને પ્રજાના નાણાનો પાણીની જેમ વ્યય થતો હોવાની ચર્ચા થઇ રહી છે.
ચોમાસાના કારણે તમામ વોર્ડમાં કાંકરી, કપચી નાંખવાના કામને મંજૂરી અપાઇ હતી. પરંતુ મુખ્ય રોડની બાજુમાં કરાયેલા ખાડાઓ વ્યવસ્થિત પુરવા અંગે કાર્યવાહી ન થતા રોષ ફેલાયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer