જ્યારે નમ્રમુનિ મહારાજે નિભાવ્યો સમાજધર્મ !

જ્યારે નમ્રમુનિ મહારાજે નિભાવ્યો સમાજધર્મ !
સાયલામાં શાળાની મરામત માટે સરકારે પાંચ લાખની ગ્રાન્ટ આપી પણ...
જર્જરિત શાળાનું નવિનીકરણ કરવા જૈનમુનિએ આપ્યું 30 લાખનું અનુદાન
રાજકોટ, તા. 19 : સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં આવેલી ચાર દાયકા જૂની નાનચંદ્રજી મહારાજ સરકારી પ્રાથમિક શાળા અત્યંત જર્જરિત હાલતમાં છે. બે માળના 24 રૂમના નવિનીકરણ માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય પણ રાજ્ય સરકારની શાળા સંચાલન સમિતિએ આ સ્કૂલ માટે ગ્રાન્ટ મંજૂર કરી અને પાંચ લાખ રૂપિયાની રકમ આવી ! એમાં અમુક કામ માંડ થઈ શકે. હવે દાતાઓ ઉપર આધાર હતો. આ શાળાની મુલાકાતે રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ અને ચેતનમુનિ મહારાજ ગયા હતા અને તેમણે શાળાના નવિનીકરણ માટે 30 લાખનું અનુદાન આપ્યું હતું. બંધારણની જોગવાઈ મુજબ સરકાર ગ્રાન્ટ આપીને અટકી ગઈ પણ જૈન મુનિએ સમાજ ધર્મ નિભાવ્યો છે.
સુરેન્દ્રનગરના સાયલા ખાતે 1972માં નાનચંદ્રજી મહારાજ સરકારી પ્રાથમિક શાળાનું નિર્માણ થયું હતું. અહીં શાળા નંબર 1 અને શાળા નંબર 3 શરૂ કરવામાં આવી હતી. 47 વર્ષ પહેલાં બનેલી આ શાળાના બે માળમાં 24 રૂમ આવેલા છે. સમય જતાં આ ઈમારત જર્જરિત થવા લાગી. ભૂકંપ, વરસાદની ઝીંક ઝીલીને આ શાળાની ઈમારત બાળકો માટે જોખમરૂપ બની ગઈ હતી. શાળાની મરામતનો સમય આવી ગયો હતો અને શાળાના સંચાલકોએ સર્વશિક્ષા અભિયાન હેઠળની શાળા સંચાલન સમિતિને લેખિતમાં જાણ કરી. સરકારે નિયમ મુજબ બે માળના બિલ્ડીંગની મરામત, ઈલેક્ટ્રીક કામ, કલર કામ વગેરે માટે માત્ર પાંચ લાખની ગ્રાન્ટ મોકલી. શાળાના સંચાલકોને વધારે  રકમની જરૂરિયાત હતી એટલે દાતાઓ શોધવાનું શરૂ થયું.
દરમિયાન સાયલા પહેંચેલા રાષ્ટ્રીય સંત જૈનમુનિ નમ્રમુનિ મહારાજ અને ચેતનમુનિ મહારાજે આ શાળાની ઈમારતની મુલાકાત લીધી હતી અને સ્થિતિનો ચિતાર જાણ્યો હતો. નમ્રમુનિ મહારાજે આ શાળના નવિનીકરણ માટે અજરામર એક્ટિવ ટ્રસ્ટ દ્વારા 30 લાખ જેટલી માતબર રકમના અનુદાનની જાહેરાત કરી હતી અને શાળાના નવિનીકરણની તમામ જવાબદારી આ સંસ્થાએ ઉપાડી લીધી હતી. સરકારની ગ્રાન્ટના પાંચ લાખ અને અનુદાન રકમના 30 લાખ મળીને હવે બે માળના બિલ્ડીંગ અને 24 રૂમની મરામત 3પ લાખના ખર્ચે થશે. બંધારણની જોગવાઈ અને રકમની મર્યાદામાં જ્યાં સરકાર અટવાઈ પડી ત્યાં નમ્રમુનિ મહારાજે સંતધર્મની સાથે સમાજધર્મ પણ નિભાવી જાણ્યો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer