રાણાવાવ પંથકના રબારી સમાજના ભગતની હત્યા કરી દાગીનાની લૂંટ

રાણાવાવ પંથકના રબારી સમાજના  ભગતની હત્યા કરી દાગીનાની લૂંટ
ભગતની કોહવાયેલી લાશ મળી: બોથડ પદાર્થના ઘા મારી ખૂન કરાયાની શકયતા
પોરબંદર, તા. 19:  રાણાવાવ ગામે રેલવે સ્ટેશન પાસેના ધોરિયાનેસ તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં એકલવાયા રહેતા રબારી સમાજના ભગત તરીકે ઓળખાતા વૃધ્ધ મેરામણભાઇ ધેલિયા (કોડિયાતર)ની હત્યા કરીને દાગીનાની લૂંટ કરવામાં આવી હતી.
રાણાવાવના ધોરિયાનેસ વિસ્તારના વાડી વિસ્તારમાં વિચીત્ર દુર્ગંઘ આવતી હતી. આ વાસના કારણે લોકો એકત્ર થયા હતા અને  તપાસ કરતાં એ વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા અને રબારી સમાજના  ભગત મેરામણભાઇ ધેલિયાની કોહવાયેલી લાશ મળી આવી હતી. આ અંગે જાણ કરતાં પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બોથડ પદાર્થ વડે મેરામણ ભગતની હત્યા કરી નાખવામાં આવ્યાનું અને રબારી સમાજના કાનમાં પહેરવામાં આવતા પરંપરાગત દાગીના ભુંગરી, સીસોરિયા અને ગળાની માળ ગુમ થયાનું જાણવા મળ્યું હતું. આ હકિકતના આધારે એકલવાયુ જીવન જીવતા મેરામણભાઇ ભગતની લૂંટના ઇરાદે હત્યા કરાયાનું અનુમાન કરવામાં આવ્યું હતું. ભગતની લાશ કોહવાયેલી હોવાથી પેનલ તબીબ પાસે પોસ્ટમોર્ટમ કરવા જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બીજી તરફ રબારી સમાજના આગેવાનોએ એવી માગણી કરી હતી કે, હત્યારાઓને પોલીસ તાકીદે ઝડપી લઇને કડક કાર્યવાહી કરે અને ભવિષ્યમાં આવા બનાવ ન બને તેવા પગલા લો. ભગતની હત્યા થતા રબારી સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer