સેના પર હુમલાની તૈયબાની તૈયારી

સેના પર હુમલાની તૈયબાની તૈયારી
પાક. સ્થિત જૈશ જેવા આતંકી જૂથોનો કાશ્મીરમાંયે હિંસાનો કારસો : ગુપ્તચર તંત્રોની બાતમી
જમ્મુ તા. 19: દ.કાશ્મીરમાં ભારતીય સલામતી દળો પર સંભવિત આતંકી હુમલાઓ અંગે પાકિસ્તાને ચેતવણી આપ્યાના થોડા દિવસ બાદ ગુપ્તચર એજન્સીઓએ એકઠી કરેલી નવી બાતમીઓ સૂચવે છે કે લશ્કરે તૈયબા અને જૈશ એ મોહમ્મદ જેવાં આતંકી સંગઠનો મહત્વના લશ્કરી મથકો અને તેની ટુકડીઓને નિશાન બનાવી મોટા હુમલા કરવાની ફિરાકમાં છે.
એક ખાનગી ચેનલને મળેલી માહિતી મુજબ તૈયબા અને જૈશ, આગામી દિવસોમાં સલામતી દળો અને  દક્ષિણ તથા ઉત્તર કાશ્મીરમાંના તેના કેમ્પ્સને નિશાન બનાવતા આત્મઘાતી હુમલા કરશે. આ સંગઠનો ઉ. કાશ્મીરના બારામુલ્લા અને શ્રીનગર-કુપવાડા હાઈવે પર દળોની ટુકડીઓને નિશાન બનાવવા પ્રયાસ કરશે એવી ચેતવણી એજન્સીઓએ આપી છે. અંકુશરેખાએ તૈનાત દળોને નિશાન બનાવાય તેવી વકી વધુ છે. આ જૂથો તેમના એ હિચકારા કૃત્યમાં સહાયરૂપ થવા પાક આર્મી તરફથી રાબેતાનું શેલિગ પણ થવા શકયતા છે.
પાકે પુલવામા પ્રકારના આતંકી હુમલા વિશે ચેતવણી આપવા સાથે વિશ્વસનીય બાતમીઓ દેશના એનએસએ (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર)ના કાર્યાલયને સહભાગી કરી હતી. ચેતવણીઓ ધ્યાને લઈ એજન્સીઓએ, પગલાં લઈ શકાય તેવી બાતમીઓ એકઠી કરી.
તૈયબાએ ઉ.કાશ્મીરમાંના સલામતી દળોને નિશાન બનાવવા સાગરીતોને ભળાવ્યુ છે અને જૈશે મળતિયાઓને શ્રીનગર-કુપવાડા હાઈવે  પર આત્મઘાતી હુમલાની દોરવણી આપી છે.
કાશ્મીરમાં અને પાક સરહદે સલામતી દળોએ હાથ ધરેલી કાઉન્ટર ઈન્સરજન્સી કારવાઈથી પાકમાંથી સક્રિય આ જૂથો રઘવાયા થયા છે. દળોએ વધારી દીધેલી સલામતી જોતાં આતંકીઓ માટે ભારતીય ભૂમિમાં ઘૂસણખોરી કરવાનું અને જમ્મુ કાશ્મીરમાં આવીને ભારતવિરોધી પ્રવૃત્તિઓ આચરવાનું અતિ દુષ્કર બનાવ્યું છે. પાકની કુખ્યાત જાસૂસી એજન્સી આઈએસઆઈ નેપાળ મારફત આતંકી પ્રવૃત્તિઓનું આયોજન કરવા પ્રયાસ કરી રહ્યાનું કહેવાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer