...તો ટ્રેનનું ‘ડ્રાઈવિંગ’ ખાનગી હાથોમાં જશે !

...તો ટ્રેનનું ‘ડ્રાઈવિંગ’ ખાનગી હાથોમાં જશે !
ઉતારુઓને બહેતર સવલતો - સુવિધાઓ આપવાની નેમ: રેલવે ફાઈનલ પ્લાન 100 દિવસમાં લાવશે
નવી દિલ્હી, તા.19: ઉતારુઓને બહેતર સવલતો અને સુવિધાઓ પૂરી પાડી શકવાના પ્રયાસરૂપે સરકાર ટ્રેનો દોડાવવાની કામગીરી સંભાળી લેવા ખાનગી પક્ષકારોને ઈજન આપવા આયોજન કરી રહી હોવાનું સૂત્રોએ એક ખાનગી ચેનલને જણાવ્યુ હતુ. આઈઆરસીટીસી મારફત ખાનગી ખેલાડીઓને આમંત્રિત કરવાનું રેલવે મંત્રાલયનું આયોજન છે. પ્લાન એવો છે કે રેલવે તંત્ર કેટલીક ટ્રેનો દોડાવવાનું આઈઆરસીટીસીને સોંપશે, બદલામાં આવકનો કેટલોક ભાગ તે રેલવેને આપશે એમ સૂત્રો જણાવે છે. આઈઆરસીટીસી બિડિંગ પ્રક્રિયા મારફત ખાનગી પક્ષકારોને આમંત્રિત કરશે - મોટા ભાગે પ્રવાસન સ્થળોને જોડતા લાઈન કે રુટ્સ સંબંધે તેવું થશે.
આવી ખાનગી હિસ્સેદારી ઉતારુ ટ્રેનો ઉપરાંત માલવાહક ગાડીઓ માટે ય હશે એમ સૂત્રો જણાવે છે. ખાનગી ખેલાડીઓને ઈજન આપવા પાછળની નેમ ઉતારુઓને વિશ્વસ્તરની સુવિધાઓ મળે તે અંકે કરવાનો અને કમર્સીઅલ ટ્રેનોની એકંદર ગુણવત્તા સુધારવાનો છે.
 એવી ધારણા છે કે પ્રીમિયમ ટ્રેનો દોડાવવા સરકાર કદાચ તબકકાવાર ઢબે ખાનગી ખેલાડીઓને ઈજન આપશે અને તેની શરૂઆત રાજધાની અને શતાબ્દિ ટ્રેનો માટેના ટેન્ડર બહાર પાડીને કરાશે. આ માટેનું ચોકકસ માળખું તૈયાર કરાયું નથી. સરકારે જો કે આ માટેનો ફાઈનલ પ્લાન એકસો દિવસમાં લાવવા લક્ષ્ય રાખ્યું છે વર્ષાન્ત સુધી તમામ સ્ટેશનો પૂર્ણપણે વાઈ-ફાઈ કરવાનું ય રેલવેનું લક્ષ્ય છે.
રેલવેના સૂત્રો જણાવે છે કે રાજધાની અને શતાબ્દિ જેવી ટ્રેનો નફો રળી રહી હોઈ ખાનગી ખેલાડીઓ તેનું સંચાલન હાથ ધરવા આતુર થશે.
’14માં એનડીએ સરકાર સત્તામાં આવી ત્યારથી રેલવેના ખાનગી રોકાણની ખૂબ વાતો થતી આવી છે. આવી હિલચાલ સામે રેલવે કામદાર સંઘો તરફથી તીવ્ર વિરોધ થયો છે. (રેલતંત્રમાં વીસ લાખ કર્મચારીઓ છે) પરંતુ રેલવે ખાનગીકરણ સંબંધેની ભીતિ શમાવવા મોદી સરકાર કેટલીક વાર જણાવી ચૂકી છે કે સરકાર ખાનગી સામેલગીરી ઈચ્છે છે તેનો મતલબ એ નથી કે તે રેલવેની કામગીરીનું ખાનગીકરણ કરવા માગે છે.            

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer