‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ માટે બનશે સમિતિ

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ માટે બનશે સમિતિ
વડાપ્રધાન મોદીએ બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં નિર્ણય, 40 નિમંત્રિત પક્ષોમાંથી 21 હાજર રહ્યા
કોંગ્રેસ, સપા, બસપા, તૃણમૂલ  અને શિવસેના બેઠકમાં ગેરહાજર
આનંદ કે. વ્યાસ
નવીદિલ્હી, તા.19: દેશમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજીને સમય અને નાણાનો વ્યય ઘટાડવાની ચર્ચાઓ લાંબા વખતથી ચાલે છે. જેમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક મોટી પહેલ કરવામાં આવી હતી અને સંસદમાં પ્રતિનિધિત્વ ધરાવતા સર્વ પક્ષોની એક મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણી બારામાં પરામર્શ કરવામાં આવ્યો હતો. આખરે એકસાથે ચૂંટણીની વ્યવહારક્ષમતા ચકાસવા માટે એક સમિતિની રચના કરવાનો નિર્ણય લેવાયો હતો. જો કે આજની બેઠકમાં કોંગ્રેસ સહિતનાં અનેક મુખ્ય વિપક્ષી દળો સામેલ થયા ન હતાં અને સરકારનાં આ વિચાર સાથે બહારથી જ અસહમતી દેખાડી દીધી હતી. આજની બેઠકમાં આઝાદીની 7પમી અને ગાંધીજીની 1પ0 જયંતિનાં મહાન અવસરોની ઉજવણી માટેનાં આયોજનોની પણ વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી.
આજે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બેઠક બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અધિકૃત નિવેદન આપતાં જણાવ્યું હતું કે, મોટાભાગનાં રાજકીય દળોએ એક રાષ્ટ્ર, એક ચૂંટણીનાં વિચારને સમર્થન આપ્યું છે અને પોતપોતાના વિચારો રજૂ કર્યા હતાં. સાથોસાથ તેમણે એવું પણ કબૂલ્યું હતું કે, ડાબેરી પક્ષો સહિતનાં કેટલાંક દળોએ ચિંતાઓ વ્યક્ત કરી હતી પણ એ ફક્ત એકસાથે ચૂંટણીની અમલવારી અંગે હતી. એકસાથે ચૂંટણીની વિરુદ્ધ તેઓ નથી.
રાજનાથ સિંહનાં કહેવા અનુસાર બેઠકમાં વડાપ્રધાને કહ્યું હતું કે, બેઠકમાં પેશ કરવામાં આવેલા મુદ્દા સરકારનો નહીં પણ દેશનો એજન્ડા છે. તમામ દળોને વિશ્વાસમાં લઈને જ આગળ વધવામાં આવશે. જો કોઈ મતભેદ હોય તો તેનું પણ સન્માન થશે.
આજની આ બેઠકમાં કુલ મળીને 40 પક્ષોને નિમંત્રણ આપવામાં આવ્યા હતાં. જેમાંથી 21 પક્ષનાં પ્રતિનિધિઓ બેઠકમાં સામેલ થયા હતાં. ત્રણ પક્ષનાં અધ્યક્ષોએ વિભિન્ન કારણોસર બેઠકમાં હાજરી આપવા અસમર્થતા વ્યક્ત કરી હતી. જે પક્ષોએ પોતાનાં કોઈ જ પ્રતિનિધિને મોકલ્યા ન હતાં તેમાં એનડીએનો ઘટક પક્ષ શિવસેના પણ સામેલ હતો. આ સીવાય કોંગ્રેસ, ડીએમકે, ટીડીપી, તૃણમૂલ કોંગ્રેસ, સપા અને બસપાનો સમાવેશ થાય છે. માયાવતીએ ટ્વિટર ઉપર કહ્યું હતું કે, જો બેઠક ઈવીએમથી ચૂંટણી વિશે હોત તો તેઓ હાજર રહ્યા હોત. તો તૃણમૂલનાં મમતા બેનરજી ગઈકાલે જ આમંત્રણનો અસ્વીકાર કરી ચૂક્યા હતાં. જ્યારે અખિલેશ યાદવે કહ્યું હતું કે, સરકારે પોતાના વચનો ઉપર ધ્યાન આપવું જોઈએ. કેટલાંક પક્ષો એકસાથે ચૂંટણી માટે ક્યારેય સહમત થવાના નથી.
ડાબેરીઓ વતી સીપીઆઈ(એમ)નાં મહામંત્રી સીતારામ યેચુરી, સીપીઆઈનાં ડી.રાજા બેઠકમાં હાજર રહ્યા હતાં. આમ આદમી પાર્ટી વતી રાઘવ ચઢ્ઢા, ટીઆરએસનાં કે.ટી.રામારાવ, એનસીપીનાં શરદ પવાર, જેડીયુનાં નીતિશ કુમાર, એસએડીનાં સુખબીરસિંહ બાદલ, બીજેડીનાં નેતા નવીન પટનાયક, પીડીપીનાં મહેબૂબા મુફ્તિ, નેશનલ કોન્ફરન્સનાં ફારુક અબ્દુલ્લા પણ બેઠકમાં હાજર રહ્યા હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer