લોકપ્રિય શક્તિઓનો ન્યાયપાલિકા માટે પડકાર : ગોગોઈ

લોકપ્રિય શક્તિઓનો ન્યાયપાલિકા માટે પડકાર : ગોગોઈ
એસસીઓ દેશોના ન્યાયાધિશોને સંબોધન કરતા જજની નિષ્પક્ષ નિયુક્તિ ઉપર ભાર મુક્યો
નવી દિલ્હી, તા. 19 : મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ લોકપ્રિય શક્તિઓના ઉદયને ભારતીય ન્યાયપાલિકા માટે એક પડકાર ગણાવ્યો છે. એસસીઓ દેશોના  જજોને સંબોધન દરમિયાન ગોગોઈના કહેવા પ્રમાણે લોકપ્રિય શક્તિઓના ઉદયથી ન્યાયતંત્ર સામે નિષ્પક્ષતા બચાવવાનો પડકાર ઉભો થયો છે. આ દરમિયાન ન્યાયપાલિકાને લોકરંજક શક્તિઓ સામે ઉભા થઈને બંધારણીય મુલ્યની રક્ષા કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, ન્યાયાધિશની નિયુક્તિ રાજનીતિક દબાણ અને પ્રભાવથી પણ મુક્ત હોવી જોઈએ.
શંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) દેશોના ન્યાયાધિશોને સંબોધન કરતા રંજન ગોગોઈએ કહ્યું હતું કે, લોકપ્રિય શક્તિઓ છેલ્લા અમુક સમયથી પ્રભાવી થઈ રહી છે. જજોને  ચૂંટાયા વિનાના એવા પ્રતિનિધી તરીકે રજૂ કરવામાં આવે છે જે બહુમતથી ચૂંટાયેલી શક્તિઓના નિર્ણયો પલટી શકે છે. જે ન્યાયપાલિકા માટે ખતરનાક બની શકે છે. વધુમાં ક્યારેક  ન્યાયપાલિકા લોકપ્રિય શક્તિઓના દબાણમાં પણ આવી જતી હોય છે તેમ રંજન ગોગોઈએ ઉમેર્યું હતું. ન્યાયપાલિકાને ભવિષ્યના પડકારો માટે તૈયાર રહેવાની અપીલ કરતા ગોગોઈએ કહ્યું હતું કે, ન્યાયપાલિકાએ ભવિષ્યના પડકારો માટે ખુદને તૈયાર કરવી પડશે. ન્યાયીક સંસ્થાઓની સ્વાયત્તતાને બચાવવા માટે પોપ્યૂલિસ્ટ તાકાતથી પોતાને મુક્ત રાખવી પડશે.
રંજન ગોગોઈએ એમ પણ કહ્યું હતું કે, જજોની નિયુક્તિ પુરી રીતે નિષ્પક્ષ અને રાજનીતિક પ્રભાવથી મુક્ત હોવી જોઈએ. તેમજ જજનો કાર્યકાળ સુરક્ષિત હોવો જોઈએ. તેમને દુર કરવાની પ્રક્રિયા ખુબ જ આકરી અને મુશ્કેલ હોવી જોઈએ અને જજની સુરક્ષા અને અધિકાર સુરક્ષિત કરવાની જરૂરીયાતનો પણ ઈનકાર કરી શકાય નહી. ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકાર ન્યાયાધિશોની નિયુક્તિમાં વિધાયીકાની ભૂમિકાની વાત અગાઉ પણ કરી ચૂકી છે. તેમજ કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, મંત્રાલય જજની નિયુક્તિમાં માત્ર પોસ્ટ ઓફિસની ભૂમિકામાં ન રહી શકે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer