મીડલ ઓવરોમાં કેપ્ટન કોહલીના હથિયાર: કુલદિપ અને ચહલ

મીડલ ઓવરોમાં કેપ્ટન કોહલીના હથિયાર: કુલદિપ અને ચહલ
કાંડાથી બોલિંગ કરતી આ સ્પિન જોડી ઇનિંગની વચ્ચેની ઓવરોમાં વિકેટો લઇ સુકાનીનો વિશ્વાસ સંપાદિત કરે છે
 લંડન, તા.19: વર્ષ 2017ના ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં પાકિસ્તાનના હાથે ભારતને આંચકારૂપ હાર સહન કરવી પડી હતી. આ પછી ટીમ મેનેજમેન્ટે સ્પિન વિભાગમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો. ખાસ કરીને મર્યાદિત ઓવરોના ક્રિકેટમાં. એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું કે કોઇ એવા બોલર શોધવા જે મીડલ ઓવરોમાં વિકેટ લે. બાદમાં આ શોધ બે કાંડાના સ્પિનર પાસે જઇને અટકી. કુલપિદ યાદવ અને યજુર્વેન્દ્ર ચહલ ટીમ ઇન્ડિયાના વન ડે ફોર્મેટના પ્લેઇંગ ઇલેવનના નિયમિત સભ્ય બની ગયા.
વર્લ્ડ કપના મહામુકાબલામાં પાકિસ્તાન વિરુદ્ધ ચાઇનામેન સ્પિનર કુલદિપ યાદવે ખુદને સાબિત કરીને બે જામેલા બેટધર બાબર આઝમ અને ફખર જમાંને પેવેલિયન ભેગા કરી દીધા. ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી આક્રમક ક્રિકેટની વિચારધારા ધરાવે છે. તેની વિચારધારામાં કાંડાના આ બે સ્પિનર ફિટ બેસે છે. તેમની યોજના વિકેટ લેવાની હોય છે. ફક્ત રન ગતિ રોકવાની નહીં. જો તમે તમારા સ્પેલમાં વિકેટ ન લઇ શકો તો ફાઇનલ ઓવરોમાં હરીફ ટીમ ભારે પડે છે. તેવું ચહલ-કુલદિપનું માનવું છે.
બન્નેની કેરિયર બહુ લાંબી નથી પણ રણનીતિ યોગ્ય રીતે અમલી બનાવવામાં સફળ રહ્યા છે. બન્નેનાં નામે મળી કુલ 91 વન ડેમાં 168 વિકેટ છે. વર્તમાન વર્લ્ડ કપમાં આફ્રિકાને 9 વિકેટે 227 રન પર રોકવામાં ચહલનો મુખ્ય ફાળો હતો. જ્યારે કુલદિપે પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું. કેરિયરની વાત કરીએ તો કુલદિપ અને ચહલ 31-31 વન ડે મેચ રમી ચુક્યા છે. જેમાં કુલદિપે 63 અને ચહલે 49 વિકેટ લીધી છે.
સુકાની કોહલીએ આફ્રિકા સામેના મેચ બાદ કહયું હતું કે આ બે સ્પિનર હોવાની લીધે પાછલા બે વર્ષમાં ટીમ ઇન્ડિયાને સારી સફળતા મળી રહી છે. પાક. સામેના મેચ બાદ પણ કોહલીને કુલદિપની બોલિંગની અને બાબર આઝમને જે દડામાં બોલ્ડ કર્યો તે બોલના ભરપૂર વખાણ કર્યા હતા. આ બારામાં ભારતના પૂર્વ સ્પિનર નરેન્દ્ર હિરવાણીએ જણાવ્યું કે આપ સતત ક્રિકેટ રમતો હો ત્યારે ખુદને અપગ્રેડ કરતા રહેવું પડે છે. મોબાઇલ એપની જેમ. આઇપીએલમાં કુલદિપ સાથે કાંઇ ખોટું થયું ન હતું. તમે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમતા હો અને આઇપીએલમાં રમો ત્યારે તમારી પાસેથી અપેક્ષા વધી જાય. કુલદિપને આઇપીએલમાં વિકેટ ન મળી એથી તે થોડો દબાણમાં હતો. આથી તમારે સતત અપગ્રેડ થતું રહેવું પડે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer