ઓસ્ટ્રેલિયા ખતરનાક બંગલાદેશને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં

ઓસ્ટ્રેલિયા ખતરનાક બંગલાદેશને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં
ટ્રેંટબ્રિજમાં આજે રમાનાર મેચમાં પણ હળવા વરસાદની આગાહી
નોર્ટિંગહામ, તા.19: પાંચ વખતની વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયાની ટીમ ગુરુવારે જ્યારે વિશ્વ કપના મેચમાં જાયન્ટ કીલર બનીને ઉભરી આવેલી બંગલાદેશની ટીમ સામે મેદાને પડશે ત્યારે તેનો ઇરાદો ઉલટફેરથી બચીને સાવધ રહેવાનો રહેશે. બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝ સામેની 7 વિકેટે ધસમસતી જીત બાદ બંગલાદેશની ટીમ આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે અને વધુ એક અપસેટ કરવા બેતાબ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ 8 પોઇન્ટ સાથે ટોચ પર છે અને તે વધુ એક જીત મેળવી સેમિ ફાઇનલ ભણી આગેકૂચ કરવા માંગે છે, પણ તેણે બંગલાદેશ સામે સાવધ રહેવું પડશે. વર્તમાન વિજેતા ઓસ્ટ્રેલિયા તેના પ મેચમાં ફક્ત ભારત સામેનો મેચ જ હારી છે. કાંગારુ ટીમ માટે સારા સમાચાર એ છે કે તેનો ઓલરાઉન્ડર માર્કસ સ્ટોનિસ ફિટ થઈ ગયો છે. આથી તેનો આવતીકાલના મેચમાં સમાવેશ થઈ શકે છે.
ટ્રેંટબ્રિજમાં રમાનાર આ મેચમાં પણ વરસાદનું વિઘ્ન સર્જાઈ શકે છે. બંગલાદેશની ટીમ પ મેચમાં બે જીત અને બે હારથી પાંચ પોઇન્ટ સાથે પાંચમા નંબર છે. તેનો એક મેચ વરસાદમાં ધોવાઈ ગયો હતો. પાછલા મેચમાં બંગલાદેશે વેસ્ટ ઇન્ડિઝનો 321 રનનો સ્કોર 42 ઓવરની અંદર માત્ર 3 વિકેટ ગુમાવીને કરી લીધો હતો. તેનો સ્ટાર ઓલરાઉન્ડર શકિબ અલ હસન શાનદાર બેટિંગ કરી રહયો છે અને બે સદી લગાવી ચુક્યો છે. ઓસિ. ટીમના સહાયક કોચ બ્રેડ હેડિને સ્વીકાર્યું છે કે અમારી ટીમ વિશ્વ કપમાં હજુ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકી નથી. આથી બંગલાદેશને હળવાશથી લેવાની ઓસ્ટ્રેલિયા ભૂલ કરશે નહીં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer