ભારતને ફટકો: શિખર ધવન વર્લ્ડ કપમાંથી બહાર

ભારતને ફટકો: શિખર ધવન વર્લ્ડ કપમાંથી બહાર
પંતનો ટીમમાં સમાવેશ
નવી દિલ્હી, તા. 19 : ટીમ ઈન્ડિયાના મિશન વર્લ્ડ કપને ફટકારૂપ ઘટનાક્રમમાં અંગૂઠામાં ઈજા પામેલો ઈન્ફોર્મ ઓપનર શિખર ધવન સમગ્ર વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે અને તેના સ્થાને ટીમ ઈન્ડિયામાં આક્રમક વિકેટકીપર બેટધર ઋષભ પંતનો સમાવેશ કરાયો છે.
બીસીસીઆઈના સૂત્રે જણાવ્યું હતું કે ધવનને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અંગૂઠામાં વાળ જેટલું ફ્રેકચર જઈ ગયું હતું અને તેને ઠીક થવામાં બે સપ્તાહથી વધુ સમય લાગે એ હોવાથી ધવન વર્લ્ડ કપથી બહાર થઈ ગયો છે. તે વિશ્વ કપની બાકીની મેચોમાં રમી શકે એવી સ્થિતિમાં નથી.
ધવનના સ્થાને પ્રતિભાશાળી પંત અગાઉ જ ઈંગ્લેન્ડ પહોંચી ગયો છે પણ તેને ટીમમાં સત્તાવાર ટીમે સ્થાન અપાયું નહોતું, હકીકતમાં જ્યારે ધવનની ઈજાના હેવાલ બહાર આવ્યા ત્યારે જ એવી માંગ ઊઠી હતી કે તેના સ્થાને પંતને અંતિમ ઈલેવનમાં સ્થાન મળવું જોઈએ. જો કે ભારતે ઓપનિંગમાં લોકેશ રાહુલને મોકલીને મધ્ય હરોળમાં ઓલરાઉન્ડર વિજય શંકરને તક આપી હતી. બંને પાકિસ્તાન સામે સારો દેખાવ કરવામાં સફળ રહ્યા હતા.
ભારત માટે બીજી ચિંતા ભુવનેશ્વર કુમારની ઈજાની પણ છે. જો તે ફિટ નહીં હોય તો અન્ય ઝડપી બોલર મોહમ્મદ શમીને તક મળી શકે છે.
શિખર ધવનના વર્લ્ડ કપમાંથી બહાર થઈ જવાની જાણકારી ટીમ ઈન્ડિયાના મેનેજર સુનિલ સુબ્રમણમે આપી હતી. ભારતનો હવે પછીનો મેચ શનિવારે અફઘાનિસ્તાન સામે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer